વિદેશોમાં ભારતીય દૂતાવાસ પર હુમલો કરનારા ખાલિસ્તાનીઓને NIAએ શોધી કાઢ્યા, 43 શકમંદ રડાર પર
2023માં NIAએ દેશમાં 68 કેસ નોંધ્યા અને 1000થી વધુ વખત દરોડાની કાર્યવાહી કરી
2023માં દરોડાની કાર્યવાહી દરમિયાન 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
NIA Action Against Khalistan: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગત વર્ષે અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય દૂતાવાસો પર કરાયેલા હુમલામાં સામેલ 43 શકમંદોની ઓળખ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીએ ક્રાઉડસોર્સિંગનો ઉપયોગ કરીને તમામ શકમંદોને શોધી કાઢ્યા હતા. આ મામલે NIAએ ગૃહ મંત્રાલયના આદેશ બાદ જૂન 2023 માં અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ પર હુમલાનો કેસ પોતાના હાથમાં લઈ તપાસ હાથ ધરી હતી.
દેશભરમાં 68 કેસ નોંધ્યા હતા
અહેવાલ અનુસાર એનઆઈએએ 2023માં આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી કરતી વખતે દેશભરમાં 68 કેસ નોંધ્યા હતા અને ત્યારબાદ 1000થી વધુ વખત દરોડાની કાર્યવાહી કરી હતી. જે દરમિયાન 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. NIAના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ એજન્સીએ અલગ-અલગ કેસોમાં 74 આરોપીઓને સજા સંભળાવી હતી. જેમાં 94.70 ટકા દોષિત ઠર્યા હતા.
ભારતના દુશ્મનો પર NIAની નજર
એનઆઈએના પ્રવક્તાએ કહ્યું કે ઓટ્ટાવા અને લંડનમાં ભારતીય હાઈ કમિશન અથવા અમેરિકામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલા પછી એનઆઈએ આખું વર્ષ સક્રિયતા બતાવી હતી. આ તમામ ઘટનાઓ બાદ એજન્સીએ કાર્યવાહી પણ કરી હતી. વિદેશમાં ભારતીય સરકારી કચેરીઓ અને દૂતાવાસો પર હુમલા પાછળના ષડયંત્રને ઉઘાડો પાડવા માટે તપાસ એજન્સીએ 50થી વધુ દરોડા પાડ્યા હતા અને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા.