'જે રોડ પર પાન-મસાલા ખાઈને થૂંકે...' સ્વચ્છ ભારત અભિયાન માટે ગડકરીએ જણાવ્યો નવો પ્લાન
Image: Facebook
Nitin Gadkari on Swachh Bharat Mission: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આયોજિત 'સ્વચ્છ ભારત અભિયાન' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે 'પાન-મસાલા ખાઈને રસ્તા પર થૂંકનાર લોકોની સાથે કેવો વ્યવહાર થવો જોઈએ. ગડકરીએ કહ્યું કે 'રસ્તા પર થૂંકનાર લોકોના ફોટા પાડવા જોઈએ અને તેને અખબારોમાં પ્રકાશિત કરવા જોઈએ જેથી લોકો તેને જોઈ શકે. લોકો બીજા દેશોમાં સારું વર્તન કરે છે પરંતુ પોતાના દેશમાં રસ્તા પર સરળતાથી કચરો ફેંકી દે છે.' તેમણે પર્યાવરણની રક્ષા માટે સ્વચ્છતા જાળવી રાખવા પર જોર આપ્યું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી અંતર રાખવાની વાત પણ કરી.
'લોકો ખૂબ હોશિયાર છે. ચોકલેટ ખાધા બાદ તેના રેપરને તાત્કાલિક ફેંકી દે છે. જો કે જ્યારે તે વિદેશ જાય છે તો તે ચોકલેટ ખાધા બાદ તેના રેપરને પોતાના ખિસ્સામાં મૂકી દે છે. તેઓ વિદેશમાં સારો વ્યવહાર કરે છે.' 'પહેલા મારી ટેવ હતી કે હું ચોકલેટના રેપરને કારની બહાર ફેંકી દેતો હતો. આજે જ્યારે હું ચોકલેટ ખાઉં છું તો તેના રેપરને ઘરે લઈ જઉં છું અને કચરાપેટીમાં ફેંકી દઉં છું.'
જાહેર સ્થળો પર સ્વચ્છતાનો મુદ્દો ઉઠાવતાં નીતિન ગડકરીએ કહ્યું કે 'પાન મસાલા ખાઈને રસ્તા પર થૂંકનારના ફોટા જાહેર કરવા જોઈએ જેથી લોકો જોઈ શકે. મહાત્મા ગાંધીજીએ પણ આવા પ્રયોગ કર્યા હતા. કચરાને કામની વસ્તુઓમાં પરિવર્તિત કરવી જોઈએ.'