ISISનું એક આતંકી ષડયંત્ર તોડવામાં NIAને ભારે સફળતા મળી, કર્ણાટક, મહારાષ્ટ્રમાં 46 સ્થળોએ દરોડા
- NIA દ્વારા કર્ણાટકમાં 1, પૂના 2, થાણા ગ્રામીણમાં 31, થાણા શહેરમાં 9 અને ભાયંદરમાં 1, જગ્યાએ NIA દ્વારા વહેલી સવારથી એક સાથે દરોડા
નવી દિલ્હી : આતંકી સાજીશ તોડવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એન.આઈ.એ.) દ્વારા આજે જબરજસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તમામ સંસ્થાએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મળી કુલ ૪૪ સ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એન.આઈ.એ. દ્વારા કેટલાક લોકોની ધરપકડ પણ કરાઈ હતી.
મહારાષ્ટ્રમાં કહેવાતા આઈ.એસ.આઈ.એસ. મોડયુલ સંબંધે કાર્યવાહી હાથ ધરી રહી તે પ્રમાણે કર્ણાટકમાં પણ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ બંને રાજ્યમાં, વિવિધ સ્થળોએ કરાયેલી કાર્યવાહી તદ્દન સિંક્રોનાઇઝડ (તાલબધ્ધ રીતે અને એક સાથે) કરવામાં આવી હતી. જેથી એક સ્થળે પડેલા દરોડા દરમિયાન કોઈ અન્ય આતંકી જૂથને સાવચેત કરવાનો સમય જ ન રહે.
આ આતંકી મોડયુલ તોડવામાં મહારાષ્ટ્ર અને કર્ણાટક પોલીસે શીન્ક્રોનાઇઝડઝ રીતે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કર્ણાટકમાં ૧, પુનાર, થાણા-ગ્રામીણમાં ૩૧, થાણા શહેરમાં ૯, તથા ભાયંદરમાં ૧ સ્થળે એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
મુંબઇ અને થાણામાં એનઆઈએ ટીમે વિવિધ સ્થળોએ દરોડા પાડયા તે સમયે જ ભીવંડીમાં સવારે ૪ વાગે દરોડા પાડવામાં આવ્યા. વાસ્તવમાં કેટલાક દીવસથી તે શંકાસ્પદ વિસ્તારો પર એનઆઈએના જાસૂસો નજર રાખી રહ્યા હતા. ગઇકાલે રાત્રે તો ત્યાં ચાલતી એકએક બાબત ઉપર પાકી નજર રખાઈ રહી હતી.
ભીવંડી શહેરના તીનબત્તી વિસ્તારમાં એક શખ્સના ઘરે સવારે ૪ વાગે એન.આઈ.એની ટીમ દરોડા પાડવા ગઇ ત્યારે ઘરમાં રહેલી મહિલાએ સવાર સુધી દરવાજો નહીં ખુલે તેમ જણાવતાં મહિલા પોલીસે સહિત એન.આઈ.એની ટીમ તે મકાનને ઘેરો ઘાલી રાહ જોતી બેસી હતી. સવાર થતાં જ તેણે કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ૧૩ની ધરપકડ થઇ હતી.