કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા મામલે તપાસ કરશે NIA, મર્ડરમાં ગેંગસ્ટર સામેલ હોવાની શક્યતા
- ગોગામેડીની હત્યા મામલેની તપાસ આજે ગૃહ મંત્રાલયે NIAને સોંપી
- શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી હતી
જયપુર, તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર
Sukhdev Gogamedi Murder Case: કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ NIA કરશે. ગોગામેડીની હત્યા મામલેની તપાસ આજે ગૃહ મંત્રાલયે NIAને સોંપી દીધી છે.
એવી શક્યતા છે કે ગોગામેડીની હત્યામાં કોઈ ગેંગસ્ટર સામેલ છે. આ કારણોસર આ તપાસ NIAને સોંપવામાં આવી છે. ગોગામેડીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ લેતા કહ્યું હતું કે આ બધું અમે કરાવ્યું છે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના તે સમયે બની હતી જ્યારે તેઓ પોતાના ઘરમાં હતા. આ દરમિયાન સ્કૂટી પર સવાર બે હત્યારા ત્યાં પહોંચ્યા હતા. તેમના ઘરમાં જઈને બંને સોફા પર બેઠા હતા, સુખદેવ સિંહ પણ સામે બેઠા હતા. આ દરમિયાન અચાનક હત્યારાઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં ચાર ગોળીઓ સુખદેવ સિંહ ગોગામેડીને વાગી હતી. તેમની સાથે હાજર કેટલાક અન્ય લોકોને પણ ગોળી વાગી ગઈ હતી. તમામને તાત્કાલિક જયપુરની માનસરોવર સ્થિત મેટ્રો માસ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સુખદેવ સિંહ ગોગામેડીનું સારવાર દરમિયાન મોત થઈ ગયુ હતું.