૧૭ વર્ષની છોકરીની હત્યાના આરોપી સૂફિયાનની લખનઉમાંથી ધરપકડ
પોલીસે ૨૫ હજારનું ઈનામ જાહેર કર્યું હતું
લખનઉની ચાર માળની ઈમારત પરથી છોકરીને નીચે ફેંકીને હત્યા કરનારો સૂફિયાન ઘણાં દિવસથી ફરાર હતો
લખનઉની ચાર માળની બિલ્ડિંગ પરથી ૧૭ વર્ષની છોકરીને નીચે ફેંકીને હત્યા કરનારો હત્યારો સૂફિયાન ઘણાં દિવસથી ફરાર હતો. આખરે લખનઉમાંથી જ પોલીસે તેને પકડી લીધો છે. સૂફિયાન પર પોલીસે ૨૫ હજાર રૃપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં ૧૭-૧૮ વર્ષની છોકરીને ચાર માળની ઈમારત પરથી નીચે ફેંકીને તેની હત્યા કરી દીધી હતી. એ પછી આરોપી સૂફિયાન ફરાર થઈ ગયો હતો. ઘણાં દિવસથી ફરાર સૂફિયાનને પકડવા માટે પોલીસે પાંચ ટૂકડી બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેના માથા સાટે ૨૫ હજાર રૃપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
શોધખોળ દરમિયાન બાતમીના આધારે પોલીસ સૂફિયાનને પકડવા લખનઉના જ વિસ્તારમાં પહોંચી હતી. એ દરમિયાન સૂફિયાને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. એ પછી પોલીસના વળતા ફાયરિંગમાં સૂફિયાનને ઈજા થઈ હતી. તેના પગમાં ગોળી વાગી હતી. ઘાયલ સૂફિયાનની ધરપકડ કરીને પોલીસે તેને હોસ્પિટલમાં ખસેડયો હતો.
કિશોરીના પરિવારજનોના કહેવા પ્રમાણે આરોપી ઘણાં સમયથી છોકરી પર દોસ્તી કરવાનું દબાણ કરતો હતો. છોકરીની માતાના કહેવા પ્રમાણે સૂફિયાન તેનું ધર્મપરિવર્તન કરીને તેને લગ્ન માટે દબાણ કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અને મૃતક છોકરી આસપાસમાં રહેતા હતા અને આરોપી દોઢેક વર્ષથી મૃતક કિશોરીની પાછળ પડયો હતો.