ટોલ ટેક્સ મુદ્દે હાઇવે ઑથોરિટીનો મોટો નિર્ણય, બૅંકને સોંપાશે વસૂલાતનું કામ
Toll Tax : નેશનલ હાઇવે પર ટોલ વસૂલાતમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા(NHAI)એ હવે ટોલ વસૂલાતનું કામ બૅંકોને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ નવી સિસ્ટમ દ્વારકા એક્સપ્રેસ વેથી શરુ થશે, જે ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલ કલેક્શન સિસ્ટમ બની છે. એનએચએઆઇ એ આ માટે બૅંકો પાસેથી બીડ મંગાવી છે, જેમાં સૌથી વધુ રેવન્યુ હિસ્સો આપનાર બૅંકને ત્રણ વર્ષ માટે ટોલિંગ અધિકારો આપવામાં આવશે.
ટોલ પ્લાઝાની જરૂરિયાત ઘટશે
એમએલએફએફ સિસ્ટમથી ટોલ પ્લાઝાની જરૂરિયાત ઘટશે. તેની જગ્યાએ, થાંભલાઓ પર સેન્સર અને સાધનો સ્થાપિત કરવામાં આવશે, જે હાઇવે પરથી પસાર થતાં વાહનોની માહિતી એકત્રિત કરશે. આ સેન્સર્સની નજીકથી પસાર થતાં વાહનની માહિતી ઈલેક્ટ્રોનિક ટોલ પેમેન્ટ સિસ્ટમને મોકલવામાં આવશે, જે ફાસ્ટેગ વોલેટમાંથી રકમ કાપી લેશે. આ સિસ્ટમનો હેતુ ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો અને વાહનચાલકોની મુસાફરી સરળ બનાવવાનો છે. આનાથી ટોલ વસૂલાતમાં વધુ પારદર્શિતા પણ સુનિશ્ચિત થશે કારણ કે બૅંકો ભારતીય રિઝર્વ બૅંક (RBI) દ્વારા નિયંત્રિત થાય છે.
બૅંકોને પેટા કોન્ટ્રાક્ટરો રાખવાની મંજૂ
બૅંકો પાસે ટોલ વસૂલાતનો સીધો અનુભવ ન હોવાથી, એનએચએઆઇની પેટાકંપની IHMCL એ બૅંકોને પેટા કોન્ટ્રાક્ટર રાખવાની મંજૂરી આપી છે. બીડ દસ્તાવેજ મુજબ, પેટા કોન્ટ્રાક્ટરોને ઓછામાં ઓછા 200 કિમી ટોલિંગ સિસ્ટમ પર કામ કરવાનો અનુભવ હોવો જોઈએ, પછી ભલે તે ભારતમાં હોય કે વિદેશમાં. આ પેટા કોન્ટ્રાક્ટરો ટોલ વસૂલાત પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થશે.
બાકી ટોલ અંગે કડક નિયમો
નવી ટોલ સિસ્ટમ ફાસ્ટેગ વોલેટમાંથી ટોલ ચાર્જ કાપવાની સાથે ફાસ્ટેગ ન હોય અથવા જેના ટેગને નુકસાન થયું હોય તેવા વાહનોની ઓળખ પણ કરી શકશે. આવા વાહનો વિશેની માહિતી સેન્ટ્રલ વ્હીકલ ડેટાબેઝ 'વાહન' સાથે શેર કરવામાં આવશે, જેનાથી ડ્રાઇવરો માટે બાકી ટોલ ચૂકવવાનું ફરજિયાત બનશે. જો તેઓ બાકી રકમ નહીં ચૂકવે તો તેમને NOC અને ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે, જેનાથી આ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે.
ટોલના દરો હજુ નક્કી થયા નથી
28 કિલોમીટર લાંબા દ્વારકા એક્સપ્રેસ વે માટે હજુ સુધી ટોલના દરો નક્કી કરવામાં આવ્યા નથી. ટોલ માત્ર દિલ્હી-ગુડગાંવ બોર્ડર પર સ્થિત ટોલિંગ પોઇન્ટ પરથી જ લેવામાં આવશે. સફળ બીડરને ત્રણ વર્ષ માટે ટોલ વસૂલવાનો અધિકાર મળશે અને કોન્ટ્રાક્ટ મળ્યાના ત્રણ મહિનામાં સિસ્ટમ લાગુ કરવાની રહેશે.