વોટ્સએપના કારણે પણ તમારા ઘર પર બુલડોઝર ફરી શકે છે, નવા નિયમથી તમે પણ પરેશાન થઈ શકો છો
New Income Tax Rule For WhatsApp And Instagram: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 25 માર્ચે લોકસભામાં જણાવ્યું હતું કે હવે નવા ઇન્કમટેક્સ બિલ હેઠળ નવી જોગવાઈઓ લાવી રહી છે. ઇન્કમટેક્સ અધિનિયમ હેઠળ વધુ તપાસ માટે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ જેવા એપ્સના ડેટાને એક્સેસ કરવાનો નિયમ લાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. નાણાં મંત્રીનું કહેવું છે કે આથી ગેરકાયદેસર ટ્રાન્સેક્શન, કાળાં નાણાં અને ક્રિપ્ટોકરન્સીની તપાસ શક્ય થશે. તેમના કહ્યાં મુજબ હાલમાં જ 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી પકડાય છે. જોકે, જે દેશની અડધી GDP માત્ર 10% લોકોના હાથમાં છે, ત્યાં સામાન્ય વ્યક્તિ પાસે કેટલા કાળાં નાણાં અને કેટલી ક્રિપ્ટોકરન્સી હશે તે એક સવાલ છે. સરકાર જે એકતરફી વિચાર કરેછે તે નિયમનો ઉપયોગ સામાન્ય લોકોને બ્લેકમેલ કરવા માટે થઈ શકે છે, જેના કારણે તેમણે હરેસમેન્ટનો પણ સામનો કરવો પડી શકે છે.
ચેટનો ઉંધો અર્થ કાઢીને હરેસમેન્ટ થઈ શકે છે
જો આ બિલ પાસ થાય છે તો સરકાર દરેક યુઝરના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્ક્રિપ્ટેડ મેસેજ વાંચી શકશે. આ ઉપરાંત, યુઝર ક્યાં જાય છે તેની લોકેશન પણ ગૂગલ મેપ્સ દ્વારા મેળવી શકશે. આ માટે દરેક વ્યક્તિના ડેટાને મોનિટર કરવાનું થશે. આથી, જ્યારે કોઈ વ્યક્તિ જાણે છે કે તેના ડેટા મોનિટર કરવામાં આવી રહ્યાં છે, ત્યારે તેનામાં ડર અને ભયનો માહોલ રચાય છે. કેટલાક લોકો ગ્રૂપમાં મજાક કે મસ્તી કરે છે, જેનાથી પોલિટિક્સ અથવા બે દેશ વચ્ચેના સંબંધો પર આધારિત બાબતોને ખોટી રીતે અર્થઘટન કરવામાં આવી શકે છે. આ રીતે નિર્દોષ મજાકને પણ ખોટી રીતે લઈ કોઈ વ્યક્તિ પર ઇન્વેસ્ટિગેશન શરૂ કરી તેની સાથે હરેસમેન્ટ થઈ શકે છે.
બ્લેકમેલની શક્યતા વધી શકે છે
ભારત જેવા દેશમાં કોઈ પણ વ્યક્તિ કે ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે નિષ્ઠાથી કામ કરે છે એ વાતની ખાતરી કોઈ આપી શકતું નથી. હાલમાં જ આસામના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર વિરુદ્ધ CBI દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં જાણ થયું કે તે વ્યક્તિ લોન પાસ કરાવવા માટે પૈસા લેતો હતો. દિલ્હી હાઇકોર્ટના જજના ઘરમાં લાગી ત્યારે ઘરમાં ઘણાં પૈસા મળી આવ્યા હતા, જેના કારણે ન્યાયતંત્રમાં કરપ્શનના મુદ્દાઓ બહાર આવ્યા છે. પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં પણ ઘૂસખોરીના કેસ સામે આવ્યા છે. પ્રાઇવેટ કંપનીને ફાયદો થાય તે માટે અઢી લાખ રૂપિયા લેવાનો આરોપ સિનિયર મેનેજર પર મૂકવામાં આવ્યો છે. આ તમામ વસ્તુઓ પરથી આ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વિભાગમાં ખોટા કામ કરનારા વ્યક્તિઓ હોવાની શક્યતા છે.
જો આ કાયદો પાસ થાય છે અને યુઝર્સના ડેટાને મોનિટર કરવામાં આવે છે, તો કોઈ પણ વ્યક્તિને બ્લેકમેલ કરવાની શક્યતા વધી શકે છે. કોઈ વ્યક્તિના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, પ્રાઇવેટ ફોટો અથવા વીડિયો શેર કરાયા હોય, તો તેનાથી તેઓ બ્લેકમેલ થઇ શકે છે. આથી, કોઈ પણ વ્યક્તિ સતત ટેન્શન અને ડરના માહોલમાં જીવવા મજબૂર થઈ શકે છે.
સામાન્ય વ્યક્તિ પર પડી શકે છે અસર
દેશના સૌથી કૌભાંડી વ્યક્તિઓ કોઈ દિવસ વોટ્સએપ અને ગૂગલ મેપ્સનો ઉપયોગ નથી કરતાં. તેમના કૌભાંડ માટે તેમની પાસે ઘણાં લોકો હોય છે, જે તેમના માટે કામ કરે છે. જોકે, સરકાર દ્વારા જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે નાના-નાના ટેક્સ ભરતા લોકોને વધુ અસર કરી શકે છે. મોટા કૌભાંડ કરનાર વ્યક્તિઓને આ નિયમોની કોઈ અસર પણ નથી થતી. જ્યારે નાના અને સામાન્ય વ્યક્તિ સતત ડરીને કામ કરે છે. તેમને સવાલ-જવાબ કરવામાં આવી શકે છે એ ડરથી તેઓ હવે વધુ પડતાં કાયદેસરનું કામ કરવાનું બંધ કરી શકે છે. તેઓ ઘણાં કામ ચોપડા બહાર કરવાનું પસંદ કરી શકે છે જેથી તેઓ આ લોકોની રડારમાં ન આવે. આથી સામાન્ય વ્યક્તિ પર આ નિયમની નકારાત્મક અસરો પડવાની શક્યતા વધુ છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અંત
જો આ નિયમ પાસ થયો તો વ્યક્તિની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અંત આવી શકે છે. આજે વોટ્સએપના ઘણાં ગ્રૂપમાં કોઈ સેલિબ્રિટી, ક્રિકેટર્સ, પોલિટિશિયન અથવા તો બિઝનેસમેનથી લઈને કોઈ પણ વ્યક્તિ વિશે મજાક મસ્તી ચાલતી હોય છે. જોકે, આ મજાક મસ્તી પર જ્યારે દેખરેખ રાખવામાં આવે ત્યારે યુઝરના વાતના અર્થનો અનર્થ કરવામાં આવી શકે છે.
ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી બુલડોઝરનો ઉપયોગ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને આસામમાં પણ કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે ‘દાદા કા બુલડોઝર’, એટલે કે ગુજરાતમાં પણ બુલડોઝરને ચલાવવામાં આવ્યા હતા એ જગજાહેર છે. આથી, સોશિયલ મીડિયા પર કોઈ વાત કરવામાં આવી રહી હોય અને એને આધારે પણ હવે લોકોના ઘર પર બુલડોઝર ચાલી શકે એ દિવસ દૂર નથી. આથી આ નિયમને અટકાવવો ખૂબ જ જરૂરી છે, નહીંતર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલો ઊભા થશે.
આ પણ વાંચો: યુઝર્સનો સમય બચાવવા માટે ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર, જાણો કેવી રીતે ઉપયોગ કરશો
કડક નિયમોનું પાલન
સરકાર દ્વારા આ કાયદો પાસ કરવો જ હોય તો એ માટે કેટલાક નિયમો બનાવવા ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિના ડેટાને મોનિટર કરવામાં આવે તો પણ તેમની પર્સનલ ચેટથી દૂર રહેવું જોઈએ. તેઓ જે પર્સનલ ફોટો અને વીડિયો મોકલી રહ્યાં છે, એને એક્સેસ ન આપવું જોઈએ. ફક્ત પૈસાની વાત આવે ત્યાં જ ડેટા એક્સેસ કરી શકાય એ પ્રકારના નિયમ હોવા જરૂરી છે. જોકે, એ નિયમ હોવા છતાં પણ એનું પાલન કેટલા લોકો કરે છે એ જાણવું પણ ખૂબ જ મુશ્કેલ છે. પાર્લામેન્ટમાં જ્યારે નેતા પોર્ન જોતા દેખાતા હોય એ દેશમાં જ્યારે તમામ ડેટા એક્સેસનો પાવર મળે તો શું નું શું થઈ શકે એનો વિચાર કરવો પણ મગજ બહારની વાત છે.