Get The App

'...મને વડાપ્રધાન પદ ઓફર થયું હતું', ભાજપના કદાવર નેતા ગડકરીના દાવાથી રાજકારણમાં હડકંપ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
'...મને વડાપ્રધાન પદ ઓફર થયું હતું', ભાજપના કદાવર નેતા ગડકરીના દાવાથી રાજકારણમાં હડકંપ 1 - image


Gadkari's claim shakes politics : કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે પત્રકારત્વ પુરસ્કાર સમારંભ દરમિયાન મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના એક વરિષ્ઠ નેતાએ મને વડાપ્રધાન પદની ઓફર કરી હતી, પરંતુ મેં તેનો અસ્વીકાર કર્યો હતો. મેં એ વરિષ્ટ નેતાને કહ્યું કે હું એક વિચારધારા અને વિશ્વાસનું પાલન કરતો વ્યક્તિ છું. હું એવી પાર્ટીમાં છું, તેણે મને જે જોઈતું હતું તે બધું આપ્યું છે, જેની મેં કલ્પના પણ નહોતી કરી. જેથી કોઈનો પ્રસ્તાવ મને લલચાવી નહીં શકે."

હું કેટલાક સિદ્ધાંતો સાથે ઉછર્યો છું, એટલે હું કોઈ સમાધાન નહીં કરું...

જો કે, નીતિન ગડકરીએ વિપક્ષી નેતાનું નામ જાહેર કર્યું નહોતું. અને ન તો તેમણે આ ઘટના વિશે વિગતે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "2024ની સામાન્ય ચૂંટણી પહેલા એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ મારો સંપર્ક કર્યો હતો. તે સમયે એવું માનવામાં આવતું હતું કે, ભાજપ સંપૂર્ણ બહુમતી નહીં મેળવી શકે અને સરકાર બનાવવા માટે કેટલાક વિરોધ પક્ષોના સમર્થનની જરૂર પડી શકે છે. મેં તેને સ્પષ્ટપણે કહ્યું કે હું અમુક સિદ્ધાંતો અને માન્યતાઓ સાથે ઉછર્યો છું અને હું તેની સાથે સમાધાન નહીં કરું."

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી ન હતી. બીજેપીને માત્ર 240 સીટો મળી અને ભાજપને  ટીડીપી, જેડીયુ જેવી પાર્ટીઓની મદદથી ગઠબંધન સરકાર બનાવવી પડી. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે બહુમતી મેળવી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે ઈન્ડિયા ગઠબંધનની રચના કરી, જેણે સાથે મળીને દેશભરમાં ચૂંટણી લડી. આની અસર એ થઈ કે એનડીએ માટે 400નો આંકડો પાર કરવાનો દાવો કરનાર ભાજપ બહુમતીના આંકડાથી દૂર રહી. જો કે નરેન્દ્ર મોદી ફરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. નીતિન ગડકરી સતત ત્રીજી વખત ભાજપ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ બન્યા છે.


Google NewsGoogle News