નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો
Bihar CM Nitish Kumar: બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. જેની તાડામાર તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારને લઘુમતી સમુદાય તરફથી મોટો ઝટકો મળ્યો છે. જેડીયુને વક્ફ સુધારા બિલનું સમર્થન કરવાનું ભારે પડ્યું હોવાના સંકેતો મળ્યા છે. મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ નીતિશની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે JDUના વક્ફ સુધારા બિલને સમર્થનના કારણે મુસ્લિમ સંગઠનો તેનાથી નારાજ છે અને પહેલીવાર નીતિશની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. આ ઈફ્તાર પાર્ટી રવિવારે પટનામાં યોજાવા જઈ રહી છે.
એનડીએ સરકાર લાવી રહી છે વક્ફ (સુધારા) બિલ, 2024
બિહારમાં જેડીયુના નેતૃત્વમાં એનડીએની સરકાર છે. BJP, LJP (R) અને હિન્દુસ્તાન આવામ મોરચા પણ આ સરકારનો હિસ્સો છે. કેન્દ્રની મોદી સરકાર વક્ફ (સુધારા) બિલ, 2024 લાવવાની તૈયારી કરી રહી છે. ફેબ્રુઆરી 2025માં મોદી કેબિનેટે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા પ્રસ્તાવિત 14 સુધારાઓને મંજૂરી આપી દીધી છે. આ સુધારાઓ વક્ફ મિલકતોની નોંધણી, વિવાદ પતાવટની પ્રક્રિયાઓ અને વક્ફ બોર્ડની રચના સાથે સંબંધિત છે. વિરોધ પક્ષોએ બિલની કેટલીક જોગવાઈઓ સામે વાંધો ઉઠાવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે.
મુસ્લિમ સંગઠનોએ શું નિર્ણય લીધો?
મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ અને ઈમારત-એ-શરિયાએ વક્ફ (સુધારા) બિલ પર એનડીએના સહયોગી નીતિશ કુમાર, એન ચંદ્રબાબુ નાયડુ અને ચિરાગ પાસવાનના વલણને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. તેમણે ઇફ્તાર, ઇદ મિલન અને અન્ય કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ઇફ્તાર પાર્ટીનો બહિષ્કાર કરનાર સંગઠનોમાં ઇમારત-એ-શરિયા, જમાત ઇસ્લામી, જમાત એહલે હદીસ, ખાનકાહ-એ- મોજબિયા, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમિયત ઉલેમા-એ-હિંદ અને ખાનકાહ-એ-રહેમાની છે. અન્ય મુસ્લિમ સંગઠનોથી અંતર જાળવવા પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 'લોકો નહીં પણ નેતાઓ જાતિવાદી હોય છે...' નીતિન ગડકરીના નિવેદનથી રાજકારણમાં હડકંપ
બહિષ્કારનો નિર્ણય કેમ લેવાયો?
ઈમારત-એ-શરિયાના જનરલ સેક્રેટરી મુફ્તી સૈદુર રહેમાને મીડિયાને જણાવ્યું હતું કે, અમારી ધાર્મિક સંસ્થાઓ નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલી ઇફ્તાર પાર્ટીમાં ભાગ લેશે નહીં. જેડીયુએ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વક્ફ સુધારા બિલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, તે દૃષ્ટિકોણથી અમે મુખ્યમંત્રીની ઇફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. જમિયતના વડા મૌલાના અરશદ મદનીએ એક નિવેદનમાં આરોપ મૂક્યો હતો કે, આ નેતાઓ સરકારના 'બંધારણ વિરોધી પગલાં'નું સમર્થન કરી રહ્યા છે.
આરજેડીએ શું કહ્યું?
આરજેડીએ નીતિશ કુમારની ઈફ્તાર પાર્ટીના બહિષ્કારનો નિર્ણય સ્વીકાર્યો છે. આરજેડીના પ્રવક્તા એઝાઝ અહેમદે કહ્યું કે મુસ્લિમ સંગઠનોનો નિર્ણય યોગ્ય છે. જેડીયુ મુસ્લિમો સાથે બેવડું વલણ અપનાવી રહી છે. એક તરફ વક્ફ બિલ માટે સમર્થન અને બીજી તરફ ઈફ્તારની મહેફિલ… બંને કામ નહીં કરે. જેડીયુ, ટીડીપી અને એલજેપી (આર) તમામ ભાજપના એજન્ડા સાથે છે.
ભાજપ પર નિશાન સાધ્યું
આરજેડીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું- અમે ઈફ્તારનું આયોજન કરીએ છીએ તો તેઓ અમને નિશાન બનાવે છે. જો નીતિશ કુમાર દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવે તો અમે મૌન રહીએ છીએ. અમે તિલક પણ કરીએ છીએ અને ટોપી પણ પહેરીએ છીએ. અમારા નેતા તેજસ્વી યાદવ મંદિરે જાય છે અને ઇફ્તારમાં પણ હાજરી આપે છે.
JDUએ શું આપ્યો જવાબ?
જેડીયુના પ્રવક્તા નવલ શર્માએ કહ્યું કે, ધર્મનિરપેક્ષતાના રક્ષણ માટે નીતિશ કુમારની પ્રતિબદ્ધતા જાણીતી છે. છેલ્લાં 20 વર્ષમાં બિહારમાં લઘુમતીઓના સન્માન અને આજીવિકા માટે નીતિશ કુમારે ગંભીર ચિંતા દર્શાવી છે. નીતિશ કુમાર છેલ્લા ઘણા સમયથી ઈફ્તાર પાર્ટીઓ આપી રહ્યા છે. આ કોઈ નવી વાત નથી. પરંતુ પોતાના સમયમાં બિહારમાં કબ્રસ્તાનની જમીનો કબજે કરનાર, મદરેસા શિક્ષકોને ભૂખ્યા રાખનારા અને ભાગલપુર રમખાણોના આરોપીઓને બચાવનારી આરજેડી કયા મોઢેથી બોલે છે?
ભાજપે આરજેડીને ઘેરી
ભાજપના પ્રવક્તા પ્રભાકર મિશ્રાએ કહ્યું કે, બહિષ્કારનો નિર્ણય નિંદનીય છે. વક્ફ સુધારા બિલને સમર્થન આપવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરજેડી દ્વારા આનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, સુધારો બિલ વક્ફ બોર્ડની કરોડોની સંપત્તિ બચાવવા માટે અમલી બનાવવામાં આવી રહ્યો છે. આ મિલકતનો ગેરકાયદેસર કબજો અને દુરુપયોગની ફરિયાદો લાંબા સમયથી આવી રહી હતી. આ બિલ તેને બચાવવા માટે છે. તેથી મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી. મુસ્લિમ સંગઠનોના લોકોને અપીલ છે કે તેઓ આરજેડીના ખોટા પ્રચાર અને લોકોને ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહે. તેમને માત્ર પોતાના વોટ બેન્કની જ ચિંતા છે. જ્યારે સીએમ નીતિશ કુમાર એનડીએના સબકા સાથ, સબકા વિકાસ અને પરસ્પર સંવાદિતા સાથે આગળ વધી રહ્યા છે.