મસ્જિદોમાં આવીને એક એકને મારીશું: ભાજપના નેતાનું તેજાબી નિવેદન, પછી કહ્યું- માફી તો નહીં જ માંગુ
BJP leader's controversial statement: ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ તાજેતરમાં આપેલા એક નિવેદનના કારણે વિવાદમાં આવ્યા છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ભાષણ દરમિયાન તેમણે ખુલ્લેઆમ મુસ્લિમ સમુદાયના લોકોને પકડી પકડીને મારવાની ધમકી આપી હતી. આ નિવેદનને લઈને નીતિશ રાણે સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિવાદ બાદ નિતેશ રાણેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે તે પોતાના નિવેદન પર અડગ છે.
સોશિયલ મીડિયા પર ભાષણની ક્લિપ વાયરલ
એક રિપોર્ટ પ્રમાણે થોડા દિવસો પહેલા આધ્યાત્મિક ગુરુ રામગીરી મહારાજે પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રામગીરી મહારાજના સમર્થનમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેના નેતૃત્વમાં ઘણા લોકોએ મોરચો માડ્યો હતો. આ દરમિયાન તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'અમારા રામગીરી મહારાજ વિરુદ્ધ જો કોઈએ પણ કાંઈ કહ્યું તો મસ્જિદોમાં આવીને એક -એકને મારીશું.'
આ મામલે રાણેએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'મારે શા માટે માફી માંગવી જોઈએ? ધારાસભ્ય બનતા પહેલા હું એક હિન્દુ છું. હું મારા નિવેદન પર અડગ છું. તેઓએ 'માથુ ધડથી અલગ ' જેવી ટિપ્પણી બંધ કરવી જોઈએ.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નિતેશ રાણે વિરુદ્ધ અહમદનગર જિલ્લાના તોફખાના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તોફખાના પોલીસ નિતેશ રાણેને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવશે.
વિવાદાસ્પદ ટિપ્પણી પર, AIMIM ના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે લખ્યું, ' મહારાષ્ટ્રના અહેમદનગરમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે પોલીસ પ્રશાસનને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે કે, તેઓ મસ્જિદમાં ઘૂસીને એક એકને પકડીને મારશે. સમગ્ર ભાષણમાં મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ભાજપ સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.'
વારિસ પઠાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ડીજીપીને આ મામલે કેસ નોંધીને નિતેશ રાણેને કસ્ટડીમાં લેવાની માંગ કરી છે.