પાંચ મંત્રી, બિહારને વિશેષ દરજ્જો...: NDAની સરકાર બનાવવા નીતિશ કુમાર કરી શકે છે આવી માંગણી
Image Source: Twitter
Nitish Kumar : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદ કિંગમેકરની ભૂમિકામાં આવેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ વડાપ્રધન નરેન્દ્ર મોદીનું નાક દબાવશે. જેડીયુએ દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી અને બિહારને વિશેષ દરજ્જો અપાવવાની સાથે-સાથે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા પાંચ મંત્રી પદની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નીતિશ કુમારની કેન્દ્રીય કેબિનેટમાં રેલવે, ગ્રામણી વિકાસ અને જળ સંસાધન જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો પર નજર છે. તેઓ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર બોલાવવામાં આવેલી NDAની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા.
NDAને 292 બેઠકો પર જીત મળી
મંગળવારે લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં NDAને 292 બેઠકો પર જીત મળી છે. જોકે, ભાજપ આ વખતે બહુમતના આંકડા (272)થી પાછળ રહી હતી અને 240 બેઠકો પર જ જીત નોંધાવી શકી છે. આવી સ્થિતિમાં પીએમ મોદીને દેશમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે પોતાના સાથી પક્ષોની જરૂર છે. આવી સ્થિતિમાં 12 બેઠકો જીતનારી પાર્ટી જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમાર મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવી રહ્યા છે.
જેડીયુના એક નેતાએ જણાવ્યું કે, બિહારના ઝડપી વિકાસ માટે જેડીયુ નેતૃત્વ કેન્દ્રીય કેબિનેટમાં કેટલાક મહત્વપૂર્ણ મંત્રાલય ઈચ્છે છે. જેથી બિહારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ક્ષેત્રમાં ઝડપથી કામ કરી શકાય.
બિહારની જેમ આખા દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માંગે છે નીતિશ
બીજા એક જેડીયુ નેતાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારની જાતિ આધારિત વસતી ગણતરીનું મોડ્યુલ આખા દેશમાં લાગુ કરવા માંગે છે. જેડીયુ કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા પર ભાર મૂકશે. જેથી ગરીબ અને પછાત લોકોને મુખ્ય ધારામાં લાવી શકાય.
જેડીયુના બિહારમાં હાલમાં 45 ધારાસભ્યો
આ ઉપરાંત જેડીયુના કેટલાક નેતાઓએ સીએમ નીતીશ કુમાર સામે બિહારમાં સમય પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. જેથી લોકસભા ચૂંટણીમાં મળેલી જીતના કારણે જેડીયુ વિધાનસભામાં પણ સારી સ્થિતિમાં પહોંચી શકે. જેડીયુના બિહારમાં હાલમાં 45 ધારાસભ્યો જ છે જ્યારે સાથી પક્ષ બીજેપીના 78 ધારાસભ્યો છે.
જેડીયુ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા પર ભાર મૂકશે
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ NDAમાં ભાવતોલની સ્થિતિમાં આવેલી જેડીયુ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા પર ભાર મૂકશે. જેડીયુ એમએલસી ખાલિદ અનવરે કહ્યું કે, બિહારના સામાજિક અને આર્થિક વિકાસ માટે મોટી માત્રામાં ફંડની જરૂર છે. તેના કારણે જેડીયુ વિશેષ રાજ્યનો દરજ્જો અને કેન્દ્રમાંથી બિહાર માટે મોટું ફંડ ઈચ્છે છે.