દેશના ચાર રાજ્યોમાં NIAના દરોડા, ખાલિસ્તાન-ગેંગસ્ટર લિંક કેસમાં તપાસ એજન્સીની મોટી કાર્યવાહી
ખાલિસ્તાની-ગેંગસ્ટર હવાલા ચેનલ દ્વારા ગ્રાઉન્ડ વર્કર્સને ડ્રગ્સ અને હથિયારોનું ફંડિંગ કરી રહ્યા છે
NIA Raid : ખાલિસ્તાન ગેંગસ્ટર લિંક કેસમાં NIAએ ચાર રાજ્યોમાં દરોડા પાડ્યા છે. NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં ગેંગસ્ટરો અને આતંકીઓ વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી પંજાબના મોગામાં પણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. NIAની સાથે મોગા પોલીસ પણ હાજર છે. NIAની ટીમ મોગાના હલકા નિહાલ સિંહ વાલાના બિલાસપુર ગામમાં તપાસ કરી રહી છે.
લગભગ 51 સ્થળોએ દરોડા પાડ્યા
અગાઉ સપ્ટેમ્બર 2023માં પણ NIAએ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી NCR, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 51 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ આ કાર્યવાહી આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચે સાંઠગાંઠ સંબંધિત 3 કેસમાં કરી હતી.
ફંડિંગ ચેઈનને ખતમ કરવા NIAની કાર્યવાહી
સપ્ટેમ્બરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન NIAની ટીમ પંજાબમાં સૌથી વધુ 30 સ્થળોએ પહોંચી હતી. આ ઉપરાંત રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં 1-1 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર હવાલા ચેનલ દ્વારા ભારતમાં ગ્રાઉન્ડ વર્કર્સને ડ્રગ્સ અને હથિયારોનું ફંડિંગ કરી રહ્યા છે. ગેંગસ્ટર-ખાલિસ્તાનીઓની આ ફંડિંગ ચેઈનને ખતમ કરવા NIAની કાર્યવાહી ચાલી રહી છે.
ત્રણ ગેંગના સભ્યો પર નજર
NIA દ્વારા લગભગ પાંચ મહિના પહેલા જે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે લોરેન્સ બિશ્નોઈ, બંબિહા ગેંગ અને અર્શ ડલ્લા ગેંગના સભ્યો સાથે જોડાયેલા હતા. NIAની ટીમ દિલ્હીના ભીમા પોલીસ સ્ટેશન રોડી પહોંચી હતી. અહીં યાદવિંદર ઉર્ફે જશનપ્રીતના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જે વ્યવસાયે બાઉન્સર છે. યાદવિંદરના ખાતામાં વિદેશથી ફંડિંગ આવ્યું હતું, તેના ફોન પરથી વિદેશમાં કોલ પણ કરવામાં આવ્યા હતા.