રોડ કોન્ટ્રાક્ટર યોગ્ય કામ નહીં કરે તો તેમના પર બુલડોઝર ફેરવવામાં આવશે, નીતિન ગડકરીની ફરી ચેતવણી
Nitin Gadkari On Road Construction: રસ્તાના બાંધકામમાં ઝડપ અને ગુણવત્તા સાથે બાંધછોડ ન કરવા માટે પ્રચલિત કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે 'મેં પહેલેથી જ કહ્યું છે કે જે કોન્ટ્રાક્ટર યોગ્ય કામ નહીં કરે તેમના પર બુલડોઝર ફેરવવામાં આવશે.' ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન, તેમણે રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે 'કોન્ટ્રાક્ટરોને આકરી સજા અને કાર્યવાહી દ્વારા સુધારવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારા વિભાગે 50 લાખ કરોડ રૂપિયાનું કામ કર્યું છે. અમે પારદર્શક, સમયબદ્ધ અને પરિણામલક્ષી કામ કરી રહ્યા છીએ.'
જો કોન્ટ્રાક્ટરે યોગ્ય કામ ન કર્યું તો તેની ખેર નહીં...
આગળ ગડકરીએ જણાવ્યું હતું કે, 'હું તેનો ઉલ્લેખ કરવા માંગતો ન હતો... મેં એક જાહેર સભામાં કહ્યું હતું કે જો કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામ નહીં કરે તો અમે તેના પર બુલડોઝર ફેરવીશું. યાદ રાખજો, આ વર્ષે આવા કોન્ટ્રાક્ટર્સની ખેર નથી. હું તેમને ઠીક કરીશ, અમે જરાય સમાધાન કરતાં નથી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણમાં જે ખામીઓ જોવા મળી છે તેના માટે ચાર કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તદુપરાંત IIT-ખડગપુર અને IIT-ગાંધીનગરના નિષ્ણાતોએ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેના બાંધકામમાં ખામીઓ જોવા મળી હતી.'
આ પણ વાંચોઃ ચૂંટણીથી ઠીક પહેલા દિલ્હી વિધાનસભા સ્પીકરે રાજકારણથી સંન્યાસ લીધો, કેજરીવાલને લખ્યો પત્ર
ચાર કોન્ટ્રાક્ટર્સને નોટિસ
ગડકરીએ વધુમાં કહ્યું કે, 'અમે ચાર કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવી છે અને તેમને બ્લેકલિસ્ટ કરીશું. કડક કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબો રસ્તો છે અને સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવ્યો છે.' ઉલ્લેખનીય છે, નીતિન ગડકરી અધિકારીઓને ઘણી વખત ચેતવણી આપતાં હોય છે કે 'જો રસ્તાના નિર્માણમાં વિલંબ થશે અથવા બાંધકામમાં ખામી સર્જાશે તો તેના માટે જવાબદાર અધિકારીઓના નામ જાહેર કરવામાં આવશે. જો આપણે સારા કામ માટે ઈનામ આપીએ છીએ તો ખોટા કામ માટે તેમને ખુલ્લા પાડવા પણ જરૂરી છે.'