બેંગ્લોરમાં વિપક્ષી દળોની બીજી બેઠકમાં સામેલ થશે નીતીશ કુમાર અને લાલુ યાદવ
આગામી 17 અને 18 જુલાઈએ બેંગ્લોરમાં યોજાશે વિપક્ષી દળોની બીજી બેઠક
બેઠકમાં કુલ 24 પક્ષો ભાગ લે તેવી સંભાવના : બેઠકમાં સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહેશે
નવી દિલ્હી, તા.13 જુલાઈ-2023, ગુરુવાર
ભાજપને મોટો પડકાર આપવાના તમામ વિપક્ષી દળો એક થવાની કવાયતમાં લાગી ગયા છે. આ કવાયત હેઠળ વિપક્ષી દળોની આગામી બેઠક 17 અને 18 જુલાઈએ બેંગલુરુમાં યોજાવાની છે. એવું મનાઈ રહ્યું છે કે, આ બેઠકમાં વિપક્ષના લગભગ 24 પક્ષો ભાગ લેવાના છે. જનતા દળ-યુનાઈટેડના વરિષ્ઠ નેતા અને બિહાર સરકારના મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બેંગલુરુમાં 17 અને 18 જુલાઈએ યોજાનારી બીજી સંયુક્ત વિપક્ષની બેઠકમાં ભાગ લેશે. ઝાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી 17 અને 18 જુલાઈએ બેંગલુરુમાં યોજાનારી બેઠકમાં હાજરી આપશે. ઝાએ જણાવ્યું કે, પટનામાં ભાજપના વિરોધમાં 15 પક્ષોના પ્રમુખોની હાજરીમાં યોજાયેલી મેગા વિપક્ષી બેઠકનું પરિણામ સકારાત્મક રહ્યું છે.
બેઠકમાં કુલ 24 પક્ષો ભાગ લે તેવી સંભાવના
બેંગલુરુમાં સંયુક્ત વિપક્ષની બીજી બેઠકમાં કુલ 24 પક્ષો સામેલ થવાની વાત કહેવામાં આવી રહી છે. બેંગ્લોરની બેઠકમાં સામેલ થનારા બિહારના અન્ય મુખ્ય લોકોમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ સામેલ છે. રાષ્ટ્રીય જનતા દળ 6 પક્ષોના મહાગઠબંધન સરકારમાં એક મુખ્ય ઘટક છે. આ મહાગઠબંધનમાં કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ-યુનાઈટેડ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય ભારતની સીપીએમ, કોમ્યુનિસ્ટ પાર્ટી લિબરેશન અને કોમ્યુનિસ્ટ પાર્ટી સામેલ છે.
બેંગલુરુની બેઠકમાં સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહેશે
બેંગલુરુ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી પણ 17મીએ વિપક્ષી નેતાઓ માટે આયોજિત રાત્રિ ભોજનમાં સામે થઈ શકે છે. આ બેઠકમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની નવા પક્ષ તરીકે એન્ટ્રી થઈ છે. આ બેઠક માટે આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
બેગલુરુમાં યોજાનાર બેઠક નિર્ણાયક હશે : લાલુ યાદવ
આ મહિનાની શરૂઆતમાં લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, બેંગલુરુમાં વિપક્ષી નેતાઓની બીજી બેઠક નિર્ણાયક હશે, કારણ 2024ની સામાન્ય ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને હટાવવાના પ્રસ્તાવિત મોરચાને અંતિમ સ્વરૂપ આપશે.