આગામી 3 દિવસ ઠંડા પવનો ફૂંકાશે, ઠંડીનો સપાટો રહેશે, ધુમ્મસ છવાયેલું રહેશે : હવામાન વિભાગ
- છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉ.પૂ. રાજસ્થાન, ઉ.પ. ઉત્તર પ્રદેશમાં ઉષ્ણતામાન 6 થી 10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે
પૂના, નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશનાં કેટલાંએ રાજ્યોમાં આજે પણ ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતનાં કેટલાંએ રાજ્યોમાં ઠંડા પવનના સૂસવાટા ફેલાઈ રહ્યા છે. તેથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૨૪ કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, હરિયાણા અને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં 'શીત લહર'ની સંભાવના છે. આગામી ૩ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ૧૫થી ૨૫ કી.મી. કલાકની ગતિએ તેજ હવા ચાલવાની સંભાવના છે.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ, ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ઉષ્ણતામાન ૬ થી ૧૦ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું જે સામાન્ય ઉષ્ણતામાન કરતાં ઘણું નીચું છે. આ વિસ્તારોમાં આગામી ૨૪ કલાક દરમિયાન ઠંડીમાંથી રાહત મળવાની કોઈ સંભાવના નથી.
હવામાન વિભાગ જણાવે છે કે ઉત્તર મધ્યપ્રદેશ, બિહાર, ઉપ હિમાલયના પશ્ચિમ બંગાળ, સિક્કીમ તથા ઓડીશાના વિવિધ વિસ્તારોમાં આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. ૮ અને ૯ ફેબ્રુઆરીદરમિયાન આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની સંભાવના છે.
જાણકારો કહે છે કે આ વર્ષે શિયાળો વધુ લાંબો અને વધુ કડક રહ્યો હોય તેમ લાગે છે. આકાશમાં ફેલાયેલી કાર્બન સૂરને લીધે પૃથ્વી પરથી પાછાં ફેંકાતા સૂર્ય કિરણો તે સૂરને લીધે અંતરિક્ષમાં જવાને બદલે ફરી પાછા પૃથ્વી ઉપર આવતાં ઉષ્ણતામાન વધે છે. તે સત્ય છે. પરંતુ તે જ કાર્બન સૂર સૂર્યના કિરણોને પૃથ્વી ઉપર આવતાં રોકે છે, અત્યારે જ ૧૫ થી ૨૦ ટકા કિરણો રોકાઈ રહ્યાં છે તેથી શિયાળો કડક અને લાંબો સમય ચાલે છે.