સની દેઓલ, શત્રુઘ્ન સિન્હાએ થિયેટરો ગજવ્યા, પરંતુ સંસદમાં 'ખામોશ'! 5 વર્ષમાં કંઈ ન બોલ્યા 9 MP
લોકસભા સ્પીકર બન્યા બાદથી જ ઓમ પ્રકાશ બિરલાએ પહેલી વાર સાંસદ બનેલા સભ્યોનું લિસ્ટ તૈયાર કર્યું હતું
તેમજ તેમણે બધા સભ્યોને સંસદમાં બોલવા માટે પ્રેરિત કર્યા હતા
9 MPs silent in Parliament Proceedings: દેશની સંસદને દેશના સામાન્ય નાગરિકોનો અવાજ કહેવામાં આવે છે. 6 થી 7 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો સંસદમાં પહોંચે છે. તેઓ દેશના સર્વોચ્ચ ગૃહમાં તેમના વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ ઉઠાવે છે. અલબત્ત, સાંસદોની આ કામગીરીને પણ જવાબદાર ગણવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર સંસદમાં કેટલાક સાંસદ એવા છે જેમણે પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ગૃહમાં એક પણ ભાષણ આપ્યું નથી અને બસ ચૂપ બેસી રહે છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સની દેઓલ અને તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હાનો પણ સમાવેશ થાય છે.
પાંચ વર્ષમાં એક પણ વાર સંસદને સંબોધિત કરી નથી
આવા સાંસદોની સંખ્યા 9 છે. જેઓ આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સંસદને એક વાર પણ સંબોધિત કરી નથી. આ લિસ્ટમાં ગુરદાસપુરના સાંસદ સની દેઓલનું નામ પણ સામેલ છે. જો કે શત્રુઘ્ન સિન્હા તો અમુકવાર સંસદમાં જોવા પણ મળ્યા છે. તેમજ વિપક્ષ સાંસદો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનોનો ભાગ પણ બન્યા છે. તેમ છતાં શત્રુઘ્ન સિન્હાએ ક્યારેય કોઈ સદન સંબોધિત કરી નથી કે તેના ક્ષેત્ર સાથે જોડાયેલો કોઈ મુદ્દો પણ ઉઠાવ્યો નથી.
ગૃહની કાર્યવાહીમાં ભાગ ન લેતા સાંસદ
જે સાંસદોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો ન હતો તેમાં બીજાપુરના બીજેપી સાંસદ રમેશ ચંદ્રપ્પા જીગાજીનાગી, બહુજન સમાજ પાર્ટીના અતુલ રાય, ટીએમસીના દિવ્યેન્દુ અધિકારી અને પ્રધાન બરુઆ, બીએન બચે ગૌડા, અનંત કુમાર હેગડે અને બીજેપીના વી શ્રીનિવાસ પ્રસાદનો સમાવેશ થાય છે.
સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ કર્યા પ્રયાસ
લોકસભા સ્પીકર બન્યા બાદ ઓમ પ્રકાશ બિરલાએ પહેલી વાર સાંસદ બનેલા સભ્યોનું એક લિસ્ટ બનાવ્યું હતું. તેમણે દરેકને ઓછામાં ઓછા એકવાર સંસદમાં બોલવા માટે પ્રેરિત કર્યા હતા. તેમ છતાં એવા ઘણા સાંસદ રહ્યા કે જેઓ વર્ષ 2019 થી લઈને 2024 વચ્ચે સંસદમાં એક પણ ભાષણ નથી આપી શક્યા.