'હું ડિઝર્વ કરતો હોઈશ તો મને મળી જશે...' PM પદની ઑફરની ચર્ચાઓ વચ્ચે ગડકરીનો ધડાકો
Nitin Gadkari Reiterates PM Post Claim: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઑફરની ચર્ચાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, 'હું કંઈક બનવા માટે રાજકારણમાં આવ્યો નથી. આજે હું દિલથી બોલી રહ્યો છું કે મને કોઈ સમસ્યા નથી. મારી કોઈ મહત્ત્વાકાંક્ષા નથી. જો હું પીએમ પદ ડિઝર્વ કરતો હોઈશ તો તે મને મળી જશે.'
શું તમને પીએમ મોદી પછી પ્રમોશન મળશે?
વડાપ્રધાન મોદીની વધતી વય અને આરએસએસમાં તેમની શાખ વિશે પણ ગડકરીને સવાલ કરાયો હતો. કાર્યક્રમમાં ગડકરીને સવાલ કરાયો કે શું પીએમ મોદી પછી તમને પ્રમોશન મળશે? તેના જવાબમાં ગડકરીએ કહ્યું કે હું આરએસએસનો સ્વયંસેવક છું. પીએમ મોદીનો સવાલ તમે તેમને જ પૂછો પણ હું ચોખવટ કરવા માગું છું કે પીએમ મોદી સાથે મારા સંબંધો સારા જ છે.
સિદ્ધિઓ અને પડકારો પર ગડકરીએ શું કહ્યું?
નીતિન ગડકરી પાસે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયની જવાબદારી છે. આ કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તમારા અનુભવ મુજબ વધુ મંત્રાલયો ન મળવા જોઈએ? આ અંગે તેમણે કહ્યું કે, 'હું ક્યારેય કોઈની પાસે કંઈ માંગવા ગયો નથી. હું 5 ટકા રાજકારણ અને 95 ટકા સમાજ સેવામાં માનું છું.'
આ પણ વાંચો: ભાજપને જોરદાર ઝટકો, પાર્ટીથી નારાજ કદાવર નેતાએ આ રાજ્યના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
વડાપ્રધાન પદ માટેની ઑફર ક્યારે આવી?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'મને વિપક્ષ તરફથી વડાપ્રધાન પદની ઑફર આવી હતી. પરંતુ મેં વૈચારિક કારણોસર આ ઑફર નકારી કાઢી હતી.' નોંધનીય છે કે, નાગપુરમાં એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, 'ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. મને વિપક્ષે વડાપ્રધાન પદનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારી વિચારધારા અલગ હોવાને કારણે મેં પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.'