'રાજકારણ અસંતુષ્ટ આત્માઓનો સાગર, મંત્રી દુઃખી છે કેમ કે CM ન બની શક્યો..' ગડકરીએ ફરી ચોંકાવ્યા
Maharashtra Politics: મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે (પહેલી નવેમ્બર) એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 'જીવન એ સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે. જ્યારે રાજકારણ એ 'અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર' છે, જ્યાં દરેક વ્યક્તિ નાખુશ હોય છે અને તેના વર્તમાન પદ કરતાં ઊંચા પદની ઈચ્છા રાખે છે.' કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા ચાલી રહી છે.
મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઈને મંથન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત હોવા છતાં, મહાયુતિ હજુ પણ મુખ્યમંત્રીની પસંદગી કરી શકી નથી. એવા અહેવાલો છે કે ભાજપ મુખ્યમંત્રી પદ જાળવી રાખશે. આ દરમિયાન અન્ય બે પક્ષો, એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
'જીવન પડકારો અને સમસ્યાઓથી ભરેલું'
ભાજપનાના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 'વ્યક્તિ પારિવારિક, સામાજિક, રાજકીય કે વ્યાવસાયિક જીવનમાં હોય, જીવન પડકારો અને સમસ્યાઓથી ભરેલું હોય છે અને તેનો સામનો કરવા માટે વ્યક્તિએ 'જીવવાની કળા' સમજવી જોઈએ.
આ પણ વાંચો: 'ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો..' હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ
રાજસ્થાનમાં આયોજિત એક કાર્યક્રમને યાદ કરતાં મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 'રાજકારણ એ અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર છે, જ્યાં દરેક વ્યક્તિ દુ:ખી છે... જે કાઉન્સિલર બને છે તે નાખુશ છે કારણ કે તેને ધારાસભ્ય બનવાની તક નથી મળી અને ધારાસભ્ય નાખુશ છે કારણ કે તેને મંત્રી પદ ન મળી શક્યું. જે મંત્રી બને છે તે નાખુશ રહે છે કારણ કે તેને સારું મંત્રાલય નથી મળ્યું અને તે મુખ્યમંત્રી બની શક્યો નથી અને મુખ્યમંત્રી તણાવમાં રહે છે કારણ કે તેમને ખબર નથી કે હાઈકમાન્ડ ક્યારે તેમને પદ છોડવાનું કહેશે.'
તેમણે જણાવ્યું હતું કે, 'જીવનમાં સમસ્યાઓ મોટા પડકારો રજૂ કરે છે અને તેનો સામનો કરીને આગળ વધવું એ જીવન જીવવાની કળા છે.'