Get The App

દિલ્હીમાં ટેકો આપવાની કિંમત બિહારમાં વસૂલશે નીતિશ કુમાર, વિધાનસભામાં ભાજપને મોટો ઝટકો આપવાની તૈયારી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં ટેકો આપવાની કિંમત બિહારમાં વસૂલશે નીતિશ કુમાર, વિધાનસભામાં ભાજપને મોટો ઝટકો આપવાની તૈયારી 1 - image


Bihar Assembly Election 2024 : બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી શરુ થઈ ગઈ છે. એક બાજુ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનના ઘટક દળોના નેતા અલગ-અલગ નામથી રાજકીય યાત્રાઓ કરી રહ્યા છે. બીજી બાજુ મુખ્યમંત્રી નીતિશ કુમાર વહેલામાં વહેલી તકે બોર્ડ-નિગમમાં બાકીના પદોની ભરતી કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે. અત્યાર સુધી ‘બીસ સૂત્રી સમિતિ’ અને બાળ સંરક્ષણ આયોગના ખાલી હોદ્દા ભરાયા છે. બન્ને સંસ્થામાં ભાજપ અને જેડીયુએ પોતાના જ લોકોની નિમણૂક કરી છે, પરંતુ એનડીએના ત્રણ ઘટક દળ ચિરાગ પાસવાન અને તેના કાકા પશુપતિ કુમાર પાસવાનના નેતૃત્વવાળા લોજપાના બન્ને દળો, જીતન માંઝીની હમ (હિન્દુસ્તાની આવામ મોરચા) અને ઉપેન્દ્ર કુશવાહાના આરએલએમના હાથ ખાલી છે. હજુ આવી સંસ્થાઓમાં સભ્ય અને અધ્યક્ષની નિયુક્તિ થવાની બાકી છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, ત્યાં પણ આ જ ક્રમનું પુનરાવર્તન કરાશે.

એનડીએમાં થશે વિખવાદ?

આ ઘટનાને એનડીએમાં વિખવાદનું બીજારોપણ પણ માનવામાં આવે છે. નીતિશ કુમાર લાખવાર સ્પષ્ટતા કરે કે, તે હવે એનડીએ છોડીને ઇન્ડિયા ગઠબંધન સાથે નહીં જાય, પરંતુ તેમના જૂના અંદાજને જોઈને વિશ્વાસ થતો નથી. કહેવામાં આવી રહ્યું છે કે, નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને જો આંખ બંધ કરીને સમર્થન આપ્યું છે અને ભાજપની દરેક વાત અત્યાર સુધી માની છે તો તેની મોટી કિંમત વસૂલશે અને ભાજપને મજબૂર થઈને તેમની શરતો માનવી પડશે. જેડીયુની પહેલી માગ છે કે, નીતિશ કુમાર જ બિહારમાં એનડીએના નેતા હશે. ભાજપે તેનો સ્વીકાર કરી લીધો છે. જેની ઝલક તો એ દિવસથી જ દેખાઈ ગઈ હતી, જ્યારે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહથી પરત ફર્યા. બિહારના નાયબ મુખ્યમંત્રી અને તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પટના પહોંચતા જ જાહેરાત કરી દીધી કે, ભાજપ નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે. ભાજપના ટોચના નેતૃત્વએ પણ તેનું ખંડન કર્યું નથી.

આ પણ વાંચોઃ શું NDAથી નારાજ છે ચિરાગ પાસવાન? અટકળો પર જવાબ આપતા કહ્યું- 'વર્ષ 2029માં પણ...'

અત્યારથી શરુ થઈ ગઈ ડિમાન્ડ

એનડીએના સહયોગી પક્ષમાં ચિરાગ પાસવાનના નેતૃત્વવાળી લોજપા(આર) એ 40 બેઠક પર દાવેદારી નોંધાવી છે. બાર્ગેનિંગની સ્થિતિમાં ચિરાગને દરેક જિલ્લામાં એક એટલે કુલ 38 બેઠક જોઈએ છે. તેણે તો દબાણ બનાવવા માટે પહેલાંથી જ બે બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. શેખપુરા અને મટિહાની બેઠક માટે ચિરાગે ઉમેદવારના નામ ફાઇનલ કરી દીધા છે. આરએલએમ પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા પણ કહે છે કે, લોકસભા ચૂંટણીમાં જે ભૂલ થઈ, તેને વિધાનસભા ચૂંટણીમાં સુધારી દઈશું. લોકસભા ચૂંટણીમાં આરએલએમને એક જ બેઠક મળી હતી. ઉપેન્દ્ર કુશવાહા પોતે લડ્યા, પરંતુ હારી ગયા. તેઓએ બિહાર યાત્રાના નામે બિહારમાં પોતાની રાજકીય યાત્રા 25 સપ્ટેમ્બરે શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. હમના સંસ્થાપક જીતન માંઝી હાલ કંઈ બોલી નથી રહ્યા, પરંતુ બાર્ગેનિંગમાં તે માસ્ટર છે. તે પણ વાદાવાદમાં એટલી બેઠકોની માંગ કરે જે સંભવ જ નથી, તો નવાઈ નહીં.

નીતિશે માંગી 135 બેઠક

જેડીયુની 16 સપ્ટેમ્બર, સોમવારે મોટી બેઠક થઈ હતી. જેમાં ઘણાં મુદ્દાઓની સાથે વિધાનસભા ચૂંટણી પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. ઉમેદવારોની પસંદગીથી લઈને બેઠકો સુધીની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નીતિશ કુમારની ઇચ્છા 135 બેઠક પર ચૂંટણી લડવાની છે. ભાજપ સાથે ગઠબંધન તો રહેશે, પરંતુ સહયોગી પક્ષને મનાવવા અને તેમને બેઠક આપવાની જવાબદારી ભાજપની રહેશે. એટલે કે, જેડીયુ ભાજપને 108 બેઠક આપશે, જેમાં તેને એનડીએના અન્ય પક્ષ સિવાય પોતાના માટે પણ બેઠક રાખવી પડશે. નીતિશનો આ દાવ ભાજપ પર ભારે પડશે. જેડીયુનું માનવું છે કે, પાર્ટીના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને સમર્થન છે. મંત્રી બનાવવાથી લઈને તેમના વિભાગ વહેંચણી અને સ્પીકર, ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી સુધીમાં જેડીયુએ ભાજપને ખુલ્લી છૂટ આપી. ત્યાં સુધી કે, ભાજપે આરએલએમના ઉપેન્દ્ર કુશવાહાને જેડીયુના ભાગની બેઠકથી રાજ્યસભા મોકલવાની ઇચ્છા રાખી તો પણ નીતિશે વાંધો ન ઉઠાવ્યો. હવે બિહારમાં નીતિશ કુમાર પોતાના હિસાબે ચાલવા માંગે છે. પરંતુ, બેઠકમાં એવી પણ સંમતિ બની કે, વાતચીતમાં થોડી બેઠક આગળ-પાછળ થઈ શકે છે, પરંતુ જેડીયુ કોઈપણ હાલમાં ભાજપથી વધારે બેઠક પર ચૂંટણી લડશે. આ સંદર્ભે જ થોડા સમય પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની નીતિશ સાથે મુલાકાતની ખબર પણ મીડિયામાં આવી હતી. એટલે કે, એનડીએમાં ટિકિટ વહેંચણી સરળ નહીં રહે.

આ પણ વાંચોઃ બે વખત ભૂલ કરી, હવે રાજદ સાથે ક્યારેય જોડાણ નહીં : નીતિશ કુમાર

નીતિશને કેમ જોઈએ છે વધારે બેઠક? 

જેડીયુના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાએ વધારે બેઠક માંગવાનું કારણ જણાવ્યું છે. કુશવાહાએ કહ્યું કે, 'લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટી પરફોર્મન્સ સારું રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં તેને વધુ સારું બનાવવાનું છે. સો ટકા સફળતા માટે બધાએ મળીને કામ કરવાનું છે. જેડીયુએ દરેક ક્ષેત્રના પ્રભારી નિયુક્ત કર્યા છે. બધાને પોતાના વિસ્તારમાં ખૂબ જ મહેનત સાથે કામ કરવું પડશે. લોકસભા ચૂંટણીમાં 243 વિધાનસભા ક્ષેત્રોમાં જેડીયુ 74 બેઠક પર અને ભાજપ 68 બેઠક પર આગળ છે. જેડીયુ તેના આધારે વધારે બેઠક પર લડવાની વાત કરે છે.'

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જેડીયુ 135 બેઠક પોતાની પાસે રાખશે અને બાકીની બેઠક ભાજપને આપશે. જેડીયુનો તર્ક છે કે, તેની સમજૂતી ભાજપ સાથે છે. ભાજપ પોતાના ભાગની બેઠકમાંથી સહયોગી પાર્ટીને આપશે. મોટા ભાઈની ભૂમિકામાં રહેવાના કારણે જેડીયુ ભાજપ કરતાં વધારે બેઠક પર લડશે.


Google NewsGoogle News