નિઠારી કાંડમાં મોટો નિર્ણય: સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેર તમામ કેસમાં નિર્દોષ જાહેર, ફાંસીની સજા રદ
Image Source: Twitter
- હાઈકોર્ટે ગાઝિયાબાદની CBI કોર્ટે આપેલી ફાંસીની સજા રદ કરી દીધી છે
નોઈડા, તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર
Nithari Kand: નોઈડાના ચર્ચિત નિઠારી કાંડમાં અલ્હાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ લોકોને નિઠારી કાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુરેન્દ્ર કોલીને 12 અને મનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજાને હાઈકોર્ટે રદ કરી દીધી છે. હાઈકોર્ટે ગાઝિયાબાદની CBI કોર્ટે આપેલી ફાંસીની સજા રદ કરી દીધી છે. આ કેસમાં હાઈકોર્ટે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
હાઈકોર્ટે બંને દોષિતોની અરજી પર આજે નિર્ણય સંભળાવ્યો હતો. સુરેન્દ્ર કોલીએ 12 કેસોમાં મળેલી ફાંસીની સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જ્યારે મનિંદર સિંહ પંઠેરે બે કેસમાં મળેલી સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
આ આધાર પર નિર્દોષ જાહેર કર્યા
હાઈકોર્ટે કોઈ પ્રત્યક્ષ પુરાવા અને કોઈ સાક્ષીના અભાવના આધાર પર ગુનેગારોને નિર્દોષ જાહેર કર્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયથી CBIને મોટો ઝટકો લાગ્યો છે. જોકે રિમ્પા હલદર મર્ડર કેસમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોહલીની ફાંસીની સજા યથાવત રાખી હતી. આ પુરાવાના આધારે બંનેને રિમ્પા હલદર હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારી હતી.
Nithari case: Allahabad High Court has acquitted convicts Surendra Koli in 12 cases and Moninder Singh Pandher in 2 cases in which they were awarded the death penalty
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023
અરજીઓ પર હાઈકોર્ટે સુનાવણી પૂરી કર્યા બાદ કોર્ટે 15 સપ્ટેમ્બરનો પોતાનો જજમેન્ટ રિઝર્વ કરી લીધો હતો. જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસ એચ એ રિઝવીની ડિવિઝન બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે. વર્ષ 2006માં નિઠારી કાંડનો ખુલાસો થયો હતો.
હાઈકોર્ટમાં 134 કામકાજના દિવસોમાં અપીલની સુનાવણી થઈ હતી. સુરેન્દ્ર કોલીની હાલની 12 અરજીઓમાંથી પહેલી અરજી વર્ષ 2010માં દાખલ કરવામાં આવી હતી. જોકે, આ અરજીઓ ઉપરાંત પણ હાઈકોર્ટ કોલીની કેટલીક અરજીઓનો નિકાલ કરી ચૂકી છે. એક કેસમાં ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે જ્યારે અન્ય કેસમાં વિલંબના આધારે તેને આજીવન કેદમાં ફેરવવામાં આવી છે.
આરોપીઓ તરફથી કોર્ટમાં દલીલ આપવામાં આવી છે કે, આ ઘટનાનું કોઈ પ્રત્યક્ષ સાક્ષી નથી. તેમને માત્ર વૈજ્ઞાનિક અને પરિસ્થિતિજન્ય પુરાવાના આધારે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ફાંસીની સજા રદ કરવા અપીલ કરવામાં આવી હતી. મનિન્દર સિંહ પંઢેરને એક કેસમાં હાઈકોર્ટથી પહેલા જ નિર્દોષ જાહેર થઈ ચૂક્યો હતો.