ED-CBIનો દુરુપયોગ અને ભાજપને વધુ ચૂંટણી ફંડ મુદ્દે ભડકેલા વિપક્ષને ગડકરીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું
Nitin Gadkari on Electoral Bonds : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ઈલેક્ટોરલ બોન્ડ મામલે વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, જેમ ટેલિવિઝન ક્ષેત્રે જેમની ટીઆરપી વધુ હોય છે, તેમને ટીવી પર સારા ભાવે જાહેરાત મળે છે. તેમ આજે અમે સત્તાધારી પાર્ટી છીએ, તેથી અમને વધુ ચૂંટણી ફંડ મળે છે.
મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે : ગડકરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 370 બેઠકો જીતવાના લક્ષ્ય પર સંપૂર્ણ વિશ્વાસ રાખી ગડકરીએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું લક્ષ્ય દક્ષિણ ભારતથી પુરુ થશે. અમે તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ઘણી મહેનત કરી છે, જેની અસર ચૂંટણીમાં જોવા મળશે. આ ઉપરાંત તેમણે ભાજપના નેતૃત્વવાળી NDAને 400 બેઠકો મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં સરકારે કરેલી કામગીરીના કારણે મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.
‘અમારી TRP વધુ, તેથી વધુ ફંડ મળ્યું’
નિતિન ગડકરીએ કહ્યું કે, ‘ટેલિવિઝ મીડિયામાં જેની પાસે વધુ ટીઆરપી હોય છે, તેને વધુ રેટ પર જાહેરાત મળે છે અને જેની ટીઆરપી ઓછી હોય છે, તેને ઓછા રેટ પર જાહેરાત મળે છે. આજે અમે સત્તાધારી પક્ષ છીએ, તેથી અમને વધુ ફંડ મળે છે. કાલે કોઈ બીજો પક્ષ સત્તામાં આવશે તો તેને વધુ ફંડ મળશે.’
ગડકરીએ ED-CBIનો ઉલ્લેખ કરી વિપક્ષ સાધ્યુ નિશાન
મોદી સરકાર વિપક્ષને નબળું પાડવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સીબીઆઈનો હથિયાર તરીકે ઉપયોગ કરતો હોવાના વિપક્ષના આક્ષેપને ગડકરીએ રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘ભાજપના હરીફોએ લોકોનો વિશ્વાસ જીતી વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરવો જોઈએ. શું વિપક્ષને નબળા પાડવાની અથવા મજબૂત બનાવવાની અમારી જવાબદારી છે? જ્યારે અમારી પાસે માત્ર બે સાંસદ હતા અને અમે નબળા હતા, ત્યારે અમને સહાનુભૂતિ તરીકે કોઈપણ પેકેજ મળ્યું નથી.’