ગુજરાત સહિત નવ રાજ્યો પર ક્લાઈમેટ ચેન્જથી નુકસાનનું સૌથી વધુ જોખમ
- વિશ્વના 50 વિસ્તારો પર ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસર થશે
- દુનિયામાં જોખમવાળા ટોચના 200માંથી 114 ક્ષેત્રો એશિયામાં, ચીન, ભારત, અમેરિકાને સૌથી વધુ ખતરો
નવી દિલ્હી : દુનિયામાં પ્રકૃતિ સાથે ચેડાં થવાની સાથે પ્રાકૃતિક અને માનવીય આપત્તિઓનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. આવા સંજોગોમાં એક રિપોર્ટમાં દાવો કાયો છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત ભારતના નવ રાજ્યો દુનિયાના ટોચના એવા ૫૦ રીજનમાં સામેલ છે, જ્યાં ક્લાઈમેટ ચેન્જના જોખમના કારણે માનવ સર્જિત આપત્તિનું જોખમ વધી રહ્યું છે. આ રિપોર્ટ સોમવારે પ્રકાશિત થયો છે.
ક્રોસ ડિપેન્ડન્સી ઈનિશિયેટીવ (એક્સડીઆઈ)એ વર્ષ ૨૦૫૦માં દુનિયાના ૨,૬૦૦થી વધુ રાજ્યો અને પ્રાંતોમાં માનવ સર્જિત પર્યાવરણ આપત્તિઓ માટે ભૌતિક ક્લાઈમેટ ચેન્જના જોખમનું આકલન કર્યું છે. એક્સડીઆઈ ક્લાઈમેટ ચેન્જથી થનારા નુકસાનની માહિતી મેળવવા માટે કટિબદ્ધ કંપનીઓના એક જૂથનો ભાગ છે.
એક્સડીઆઈ ગ્રોસ ડોમેસ્ટિક ક્લાઈમેટ રિસ્ક ડેટા સેટે આ ક્ષેત્રોની સરખામણી ચરમ હવામાન અને ક્લાઈમેટ ચેન્જના કારણે પૂર, જંગલની આગ, હીટવેવ અને સમુદ્રના સ્તરમાં વધારાથી ઈમારતો તથા સંપત્તિઓને નુકસાનના મોડેલનું અનુમાન કરાયું હતું.
આ રિપોર્ટમાં ચીન અને ભારત પર વિશેષ ધ્યાન અપાયું છે. આ રિપોર્ટ મુજબ ક્લાઈમેટ ચેન્જથી એશિયાને સૌથી વધુ જોખમ છે, કારણ કે જોખમવાળા ટોચના ૨૦૦માંથી ૧૧૪ ક્ષેત્રો એશિયામાં આવેલા છે. આ વિશ્લેષણ મુજબ ૨૦૫૦માં ટોચના ૫૦ સૌથી જોથમવાળા રાજ્યોમાં ૮૦ ટકા ભારત, ચીન અને અમેરિકામાં છે.
આ રિપોર્ટ મુજબ ટોચના ૫૦ રાજ્યોમાં ચીન પછી સૌથી વધુ નવ રાજ્યો ભારતના છે, જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને કેરળનો સમાવેશ થાય છે. આ પહેલી વખત દુનિયાના દરેક રાજ્ય, પ્રાંત અને ક્ષેત્રની સરખામણી કરતા વિશેષરૂપે નિર્મિત પર્યાવરણ પર કેન્દ્રિત એક ફિઝિકલ ક્લાઈમેટ રિસ્ક વિશ્લેષણ કરાયું છે. ટોચના ૧૦૦ પ્રાંતોમાં પાકિસ્તાનના પણ અનેક પ્રાંતોનો સમાવેશ કરાયો છે.