mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

છ વખત વિધાયક રહેલા નીતીન પટેલ મુખ્ય મંત્રી પદ ન મળતાં અત્યંત વ્યથિત

Updated: Sep 13th, 2021

છ વખત વિધાયક રહેલા નીતીન પટેલ મુખ્ય મંત્રી પદ ન મળતાં અત્યંત વ્યથિત 1 - image


- પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આંખમાં આંસુ આવ્યાં કહ્યું : પક્ષમાં પદ મળે કે ન મળે પક્ષ માટે કામ કરતો જ રહીશ

ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામાં પછી ભાજપે માત્ર પહેલી જ વખત વિધાયક બનેલા ભૂપેન્દ્ર પટેલને ચૂંટી કાઢ્યા છે. આજે ૨.૨૦ કલાકે તેમનો શપથ વિધિ યોજાઈ ગયો. તે પૂર્વે આજે સવારે પત્રકારોએ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલનાં નિવાસસ્થાને જઈ તેઓની મુલાકાત લીધી હતી. તેઓને પત્રકારોએ સીધો જ પ્રશ્ન પૂછયો હતો કે, વિજયભાઈ રૂપાણીએ, રાજીનામું આપ્યું પછી આપને શા માટે તે પદે નિયુક્ત ન કરાયા ? વળી એમ પણ સાંભળ્યું છે કે આપ આથી નારાજ છો.' તે પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ ન મળ્યું તેથી હું જરા પણ વ્યથિત નથી થયો. મને તેનું કોઈ દુઃખ પણ નથી. પરંતુ આમ કહેતાં તેઓની આંખમાં આંસુ દેખાતાં હતાં. તે તેઓનાં મનની વાત કહી દેતાં હતાં. તેઓએ કહ્યું હતું કે હું છ વખત વિધાયક રહી ચૂકયો છું અને જ્યાં સુધી લોકોનાં મનમાં સ્થાન હશે ત્યાં સુધી હું વિધાયક બનતો રહીશ. હું ૧૮ વર્ષનો હતો ત્યારથી પક્ષનું કામ કરૂં છું, કરતો પણ રહીશ. મને પદની ઇચ્છા નથી.

તેઓએ કહ્યું હતું કે કોઈ પણ સંત સ્વામી કે બ્રાંડને જનતા જયાં સુધી સ્વીકારતી રહે ત્યાં સુધી તે માન્ય રહે છે. કોઈ પણ વ્યકિત લોકોનો વિશ્વાસ જીતીને જ મોટો બની શકે છે. કોઇની બાજુમાં રહીને કોઈ મોટું બની જ ન શકે.

તેમણે જયારે કહ્યું કે હું છ વખત વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યો છું તે તો જનતાના આશિર્વાદથી થઈ શકયું છે. તેમ કહેતાં કહેતા નીતીન પટેલ ભાવુક બની ગયા હતા. તેમની આંખોમાં આંસુ દેખાતાં હતાં. આમ છતાં તેઓએ કહ્યું કે મને કોઈ પદની અપેક્ષા નથી. હું તો ૧૮ વર્ષનો હતો ત્યારથી પક્ષમાં કામ કરી રહ્યો છું અને કરતો રહીશ. ભલે મને કોઈ પદ મળે કે ન મળે, હું પાર્ટીમાં લોકોની સેવા કરતો જ રહીશ.

ભૂપેન્દ્ર પટેલને પોતાના જૂના અને પારિવારિક મિત્ર કહેતાં કહ્યું હતું કે મારી તેઓને શુભેચ્છાઓ છે. ભુપેન્દ્રને શપથ લેતાં જોવાથી મને આનંદ થશે. જરૂર પડે તો મારૂં માર્ગદર્શન લેવાની પણ તેમણે વાત કરી છે.

આજે (તા. ૧૩મીના દિને) સવારે ભૂપેન્દ્ર પટેલ, નીતીન પટેલને મળવા તેઓનાં નિવાસસ્થાને ગયા હતા, અને તેઓના ચરણ સ્પર્શ કરી તેમના આશિર્વાદ માગ્યા હતા.

ભુપેન્દ્ર પટેલના શપથ વિધિ સમારોહમાં અમિત શાહ અને મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઉપસ્થિત રહેનાર છે.

Gujarat