બિહારમાં 12 બ્રિજ ધરાશાયી થતાં સફાળે જાગી નીતીશ સરકાર, 15 એન્જિનિયર સસ્પેન્ડ, કન્સ્ટ્રક્શન કંપની બ્લેકલિસ્ટ
Bihar Bridge Collapse : બિહાર રાજ્ય ગરમ રાજકરણ અને બેરોજગારી-ગરીબી નહિ પરંતુ ભ્રષ્ટાચારમાં પણ દેશમાં ટોચ પર હોવાના અનેક પુરાવા મળી રહ્યાં છે. બિહારમાં 12 પુલ ધરાશાયી થવાના મામલામાં બિહાર સરકારે અંતે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે સફાળે જાગેલી સરકારે 15 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે અને બે ઇજનેરો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. સસ્પેન્ડ કરેલા ઇજનેરોમાં 4 ગ્રામ્ય બાંધકામ વિભાગના અને 11 જળ સંસાધન વિભાગના છે. 2 એક્ઝિક્યુટિવ એન્જિનિયર, 4 આસિસ્ટન્ટ એન્જિનિયર, 2 જુનિયર એન્જિનિયર સહિત 15 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે માતેશ્વરી કન્સ્ટ્રક્શન કંપની પર પણ નીતિશ સરકારે કડક પગલાં લઈને બ્લેક લિસ્ટ કરી છે.
જળ સંસાધન વિભાગના અધિક મુખ્ય સચિવ ચૈતન્ય પ્રસાદે કહ્યું કે રાજ્યમાં અનેક પુલ ધરાશાયી થતા રચાયેલી તપાસ સમિતિએ તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ક્યારે કેટલા પુલ તૂટ્યા?
18 જૂન : અરરિયા
22 જૂન : સિવાન
23 જૂન : પૂર્વ ચંપારણ
27 જૂન : કિશનગંજ
28 જૂન : મધુબની
01 જુલાઈ : મુઝફ્ફરપુર
03 જુલાઈ : સિવાનમાં ત્રણ અને સારણમાં બે
04 જુલાઈ: સારણ
સિવાનમાં ત્રીજી જુલાઈએ ત્રણ પુલ તૂટ્યા
સિવાયન જિલ્લાના મહારાજગંજમાં ત્રણ જુલાઈએ એક જ દિવસમાં ત્રણ પુલ ધરાશાયી થયા હતા. એક પુલ સિકંદરપુર ગામમાં, બીજો દેવરિયા પંચાયતમાં અને ત્રીજો ભીખાબાંધમાં ધરાશાયી થયો હતો. આ તમામ પુલ તત્કાલીન સાંસદ પ્રભુનાથ સિંહના ફંડમાંથી બનાવાયા હતા, જે 30 વર્ષથી પણ વધુ જૂના છે.
RJDના સરકાર સામે આક્ષેપ :
આરજેડી નેતા તેજસ્વી યાદવ પુલ તૂટી પડવાના મુદ્દે રાજ્ય સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. શુક્રવારે પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર તેમણે નીતિશ સરકાર પર પણ પ્રહારો કર્યા હતા. સરકાર અને ભાજપને પડકારતાં યાદવે કહ્યું કે, પુલના નિર્માણ માટે મંજૂરી, ટેન્ડર, શિલાન્યાસ અને ઉદ્ઘાટનની તારીખ જાહેર કરો. બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
તેજસ્વીએ કહ્યું કે, બિહારમાં જે બ્રિજ પડી રહ્યા છે તે તમામ બ્રિજ જ્યારે JDU પાસે વિભાગ હતો ત્યારે બનાવવામાં આવ્યા હતા. આ પુલો પડી રહ્યા છે કારણ કે તેમાં ભ્રષ્ટાચાર અને કમિશન માંગવામાં આવ્યું છે. આરજેડી નેતાએ વધુમાં કહ્યું કે, સતત પુલ તૂટી પડવા સિવાય NEET પેપર લીક, દરેક પરીક્ષાનું પેપર લીક, દરેક પરીક્ષામાં ગોટાળા અને ભ્રષ્ટાચાર, વિવિધ સ્થળોએ દિવાલ ધરાશાયી, રોડ તૂટી જવા, એરપોર્ટ ધરાશાયી… આ બધું કહેવાતા ડબલ એન્જિનની સરકારોના ભ્રષ્ટાચાર જ છે.