'કોંગ્રેસે જે નુકસાન કર્યું એની સાફસફાઈમાં જ અમારા 4-5 વર્ષ નીકળી ગયા', રાહુલ ગાંધીને નાણામંત્રીનો જવાબ
Nirmala Sitharaman Statement: બજેટ રજુ થયા બાદ આજે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અભાર પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેમાં તેમણે કેન્દ્ર સરકારની કેટલાક મુદ્દે ટીકા કરી હતી. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેઓને વળતો જવાબ આપ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે જેને લઈને ફરીથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરુ થઇ છે. નાણામંત્રીએ એક મીડિયા પ્લેટફોર્મ સાથે વાતચીતમાં રાહુલ ગાંધીના દાવાઓનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'યુપીએ સરકારે કોઈ કામ કર્યા નથી. અર્થતંત્રની હાલત છેલ્લા 10 વર્ષમાં એટલી સુધરી છે કે દેશની ઈકોનોમી અગાઉ નીચલા ક્રમેથી પાંચમાં ક્રમે હતી ત્યાંથી હવે ઉપરથી પાંચમાં ક્રમે પહોંચી ગઈ છે. યુપીએ સરકારે કરેલા ખોટા કામ સાફ કરવામાં અમારે 4-5 વર્ષ લાગી ગયા.'
18-22 હજાર કરોડ રૂપિયા રીકવર કરાયા
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંક અને વ્યવસાયોને લઈને રાહુલ ગાંધીના દાવા નકારી દીધા હતા. તેમણે દાવો કર્યો હતો કે યુપીએ સરકારના કાર્યકાળમાં બીઝનેસ અને ધંધાદારીઓ કામ ધંધાને તાળા લાગી રહ્યા હતા. બેંકોને ઘણું નુકસાન વેઠવું પડતું હતું અને બેંકોની આવી હાલતના કારણે આ દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું હતું. જે લોકોને બેંકોથી લાભ થયો એ લોકો તો દેશ છોડીને નાસી ગયા. તેઓના કાર્યકાળમાં જ આવા આર્થિક ગુનેગારો વધ્યા. તેમણે કહ્યું હતું કે, 'બેંકોને જેટલું નુકસાન થયું, જે લોકો પૈસા લઈને ભાગી ગયા, તેઓની સંપત્તિઓ જપ્ત કરીને, કોર્ટ ઓર્ડર બાદ 18-22 હજાર કરોડ રૂપિયા બેન્કોને પાછા આપવામાં આવ્યા.'
ચીન-ભારત સંબંધો અંગે શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીના એ દાવા પર પણ પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, 'ચીને ભારતની કબજે કરેલી જમીન કબજે કરી છે. તેઓના દાદાના કાર્યકાળમાં ચીન અને પાકિસ્તાનને કેટલી જમીન પચાવી પાડી? શું તમે MOU સાઈન કરતી વખતે ચીનને કહ્યું હતું કે અમારી જમીન પાછી આપો.' નાણામંત્રીએ જે MOUનો ઉલ્લેખ કર્યો તેમાં સોનિયા ગાંધી હાજર હતા અને તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થતી હોય છે.