દેશના પહેલા સાઉન્ડ પ્રૂફ હાઇવે પર ત્રણ જ વર્ષમાં ઠેર ઠેર ગાબડાં, 960 કરોડનો ધુમાડો કર્યો હતો

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
દેશના પહેલા સાઉન્ડ પ્રૂફ હાઇવે પર ત્રણ જ વર્ષમાં ઠેર ઠેર ગાબડાં, 960 કરોડનો ધુમાડો કર્યો હતો 1 - image


Image Source: X

NH-44 Highway: મધ્ય પ્રદેશના સિવનીમાં 960 કરોડના ખર્ચે બનેલા NH-44 ના 28 કિલોમીટરના ભાગની હાલત ખરાબ છે. ઉદ્ઘાટનના લગભગ ત્રણ વર્ષ બાદ દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે. હાઇવેના બે ભાગોમાં રસ્તા એ રીતે તૂટી ગયા છે કે 50 મીટરના ભાગમાં બેરિકેડિંગ કરીને રિપેર કરવામાં આવી રહ્યા છે.

પેન્ચ ટાઇગર રિઝર્વથી થઈને પસાર થનાર હાઇવેના 28 કિ.મી.ના ભાગને બનાવવામાં જ 960 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ હાઇવે 2021માં ખૂબ ચર્ચામાં આવ્યો હતો કેમ કે તે દેશનો પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે છે જેની બન્ને બાજુ એક ખાસ મેટલની શીટ લગાવવામાં આવી છે જેનાથી ગાડીઓના અવાજ જંગલ સુધી ન જાય.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ પણ કર્યું હતું નિરીક્ષણ

આ હાઇવેથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. 9 કિ.મી.ના એલિવેટેડ રોડની નીચે જાનવરોની અવરજવર માટે અંડરપાસ બનાવવામાં આવ્યા છે. હાઇવેના આ ભાગને બનાવવા દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ બે વખત નિરીક્ષણ કર્યું હતું પરંતુ તેમ છતાં હાઇવેની ખરાબ હાલત છે. 

સવાલોમાં ઘેરાઈ કંપની અને NHAI

રસ્તામાં ઘણા સ્થળોએ ખાડા એટલા વધુ છે કે મુસાફરોને પસાર થવામાં ખૂબ તકલીફ પડે છે. હાઇવેના અમુક ભાગમાં ખબર જ પડતી નથી કે રસ્તાની વચ્ચે ખાડા છે કે ખાડાની વચ્ચે રસ્તો છે. હાઇવેની આ દુર્દશા માટે નિર્માણ કરનારી કંપની પર તો સવાલ ઊભો થાય જ છે સાથે જ સવાલ નીતિન ગડકરી હેઠળ કામ કરતી NHAI પર પણ ઊભો થાય છે. 

મામલો મીડિયામાં આવ્યો તો એક સ્થળે રિપેરીંગનું કામ શરુ થઈ ગયું છે. હાલ ટ્રાફિક હજુ એક ભાગથી થઈને પસાર થઈ રહ્યો છે. તેમાં મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે કેવી રીતે ઉદ્ઘાટન બાદ આટલા ઓછા સમયમાં આ હાઇવેમાં ખાડા પડી ગયા.


Google NewsGoogle News