'સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો...' ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો
Nishikant Dubey Statement on Supreme Court: વક્ફ સંશોધન કાયદો અને પૉકેટ વીટો મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો કાયદો બનાવવાનું સુપ્રીમ કોર્ટનું કામ બની ગયું છે, તો પછી સંસદ ભવનને બંધ કરી દેવું જોઈએ.
નિશિકાંત દુબેએ શું કહ્યું?
ઝારંખંડની ગોડ્ડા બેઠક પરથી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'જો કાયદો સુપ્રીમ કોર્ટ જ બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ.' આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદા પર સુનાવણી પહેલાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજજુએ કહ્યું હતું કે, 'મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, કોર્ટ ધારાસભાના મામલે દખલગીરી નહીં કરે. આપણે એક-બીજાનું સન્માન કરવું જોઈએ. જો કાલે સરકાર ન્યાયપાલિકામાં દખલગીરી કરે તો યોગ્ય નહીં ગણાય. સત્તાઓનું વિભાજન સારી રીતે વ્યાખ્યાયિત થયેલું છે.'
આ પણ વાંચોઃ VIDEO : જિમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક જ ઢળી પડ્યો યુવક, હાર્ટએટેકથી મોત
સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદા પર સુનાવણી
જણાવી દઈએ કે, બુધવારે (16 એપ્રિલ) કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે, વકફ એક્ટ વિરુદ્ધ દાખલ અરજીઓના કેસમાં વચગાળાનો આદેશ આપતા પહેલા તેમની દલીલો સાંભળવામાં આવે. કેન્દ્ર સરકારની અપીલ પર સુનાવણી કરતી વખતે કોર્ટે કોઈ વચગાળાનો આદેશ આપ્યો ન હતો. ત્યારબાદ 17 એપ્રિલે સુનાવણી દરમિયાન, વક્ફ કાયદાના વચગાળાના આદેશ પહેલાં વિવાદના મુદ્દાઓ પર વિગતવાર સુનાવણી માટે ફરી એકવાર દલીલો રજૂ કરવામાં આવી હતી. જવાબ માટે એક અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો હતો અને ફરી એકવાર સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશની તારીખ લંબાવી હતી, પરંતુ વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોના પ્રવેશ અને 'વકફ બાય યુઝર' મિલકતોમાં કોઈપણ ફેરફાર પર કેન્દ્રના જવાબ સુધી રોક લગાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી
પૉકેટ વીટો મુદ્દે કેન્દ્ર અને કોર્ટ આમને-સામને
બીજી બાજું, સુપ્રીમ કોર્ટે ગત અઠવાડિયે તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા 10 બિલો પર મોટો નિર્ણય આપ્યો હતો, જેને વર્ષોથી રાજ્યપાલ આરએન રવિની મંજૂરી મળતી નહતી. ત્યારબાદ, હવે કેન્દ્ર સરકાર આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ દ્વારા રોકાયેલા 10 બિલોને મંજૂરી આપી દીધી છે. હવે આ મામલે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના અધિકારક્ષેત્ર એટલે કે અઘોષિત 'પૉકેટ વીટો'ના મુદ્દા પર અંત સુધી લડવાના મૂડમાં હોય તેવું લાગે છે. કેન્દ્ર સરકાર માને છે કે, સમય મર્યાદા નક્કી કરવાથી બંધારણીય અરાજકતા વધશે.