Get The App

સંચાર અને આઈટી કમિટિમાં નિશિકાંત દૂબે અને મહુઆ કરશે સાથે કામ, જયા અને કંગનાનો પણ આ કમિટિમાં સમાવેશ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
સંચાર અને આઈટી કમિટિમાં નિશિકાંત દૂબે અને મહુઆ કરશે સાથે કામ, જયા અને કંગનાનો પણ આ કમિટિમાં સમાવેશ 1 - image


Parliamentary Standing Committees: બે દિવસ પહેલા જ 24 સ્થાયી સમિતિઓ (Parliamentary Standing Committees)ની રચના કરવામાં આવી હતી, જેમાં પાર્ટી લાઈનથી ઉપર અનેક પ્રમુખ નેતાઓને મહત્વપૂર્ણ ભૂમિકાઓ સોંપવામાં આવી છે. તેમાંથી એક સંચાર અને આઈટી માટે રચના કરવામાં આવેલી સ્થાયી સમિતિ પણ સામેલ છે. હવે આ સમિતિમાં સામેલ કરવામાં આવેલ સદસ્યોના નામ જાણીને તમે પણ દંગ રહી જશો. 

 નિશિકાંત દૂબે અને મહુઆ કરશે સાથે કામ

આ સમિતિના અધ્યક્ષ ઝારખંડના ગોડ્ડાથી 4 વખતના સાંસદ નિશિકાંત દૂબેને બનાવવામાં આવ્યા છે. હવે રસપ્રદ વાત એ છે કે, આ જ સમિતિમાં પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની કૃષ્ણાનગર બેઠકથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાને પણ સામેલ કરવામાં આવ્યા છે. નિશિકાંત દુબે અને મહુઆ મોઈત્રા વચ્ચેની 'અદાવત' કોઈનાથી છુપાયેલી નથી. પોતાના બેબાક નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી ભાજપની સાંસદ કંગના રણૌતને પણ સદસ્ય તરીકે આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. 

'કેશ ફોર ક્વેરી' કેસ

આ કમિટિમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સદસ્ય જયા બચ્ચન પણ સામેલ છે. જયા બચ્ચનની સંસદના છેલ્લા સત્રમાં ઉપલા ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખડ અને સત્તારુઢ ગઠબંધનના સદસ્યો સાથે થયેલી બોલાચાલી ખૂબ જ ચર્ચામાં રહી હતી. પ્રખ્યાત સંગીતકાર અને રાજ્યસભા સાંસદ ઈલૈયારાજા પણ આ પેનલમાં સામેલ છે. મહુઆ મોઈત્રાને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં 'કેશ ફોર ક્વેરી' કેસમાં દોષિત ઠેરવ્યા બાદ લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

ગયા વર્ષે ઓક્ટોબરમાં બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મોઈત્રા પર સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો અને તેમની સામે તપાસની માંગ કરી હતી. આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે મોઈત્રાની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે આ કેસમાં નિશિકાંત દુબે અને સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદરાયને સોશિયલ મીડિયા પર કોઈપણ પોસ્ટ કરવા અથવા ઈન્ટરનેટ પર કોઈપણ સામગ્રી અપલોડ કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

જો કે આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહુઆ મોઈત્રા ફરી એક વખત કૃષ્ણનગરથી જીત હાંસલ કરીને લોકસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ નિશિકાંત દુબે પણ સતત ચોથી વખત ગોડ્ડાથી જીતીને લોકસભામાં પહોંચ્યા છે. બીજી તરફ સફળ અભિનેત્રી તરીકે ખ્યાતિ મેળવનાર કંગના રણૌત આ વખતે હિમાચલ પ્રદેશની મંડી સંસદીય બેઠક પરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને હરાવીને તેઓ મંડીના સાંસદ બન્યા અને લોકસભામાં પહોંચ્યા છે. 


Google NewsGoogle News