'સાથી'ઓને સાચવવાની લાહ્યમાં કરદાતા કપાયા
- રૂ.11.11 લાખ કરોડના મૂડી ખર્ચ સાથે વર્ષ 2024-25નું રૂ. 48.20 લાખ કરોડનું બજેટ 2024-25
- વડાપ્રધાનના પેકેજ, MSMEને રાહત અને રીઅલ એસ્ટેટ, ગોલ્ડ, બોન્ડ ઉપરના કેપિટલ ગેઇન્સમાં ઇન્ડેકશેશન નાબૂદ
- નવા નોકરિયાતને એક વખતનો પગાર, પ્રથમ ચાર વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડમાં સહાય અને ટોચની 500 કંપનીઓમાં કામ કરવાની તક
નવી દિલ્હી : લોકસભાની ચુટણીના પરિણામ બાદ બદલાયેલા રાજકીય પરિપ્રેક્ષ્યમાં નાણામંત્રી નિર્મલા સીતારામને વિક્રમી સાતમું બજેટ મંગળવારે લોકસભામાં રજૂ કર્યું હતું. છેલ્લા બે વર્ષમાં સરકારની કરની આવક, રિઝર્વ બેંક અને અન્ય જાહેર ક્ષેત્રોના સાહસથી મળી રહેલી ડિવીડન્ડની જંગી આવકના કારણે સરકારની ધારણા કરતા વધારે ઝડપથી નાણા ખાધ ઘટી રહી છે, અર્થતંત્રની ગાડી કોરોના પછી ફરી વેગવંતી બની છે ત્યારે મોંઘવારીના પડકાર વચ્ચે પીસાઈ રહેલા મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત મળવાની આશા હતી. નાણામંત્રીએ બજેટમાં અલ્પમાત્રામાં કહી શકાય એટલી કરરાહત આપી છે. સામે, રાજકીય રીતે કેન્દ્ર સરકારના નવા સહયોગી પક્ષોના રાજ્યો માટે તિજોરી ખુલ્લી મૂકી દીધી છે એટલે એમ ચોક્કસ કહી શકાય એ રાજકીય રીતે પરફેક્ટ બજેટ પણ આમ આદમીની અપેક્ષાએ ઉણું ઉતર્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કેન્દ્ર સરકારે કુલ રૂ.૪૮.૨૦ લાખ કરોડના ખર્ચનો અંદાજ મુક્યો છે તેમાંથી રૂ.૧૧.૧૧ લાખ કરોડનો મૂડીખર્ચ છે. સરકારની કુલ આવક રૂ.૩૧.૨૯ લાખ કરોડ અંદાજવામાં આવી છે. બજેટ દસ્તાવેજ અનુસાર કેન્દ્રની નાણા ખાધ રૂ.૧૬.૧૩ લાખ કરોડ રહેશે જે ૨૦૨૩-.૨૪ના સુધારેલા અંદાજ રૂ.૧૬.૫૩ લાખ કરોડ કરતા થોડી ઓછી રહેશે. ખાધના કારણે કેન્દ્ર સરકારનો વ્યાજનો ખર્ચ રૂ.૧૧.૬૨ લાખ કરોડ રહેવાનો અંદાજ છે જે સરકારના કુલ મૂડી ખર્ચ કરતા પણ વધારે છે. બજેટની જાહેરાત અને જોગવાઈઓમાં મુખ્ય મુદ્દા બે સામે તરી આવે છે. એક, સહયોગી પક્ષોને લાભ કરાવવો એ બીજું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત, ગેરેંટી કે પેકેજનો સમાવેશ કરવો.
કરવેરાની દરખાસ્તથી રૂ.7000 કરોડની રાહત
નાણા મંત્રીએ કરવેરાની દરખાસ્તમાં કરેલા ફેરફારથી દેશની પ્રજાને રૂ.૭૦૦૦ કરોડની વાર્ષિક રાહત આપી હોવાની જાહેરાત નિર્મલા સીતારામને કરી હતી. તેમણે બજેટમાં કરવેરા -સીધા અને પરોક્ષ કરવેરામાં - ફેરફાર કર્યા છે. નાણામંત્રીએ જણાવ્યા અનુસાર સીધા કરવેરામાં કરેલી જાહેરાતના કારણે રૂ.૨૯,૦૦૦ કરોડની રાહત લોકોને મળશે. જોકે, આ રાહત માત્ર નવી ટેક્સ રીજીમ એટલે કે એવી વ્યવસ્થા કે જેમાં કરની રાહતો કે કરવેરામાં છૂટછાટ અને રીબેટ ઓછી મળે છે તે સ્વીકારનાર લોકોને જ નાણામંત્રીએ જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪ના રીટર્ન ફાઈલ કરનારામાંથી ૩૩ ટકા એવા છે કે જે હજી જૂની કર પ્રણાલી હેઠળ જ કરવેરા ભરે છે એટલે એમને નવા કરવેરાની છૂટનો લાભ મળશે નહી. બીજી બાજુ, પરોક્ષ વેરામાં કરેલા વધારાના કારણે કેન્દ્ર સરકારની આવકમાં ૩૦,૦૦૦ કરોડનો વધારો થવાનો અંદાજ છે એટલે એકંદરે દેશની પ્રજાને માત્ર રૂ.૭,૦૦૦ કરોડનો જ ફાયદો થયો છે.
બિહાર, આંધ્ર : વિશેષ દરજ્જો નહી પણ વિશેષ જાહેરાતો ચોક્કસ
લગભગ ૯૦ મિનિટના ભાષણ બાદ બિહાર, આંધ્ર પ્રદેશના નવા રાજકીય સાથીદારોની ખુશામત અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને બંગાળમાં રાજકીય લાભ ખાટવા માટેના પ્રયત્ન સિવાય વિશેષ કાઇ જાહેરાત નથી. સોમવારે કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે વર્તમાન નિયમો અનુસાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકે નહી પણ બજેટની જાહેરાતોમાં તેને વિશેષ ફાળવણી કરવામાં આવી છે. આ ચુંટણીમાં એનડીએ સરકાર નીતિશ કુમાર અને ચંદ્રાબાબુના ટેકાથી સરકાર રચી શકી છે. બજેટમાં બિહાર માટે પ્રવાસન, સસ્તી લોન, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જેવી જાહેરાતો કરવામાં આવી છે. બિહારના ગયા ખાતે અમૃતસર કોલકતા કોરિડોર વિશેષ ઔધોગિક વસાહત ઊભી કરવી, ગયા અને બોધિ ગયા ખાતે ટુરિસ્ટ સેન્ટર, નાલંદા યુનિવર્સિટીને પ્રવાસન ક્ષેત્ર તરીકે ઉજ્જૈન અને વારાણસીની જેમ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. રૂ.૨૬,૦૦૦ કરોડના ત્રણ એકસપ્રેસ વે, રૂ.૨૧,૪૦૦ કરોડનો પાવર પ્રોજેક્ટ ઉપરાંત નવી મેડીકલ કોલેજ, નવા એરપોર્ટ માટે જાહેરાત કરવામાં આવી છે. આંધ્ર માટે નવી રાજધાની ઊભી કરવા રૂ ૧૫,૦૦૦ કરોડની મૂડી, પાવર પ્રોજેક્ટને નાણાકીય સહાય, ઉદ્યોગ કોરીડોરમાં બે નવા નોડ ઊભા કરવા તેમજ આંધ્રના પછાત વિસ્તાર માટે વિશેષ સહાય આપવાની જાહેરાત પણ છે.
વડાપ્રધાનના પાંચ પેકેજને પ્રાધાન્ય
નાણાંમંત્રીએ બજેટમાં વ્યાપક રીતે વડાપ્રધાનના આયોજન કે ગેરંટીનો સમાવેશ કર્યો છે. ફેબુ્રઆરીના બજેટમાં જ્ઞાાન + ગરીબ, યુવાન, અન્નદાતા અને મહિલાઓની વાત કરવામાં આવી હતી અને તે કેન્દ્રવર્તી વિચાર હતો પણ આ સ્પિચમાં માત્ર એક જ વખત તેનો ઉલ્લેખ થયો છે. આ અનુસાર, રોજગારી માટે મહિને એક લાખ સુધીનો પગાર હોય, પ્રથમ નોકરી હોય અને પ્રોવિડન્ટ ફન્ડમાં જોડાય તો સરકાર એક મહિનાનો પગાર, ત્રણ હપ્તે આપશે. બીજું, ઇપીએફ ફંડના માસિક યોગદાન સરકાર ચાર વર્ષ સુધી આપશે.
બીજા પેકેજમાં સ્કીલ વૃદ્ધિ માટે દેશના ૩૦ લાખ યુવકોને આવતા પાંચ વર્ષ માટે તાલીમ આપવાની જાહેરાત થઈ છે. આ ઉપરાંત, દેશની ૧૦૦૦ આઇટીઆઇને ઉદ્યોગ આધારિત કોર્સ શરૂ કરવા માટે અપગ્રેડ કરવામાં આવશે.લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી ફન્ડ, અગાઉની મુદ્રા લોન પરત કરી હોય તેને ફરી તરુણ શ્રેણીની લોનની મર્યાદા વધારી ૨૦ લાખ કરવામાં આવી છે અને જે એકમોને લોન પરત કરવામાં તકલીફ પડી રહી છે તેમને આ સમયમાં મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દેશની ટોચની ૫૦૦ કંપનીમાં ઇન્ટર્ન તરીકે આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને કામ કરવાની તક આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૧૨ મહિના સુધી સરકાર વન ટાઇમ રૂ.૬૦૦૦ અને દર મહિને રૂ.૫૦૦૦ નું સ્ટાયપેન્ડ ચૂકવશે.
લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ, સરળતાના બદલે કઠોર : ગીફ્ટ સિટીને ફાયદો
ભારતીય શેરબજાર અત્યારે વિશ્વમાં સૌથી વધુ વળતર આપતી બજાર બની છે. છેલ્લા પાંચ વર્ષની તેજી માટે સ્થાનિક રોકાણકારોનો ઉત્સાહ કારણરૂપ માનવામાં આવે છે. પરંતુ, બજેટમાં કેન્દ્ર સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં કરેલા ફેરફાર કઠોર છે. રીઅલ એસ્ટેટ (એટલે કે મકાન, સોનું કે અનલીસ્ટેડ કંપનીઓના શેર) વેચવામાં આવે તો અત્યારસુધી મળતો ઇન્ડેકશેશનનો લાભ (ફુગાવા આધારિત ચીજના મૂલ્યમાં વધારો) નાબૂદ કરી નાખવામાં આવ્યો છે અને સીધી તેના ઉપર ૧૨.૫ ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાદવામાં આવ્યો છે. આ પગલાંની સૌથી મોટી અસર વારસાઈ મિલકત કે ગૃહિણીના દાગીના વેચનારને પડશે.
શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ૧૫ ટકાથી વધારી ૨૦ ટકા કરવામાં આવ્યો છે. લીસ્ટેડ શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ૧૦ ટકાથી વધારી ૧૨.૫ ટકા કરવામાં આવ્યો છે. ખરીદ તારીખથી એક વર્ષ કે વધારે સમય રોકાણ થયેલું હોય અને વેચવામાં આવે ત્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે છે. જોકે, ગીફ્ટ સિટીમાં થતા કોઇપણ પ્રકારના રોકાણ ખરીદી કે વેચાણ ઉપર કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગતો નથી. એટલું જ નહી પણ અહી નોંધાયેલા એકમોને ૧૦ વર્ષ સુધી આવકવેરામાંથી પણ મુક્તિ મળે છે. એવું બને કે બજેટની આ જોગવાઈથી બિઝનેસ ગીફ્ટ સિટીમાં ટ્રાન્સફર થઇ શકે.
એવી કેટલીક યોજના, મંત્રાલય કે બાબતો જેનો ભાષણમાં ઉલ્લેખ જ નહીં
છેલ્લા ૧૦ વર્ષના શાસન દરમિયાન કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી, સ્વચ્છ ભારત મિશન, કેન્દ્ર સરકારની કંપનીઓમાં મૂડી વેચી નાણા એકત્ર કરવા (ડીસઇન્વેસ્ટમેન્ટ), મેટ્રો રેલ પ્રોજેક્ટ જેવી જાહેરાતો કરેલી પણ નાણામંત્રીના આ બજેટ ભાષણમાં આ બાબતો અંગે કોઈ ઉલ્લેખ જ હતો નહી. નેશનલ હાઈ-વે પ્રોજેક્ટ, એક્સપ્રેસ વે, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર છેલ્લા પાંચ વર્ષમાં જંગી રોકાણ અને મોટી જાહેરાતો થઇ હતી. સીતારામનની બજેટ સ્પીચમાં મંગળવારે રોડ કે રેલવે શબ્દનો લેશમાત્ર ઉલ્લેખ નથી. રેલવે બજેટ અને કેન્દ્રનું બજેટ મર્જ થઇ ગયું હોવા છતાં રેલવે વિષે નાણામંત્રીએ કોઈ જાહેરાત કરી ન હતી. રોજગારી ઉપર બજેટ કેન્દ્રિત હોવાનું જણાવ્યા પછી છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી વધુ ગ્રામીણ રોજગારી ઉભી કરનાર મનરેગા સ્કીમ અંગે પણ બજેટ ભાષણમાં ચર્ચા નથી કરી. હા, બજેટમાં તેના માટે રૂ.૮૬,૦૦૦ કરોડની ફાળવણી ચોક્કસ કરવામાં આવી છે.
બજાર ભાવે જીડીપી વૃદ્ધિ 10.5 ટકા રહેશે
બજેટ દસ્તાવેજ અનુસાર કેન્દ્ર સરકાર બજાર ભાવે (એટલે કે ફુગાવા સહિત) દેશના અર્થતંત્રનું કદ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ૧૦.૫ ટકા વધે એવી ધારણા રાખે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં વર્તમાન ભાવે જીડીપી ૯.૬ ટકા વધી રૂ.૨૯૫.૩૬ લાખ કરોડ હોવાનો પ્રાથમિક અંદાજ છે. બજેટના અંદાજ અનુસાર વર્તમાન ભાવે દેશની જીડીપી ૨૦૨૪-૨૫ના અંતે વધી રૂ.૩૨૬.૩૭ લાખ કરોડ રહે એવી શક્યતા છે.
ખેડૂત : બે વર્ષમાં ૧ કરોડ ખેડૂતોને કુદરતી ખેતીમાં મદદ કરાશે. ૩૨ પાકની ૧૦૯ જાત લવાશે. પાકનો ડિજિટલ સર્વે થશે. ૬ કરોડ ખેડૂતો અને તેમની જમીનોને રજિસ્ટ્રીમાં નોંધાશે. ૨૦૨૪-૨૫માં કૃષિ અને તેની સાથે સંકળાયેલા સેક્ટર માટે ૧.૫૨ લાખ કરોડ ફાળવાશે.
ઈન્કમ ટેક્સ : નવી ટેક્સ રિજિમમાં રૂ. ૩ લાખની આવક પર ટેક્સ નહીં. રૂ. ૩થી ૭ લાખ પર ૫ ટકા, રૂ. ૭થી ૧૦ લાખ પર ૧૦ ટકા, રૂ. ૧૦થી ૧૨ લાખ પર ૧૫ ટકા, રૂ. ૧૨થી ૧૫ લાખ પર ૨૦ ટકા ટેક્સ લાગશે. ૧૫ લાખથી વધુની વાર્ષિક કમાણી પર ૩૦ ટકા ટેક્સ.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર : અમૃતસર-કોલકાતા ઈકોનોમિક કોરીડોર પર ગયામાં ઔદ્યોગિક કેન્દ્ર વિકસાવાશે. પીએમ ગ્રામ સડક યોજના હેઠળ ૨૫ હજાર ગ્રામીણ વસાહતોમાં રસ્તા બનાવાશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧૧,૧૧,૧૧૧ કરોડનો ખર્ચ કરાશે.
શિક્ષણ : મોડલ સ્કિલ લોન સ્કીમમાં સુધારો કરાશે, જેથી ૭.૫ લાખ સુધીની લોન મળશે. દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે રૂ. ૧૦ લાખ સુધીની લોન મળશે. લોન પર ૩ ટકા વ્યાજ સરકાર આપશે. તેના માટે પ્રત્યેક વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને ઈ-વાઉચર્સ અપાશે.
પોતાનું ઘર : પીએમ આવાસ યોજના-અર્બન ૨.૦ હેઠળ ૧ કરોડ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર મળશે. તેના માટે રૂ. ૧૦ લાખ કરોડનું રોકાણ કરાશે. સસ્તા દરો પર લોન મળી શકશે તેના માટે વ્યાજ સબસિડી પણ શરૂ કરાશે.
બિહાર : પટના-પૂર્નિયા એક્સપ્રેસ વે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસ વેનો રૂ. ૨૬ હજાર કરોડના ખર્ચે વિકાસ. રૂ. ૨૧,૪૦૦ કરોડના ખર્ચે વિદ્યુત પ્રોજેક્ટ. પૂરની સમસ્યાના નિકાલ માટે રૂ. ૧૧,૫૦૦ કરોડ અપાશે. નવા એરપોર્ટ, મેડિકલ અને સ્પોર્ટ્સ પ્રોજેક્ટ શરૂ થશે.
આંધ્ર પ્રદેશ : આંધ્ર પ્રદેશને રૂ. ૧૫,૦૦૦ કરોડનું વિશેષ પેકેજ. પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ વહેલી તકે પૂરો કરાશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈકોનોમિક કોરિડોર અને બૈદરાબાદ-બેંગ્લુરુ ઈકોનોમિક કોરિડોરમાં પાણી, વીજળી, રેલવે અને રસ્તા માટે ફંડ અપાશે.
ઉદ્યોગ : ખરીદારોને ટ્રેડ્સ પ્લેટફોર્મમાં સામેલ કરવા માટે કારોબારની મર્યાદા રૂ. ૫૦૦ કરોડથી ઘટાડી રૂ. ૨૫૦ કરોડ કરાઈ. એમએસએમઈ તેમના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકે તે માટે પીપીપી મોડમાં ઈ-કોમર્સ એક્સપોર્ટ હબ તૈયાર કરાશે.
મહિલાઓ : મહિલાઓ અને બાળકીઓને લાભ આપતી યોજનાઓ માટે રૂ. ૩ લાખ કરોડની ફાળવણી. વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે. હોસ્ટેલ અને ક્રેચની સુવિધાથી વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારાશે.
યુવાન : ટોચની ૫૦૦ કંપનીઓમં આગામી પાંચ વર્ષમાં ૧ કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તક મળશે. વડાપ્રધાન પેકેજ હેઠળ ૧૨ મહિનાની ઈન્ટરનિશિપમાં રૂ. ૫,૦૦૦ માસિક ભથ્થુ અને રૂ. ૬,૦૦૦ વન-ટાઈમ મદદ કરાશે.
રોજગાર : નોકરીઓ માટે ત્રણ યોજના શરૂ. પહેલી નોકરીમાં રૂ. ૧ લાખથી ઓછો પગાર હોય તો ઈપીએફઓમાં પહેલી વખત નોંધણી કરનારાને રૂ. ૧૫,૦૦૦ની મદદ કરાશે. તેનાથી ૨.૧૦ કરોડ યુવાનોને લાભ.
પ્રવાસન : ગયાના વિષ્ણુપદ મંદિર અને બોધગયામાં મહાબોધિ મંદિરને વિશ્વસ્તરીય તીર્થ સ્થળ તરીકે વિકસિત કરવા માટે મદદ કરાશે. નાલંદાને પ્રવાસન કેન્દ્રના રૂપમાં વિકસિત કરાશે. ઓડિશાને પ્રવાસન સ્થળ બનાવવા માટે મદદ કરાશે.
હેલ્થ : કેન્સરની ત્રણ દવાઓને કસ્ટમ ડયુટી ફ્રી કરાઈ. તેનાથી દવાઓ સસ્તી થશે. એક્સ-રે મશીનો બનાવવામાં ઉપયોગમાં લેવાતી એક્સ-રે ટયુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટરો પર પણ કસ્ટમ ડયુટી ઘટાડવામાં આવી.
એમ્પ્લોયરને લાભ : રોજગાર આપનારને સરકાર ઈન્ટેન્સિવ આપશે. ૧ લાખથી ઓછો પગાર ધરાવતા કર્મચારી રાખવા પર સરકાર એમ્પ્લોયરને ઈપીએફઓ અંશદાનમાં માસિક રૂ.૩,૦૦૦ અપાશે.
કોર્પોરેટ ટેક્સ : ઈ-કોમર્સ ઓપરેટરો પર ટીડીએસનો દર ૧ ટકાથી ઘટાડી ૦.૧ ટકા કરાયો. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સનો દર ૪૦ ટકાથી ઘટાડીને ૩૫ ટકા કરવામાં આવ્યો.
શું સસ્તું, શું મોંઘું થયું
સોનું, ચાંદી, આયાતી મોબાઈલ, કેન્સરની દવાઓ સસ્તા થયા
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં કસ્ટમ ડયુટીમાં કાપની જાહેરાત કરી છે. આ સાથે સોનું, ચાંદી, અન્ય કિંમતી ધાતુઓ, આયાતી મોબાઈલ ફોન, ચોક્કસ કેન્સરની દવાઓ અને મેડિકલ ડિવાઈસીસ સસ્તા થયા છે. જોકે, બેઝિક કસ્ટમ ડયુટીમાં વધારો કરવાના કારણે આયાતી ગાર્ડન છત્રી અને લેબોરેટરી કેમિકલ્સ જેવી કેટલીક વસ્તુઓ મોંઘી થઈ છે.
સસ્તુ
સોનાના બિસ્કિટ અને લગડી, ચાંદીના બિસ્કિટ અને લગડી
પ્લેટિનમ, પેલેડિયમ, ઓસ્મિયમ, રુથેનિયમ અને ઈરિડિયમ જેવી કિંમતી ધાતુઓના સિક્કા
ઓર્થોપેડિક પ્રત્યારોપણના નિર્માણમાં ઉપયોગ માટેના બધા જ પ્રકારના પૉલીઈથિલીન
નોબેલ મેટલ સોલ્યુશન્સ, નોબેલ મેટલ કમ્પાઉન્ડ્સ અને કેટાલીટિક કન્વર્ટર્સના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પ્લેટિનમ અને પલ્લડિયમ
કેન્સરની દવાઓ - ટ્રાસ્ટુઝુમાબ ડેરુક્સટેકન, ઓસિમેર્ટિનિબ, ડુર્વાલુમેબ
મેડિકલ સાધનો - ઓર્થોપેડિક પ્રત્યારોપણના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા બધા પ્રકારના પોલીઈથિલીન
સર્જિકલ, ડેન્ટલ અથવા વેટરનરીના ઉપયોગ માટેના એક્સ-રે મશીન્સના ઉત્પાદનમાં ઉપયોગ માટેની એક્સ-રે ટયુબ્સ
આયાતી સેલ્યુલર મોબાઈલ ફોન, ચાર્જર, એડેપ્ટર.
સેલ્યુલર મોબાઈલ ફોનની પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી (પીસીબીએ)
સૌર સેલ અથવા સૌર મોડયુલના ઉત્પાદનમાં ઉપયોગ માટે નિર્દિષ્ટ મૂડીગત સામાન, એવા મૂડીગત સાધન, એવા મૂડીગત સામાનના ઉત્પાદનના પાર્ટ્સ
એક્વાટિક ફીડના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ફીશ લિપિડ ઓઈલ
બધા જ પ્રકારની પ્રાકૃતિક રેત, ક્વાર્ટ્ઝ, મહત્વપૂર્ણ ખનીજ, લિથિયમ કાર્બોનેટ, લિથિયમ ઓક્સાઈડ અને હાઈડ્રોક્સાઈડ, પોટેશિયમ કે નાઈટ્રેટ.
ધાતુ ક્ષેત્રમાં ફેરો નિકલ તથા બ્લિસ્ટર કોપર
કપડાં અને ચામડાંના ક્ષેત્રમાં 'સ્પેન્ડેક્સ યાર્ન'ના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા મેથિલીન ડાઈફેનિલ ડાઈ-આઈસોસાઈનેટ
મોંઘું થયું
પોલી વિનાઈલ ક્લોરાઈડ (પીવીસી) ફ્લેક્સ ફિલ્મો (જેને પીવીસી ફ્લેક્સ બેનર અથવા પીવીસી ફ્લેક્સ શીટ પણ કહેવાય છે.
સૌર સેલ અથવા સૌર મોડયુલના નિર્માણ માટે સૌર ગ્લાસ
સૌર સેલ અથવા સૌર મોડયુલના નિર્માણ માટે ટિનના બનેલા તાંબાના ઈન્ટરકનેક્ટ
મહત્વના ક્ષેત્રોને ફાળવણી
સંરક્ષણ |
રૂ. ૬,૨૧,૯૪૦ |
ગ્રામીણ વિકાસ |
રૂ. ૨,૬૫,૮૦૮ |
કૃષિ-સંલગ્ન ક્ષેત્રો |
રૂ. ૧,૫૧,૮૫૧ |
શિક્ષણ |
રૂ. ૧,૨૫,૬૩૮ |
આઈટી-ટેલિકોમ |
રૂ. ૧,૧૬,૩૪૨ |
સ્વાસ્થ્ય |
રૂ. ૮૯,૨૮૭ |
ઊર્જા |
રૂ.૮૯,૨૮૭ |
સામાજિક કલ્યાણ |
રૂ. ૫૬,૫૦૧ |
(આંકડા રૂ. કરોડમાં)