કેન્દ્રએ FASTag માટે જાહેર કર્યો નવો નિયમ, NHAI કહ્યું, ‘હવે આવી ભૂલ કરશો તો...’
FASTag Rule : ફાસ્ટેગ મામલે વાહનચાલકોની બેદરકારી સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે. ઘણા વાહનચાલકો હાઈવે પર જતી વખતે જાણીજોઈને વાહનની અંદર વિંડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવતા નથી, ત્યારે આ સમસ્યા નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ મોટો નિર્ણય લીધો છે.
‘વાહનની વિંડશીલ્ડ પર ફાસ્ટેગ નહીં હોય તો...’
એનએચએઆઈ દ્વારા આજે (18 જુલાઈ) એક સત્તાવાર નિવેદન બહાર પડાયું છે. તેમાં જણાવાયું છે કે, જો કોઈ વાહનની અંદર વિંડશીલ્ડ પર ફાસ્ટેગ લગાવાયું ન હોય અને તેઓ ટોલ લેનમાં પ્રવેશ કરશે તો તેમણે બમણો ટોલ ચુકવવો પડશે. જાણીજોઈને વિંડસ્ક્રીન પર ફાસ્ટેગ ન લગાવવાથી ટોલ પ્લાઝા પાર બિનજરૂરી વિલંબ થાય છે, જેના કારણે અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે.
NHAI તમામ સંબંધીત એજન્સીઓને SPO જારી કરી
એનએચએઆઈ આ નવા નિયમો અંગે તમામ સંબંધીત એજન્સીઓને વિગતો સાથે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે અને તેમાં એવું પણ કહેવાયું છે કે, જો વાહનની અંદર વિંડશીલ્ડ પર ફાસ્ટેગ ન લગાવાયું હોય, તો તેવા વાહન ચાલકો પાસેથી બમણો ટોલ વસૂલવામાં આવે. આ ઉપરાંત આદેશ કરવામાં આવ્યો છે કે, ફાસ્ટેગ વગર લેનમાં પ્રવેશતા વાહન ચાલકોને દંડ અંગે માહિતી મળે તે માટે તમામ ટોલ પ્લાઝા પર મુખ્યરીતે પ્રદર્શિત કરવામાં આવે.
CCTVથી રખાશે નજર
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, જો ટોલ પ્લાઝા પર આવતા વાહનોમાં ફાસ્ટેગ નહીં હોય, તો તે વાહનોની નોંધણી સંખ્યા (VRN) સાથે સીસીટીવી ફૂટેજને ફાસ્ટેગ વગરના મામલાઓમાં નોંધવામાં આવશે. આમ કરવાથી ટોલ લેનમાં વાહનની હાજરી અંગે યોગ્ય રેકોર્ડ રાખવામાં મદદ મળશે.