Get The App

3 વર્ષમાં ચોથી વખત નીતીશ કુમાર થયા 'આઉટ ઓફ કંટ્રોલ', ભરી સભામાં મહિલાઓ અંગે જીભ લપસી

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
3 વર્ષમાં ચોથી વખત નીતીશ કુમાર થયા 'આઉટ ઓફ કંટ્રોલ', ભરી સભામાં મહિલાઓ અંગે જીભ લપસી 1 - image


Image Source: Twitter

Nitish Kumar Tongue Slips: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે ફરી એકવાર વિધાનસભામાં પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. ચોમાસુ સત્રના ત્રીજા દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહમાં જાતિ આધારિત વસતી ગણતરી અંગે સ્પષ્ટતા આપી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ હંગામો કર્યો હતો. ત્યારબાદ સીએમ નીતિશ કુમાર ગુસ્સે થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે ગૃહમાં RJDના મહિલા ધારાસભ્ય રેખા દેવી પર ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેમને કહ્યું કે, 'અરે મહિલા છો, તમને કંઈ ખબર નથી'. નીતિશ કુમારના આ નિવેદન પર ગૃહમાં હોબાળો મચી ગયો હતો. જોકે, આ પહેલી વખત નથી કે, મહિલાઓને લઈને નીતિશ કુમારની જીભ લપસી ગઈ હોય.

આઠ મહિના પહેલા પ્રજનન દર અંગેના વિવાદાસ્પદ નિવેદનના કારણે નીતિશ વિપક્ષના નિશાન પર આવ્યા હતા. આટલું જ નહીં છેલ્લા 3 વર્ષમાં 4 એવી ઘટનાઓ બની જેમાં નીતિશ વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. 

ક્યારે-ક્યારે નીતિશ કુમારની જીભ લપસી?

1. વસતી નિયંત્રણ પર બોલતી વખતે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા હતા

નવેમ્બર 2023માં મહાગઠબંધન સાથે નીતિશ કુમાર સરકારમાં હતા. આ દરમિયાન વિપક્ષે વસતી નિયંત્રણનો મુદ્દો ઉઠાવ્યો હતો. નીતિશ કુમાર વિધાનસભામાં બોલવા માટે ઊભા થયા હતા અને આ દરમિયાન તેમણે મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે,  જો બાળકી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે. 

2. મહિલા ધારાસભ્યને કહ્યું તમે કેટલા સુંદર છો

2021માં શિયાળુ સત્ર દરમિયાન મહિલા ધારાસભ્ય નિક્કી હેમ્બ્રમ પર નીતિશ કુમારની ટિપ્પણી ખૂબ ચર્ચામાં રહી હતી. નીતિશ કુમાર વિધાનસભામાં દારૂબંધી પર બોલી રહ્યા હતા. આ દરમિયાન આદિવાસીઓના મુદ્દે નિક્કીએ સવાલ પૂછ્યો હતો. નિક્કીએ કહ્યું હતું કે મહુઆ અંગે છૂટછાટ મળવી જોઈએ. તેના પર નીતિશ પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા.

નીતીશે નિક્કીને કહ્યું કે તમે કેટલા સુંદર છો પરંતુ શું તમને ખબર છે કે મેં આદિવાસીઓ માટે શું-શું કર્યું છે? નીતિશના આ નિવેદન પર ગૃહમાં હોબાળો થયો હતો. નિક્કીએ તેને એશોભનીય ગણાવીને ભાજપ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી.

3. તેજસ્વી યાદવને કહ્યું- તમારા પિતાને જઈને પૂછો

2021માં બજેટ સત્ર દરમિયાન ક્રાઈમના મુદ્દાને ઉઠાવતા વિપક્ષી નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમારને ઘેર્યા હતા. તેજસ્વીના આરોપ પર નીતિશ ફાયર થઈ ગયા હતા અને પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. 

તેમણે તેજસ્વીને કહ્યું કે, તારા પિતાને જઈને પૂછ કે, તેમને મુખ્યમંત્રી કોણે બનાવ્યા. તું મારા ખોળામાં રમ્યો છે તેથી તમને કંઈ નથી કહી રહ્યો પરંતુ તમારું આચરણ સતત જોઈ રહ્યો છું અને આ ખોટું છે. નીતિશના આ નિવેદન પર એટલો હોબાળો મચ્યો હતો કે, ગૃહની કાર્યનાહી સ્થગિત કરવી પડી હતી. 

4. પોતાની વિરુદ્ધ જ મુર્દાબાદના નારા લગાવ્યા હતા

ફેબ્રુઆરી 2024માં નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈને NDAમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ વિધાનસભાના સત્રમાં RJDના ધારાસભ્યો નીતિશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ સૂત્રોચ્ચારથી નારાજ થઈને નીતિશ કુમારે પોતાના વિરુદ્ધ જ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. 

સત્ર પૂર્ણ થયા બાદ નીતિશે કહ્યું હતું કે જે લોકો મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે તેમને જનતા પાઠ ભણાવશે. 




Google NewsGoogle News