બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ NIAની મોટી કાર્યવાહી, લૉરેન્સના ભાઈ પર રાખ્યું 10 લાખનું ઈનામ
Baba Siddique Murder Case : મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ પર સકંજો કસવા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએ લૉરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) પર 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. અનમોલ પર બાબા સિદ્દીકીની હત્યા અને સલમાનને ઘરે ફાયરિંગમાં સામેલ હોવાનો આરોપ છે.
હત્યા પહેલા ત્રણ શૂટરો અનમોલના સંપર્કમાં હતા
મીડિયા રિપોર્ટ મુજબ હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને આરોપીઓની પૂછપરછમાં માહિતી મળી છે કે, શૂટર અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો. રિપોર્ટ મુજબ ત્રણ શંકાસ્પદ શૂટરોએ હત્યાને અંજામ આપતા પહેલા ઈન્ટેન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા અનમોલ સાથે વાતચીત કરી હતી. અનમોલ શૂટર અને ષડયંત્રકાર પ્રવિણ લોનકરના સંપર્કમાં હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી વર્ષ 2022માં બે કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી અને આ બંને કેસમાં અનમોલ હોવાનો આરોપ છે.
અનમોલ વિરુદ્ધ કુલ 18 ગુના દાખલ
અનમોલ વિરુદ્ધ કુલ 18 ફોજદારી કેસો દાખલ છે. અગાઉ તે જોધપુરની જેલમાં બંધ હતો અને તેને સાતમી ઓક્ટોબર-2021માં જામીન પર મુક્ત કરાયો હતો. તે કથિત રીતે પોતાના ઠેકાણા બદલતો રહે છે. તે ગત વર્ષે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ તે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારતમાંથી ભાગી ગયો હતો. અનમોલ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાનો પણ આરોપી છે. મુસેવાલાની હત્યા બાદ અનમોલ ભારતમાંથી ફરાર થઈ ગયો હતો.
એપ્રિલમાં સલમાન ખાનના ઘરની બહાર આડેધડ ગોળીબાર થયો હતો, ત્યારબાદ મુંબઈ પોલીસે અનમોલ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આ ઘટના બાદ ફેસબુક પર અનમોલના નામે એક પોસ્ટ સામે આવી હતી, જેમાં ફાયરિંગની જવાબદારી લેવાઈ હતી. જોકે આ ફેસબુક એકાઉન્ટ અનમોલનું હતું કે નહીં, તેની પુષ્ટી થઈ શકી નથી.