Get The App

ભારતમાં પાંચ વાર ઉજવાય છે નવું વર્ષ, 1 જાન્યુઆરીએ ન્યુ યર સેલિબ્રેશનની પરંપરા 450 વર્ષ જૂની

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
ભારતમાં પાંચ વાર ઉજવાય છે નવું વર્ષ, 1 જાન્યુઆરીએ ન્યુ યર સેલિબ્રેશનની પરંપરા 450 વર્ષ જૂની 1 - image


Image: Facebook

New Year Celebration: વિશ્વભરમાં આજે નવું વર્ષ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. લોકો ઉજવણીમાં નાચી-ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી રહ્યા છે. નવા વર્ષમાં પ્રગતિ કરવા માટે નવા સંકલ્પ લઈ રહ્યા છે, પરંતુ ભારતમાં નવું વર્ષ માત્ર પહેલી જાન્યુઆરીએ જ નહીં પરંતુ વર્ષમાં પાંચ વખત મનાવવામાં આવે છે. તેનું કારણ છે કે તમામ પંથોના પોતાના ધાર્મિક કેલેન્ડર છે અને તે અનુસાર તે ધર્મોના અનુયાયી પોત-પોતાનું નવું વર્ષ મનાવે છે.

હિન્દુ નવું વર્ષ ક્યારે હોય છે?

સૌથી પહેલાં વાત કરીએ હિન્દુ ધર્મની. હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં નવું વર્ષ મનાવવામાં આવે છે કેમ કે હિન્દુ કેલેન્ડરમાં ચૈત્ર વર્ષનો પહેલો મહિનો છે અને શુક્લ પક્ષને પહેલી તિથિ માનવામાં આવે છે. આ દિવસને નવ સંવત પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ રચવાની શરુઆત કરી હતી અને આ દિવસને વિક્રમ સંવતના નવા વર્ષનો આરંભ માનવામાં આવ્યો. બ્રિટિશ કેલેન્ડરમાં આ તિથિ એપ્રિલ મહિનામાં આવે છે. ભારતમાં હિન્દુ નવા વર્ષને અલગ-અલગ ભાગોમાં જુદા નામોથી મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરે છે તો ઘણા સ્થળો પર ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન પણ કરવામાં આવે છે.

ચૈત્ર શુક્લની તિથિને જેમ હિન્દુ નવા વર્ષની શરુઆત માનવામાં આવે છે. તેવી જ રીતે ઇસ્લામમાં મોહરમ મહિનાની પહેલી તારીખે નવું વર્ષ શરુ થાય છે. તેને હિજરી સનની શરુઆત કહેવામાં આવે છે. હજરત મોહમ્મદ જે દિવસે મક્કાથી નીકળીને મદીના આવે, તે દિવસથી હિજરી કેલેન્ડરની શરુઆત માનવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં મોહરમ અને રમજાનના મહિના ખૂબ મહત્ત્વના હોય છે. ચૈત્ર-વૈશાખની જેમ ઇસ્લામિક કેલેન્ડરમાં પણ મોહરમ સફર જેવા 12 મહિના હોય છે.

આ પણ વાંચો: નવા વર્ષના પ્રથમ દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો ક્યાં કેટલું સસ્તું

શીખ ધર્મમાં નવા વર્ષની શરુઆત બૈશાખીથી થાય છે. શીખોના નાનકશાહી કેલેન્ડર અનુસાર દર વર્ષે 13 કે 14 એપ્રિલે નવું વર્ષ મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી હતી અને આ દિવસથી દેશના ઘણા ભાગોમાં પાકની કાપણી શરુ થઈ જાય છે. વૈશાખ મહિનાની શરુઆત પણ આ તારીખથી થાય છે. જૈન ધર્મમાં દિવાળીની આસપાસ નવા વર્ષની શરુઆત થાય છે અને આને વીર નિર્વાણ સંવતનો આરંભ કહેવામાં આવે છે.

વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે નવરોઝ

પારસી ધર્મમાં નવા વર્ષને નવરોઝના નામથી ઓળખવામાં આવે છે. આ પરંપરા લગભગ ત્રણ હજાર વર્ષ જૂની છે અને આ દિવસની શરુઆત ફારસી રાજા જમશેદે કરી હતી. તેને જમશેદ-એ-નવરોઝના નામથી પણ ઓળખવામાં આવે છે કેમ કે તેમણે પારસી કેલેન્ડર રજૂ કર્યું હતું. વર્ષમાં બે વખત 21 માર્ચ અને 16 ઑગસ્ટે નવરોઝ મનાવવામાં આવે છે. અમુક લોકો તેને પારસી કેલેન્ડરના હિસાબથી મનાવે છે તો અમુક શહેનશાહી કેલેન્ડર અનુસાર નવું વર્ષ એટલે કે નવરોઝ મનાવે છે.

ખ્રિસ્તી ધર્મમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ મનાવવામાં આવે છે. ભારતમાં પણ એક જાન્યુઆરીથી વર્ષની શરુઆત થાય છે અને 31 ડિસેમ્બરે વર્ષનો અંત થાય છે. ભારત જ નહીં વિશ્વના મોટાભાગના દેશોમાં એક જાન્યુઆરીએ નવું વર્ષ મનાવવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે કે આખરે 1 જાન્યુઆરીએ જ નવા વર્ષની શરુઆત કેમ માનવામાં આવી અને આ પરંપરા ક્યારથી ચાલતી આવી રહી છે જેને સમગ્ર દુનિયા માને છે.

આ પણ વાંચો: પહેલી જાન્યુઆરીનો અનોખો ઈતિહાસ, જાણો ક્યારથી થઈ ઉજવણીની શરૂઆત

લગભગ 450 વર્ષ જૂની છે પરંપરા

1582માં એક જાન્યુઆરીએ નવું વર્ષ મનાવવાની શરુઆત થઈ હતી અને આ પરંપરા લગભગ 450 વર્ષ જૂની છે. એક જાન્યુઆરીએ નવું વર્ષ ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર મનાવવામાં આવે છે. આ દુનિયાનું સૌથી પ્રચલિત કેલેન્ડર માનવામાં આવ્યું અને ભારત સહિત મોટાભાગના દેશોએ આ અનુસાર સરકારી કાર્યની તારીખ નક્કી કરી છે. આ પહેલા જુલિયન કેલેન્ડરનું ચલણ હતું પરંતુ આમાં અમુક ફેરફાર બાદ 1582માં રોમના પોપ ગ્રેગરી XIII એ ગ્રેગોરિયન કેલેન્ડરની શરુઆત કરી હતી. આ કેલેન્ડરમાં 30 દિવસના ચાર મહિના, 31 દિવસના સાત મહિના અને ફેબ્રુઆરીનો મહિનો 28 દિવસનો હોય છે પરંતુ દર ચોથા વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ જોડવામાં આવે છે તો 29 દિવસનો ફેબ્રુઆરી હોય છે જેને લિપ યર પણ કહેવામાં આવે છે. 

જ્યારે સમગ્ર દુનિયા પર બ્રિટિશ રાજ હતું ત્યારે ભારતે ગ્રેગોરિયન કેલેન્ડરને અપનાવ્યું હતું. દેશમાં 1752થી આ કેલેન્ડર ચલણમાં આવ્યું જે આઝાદી બાદ પણ લાગુ રહ્યું. બંધારણ લાગુ થવા દરમિયાન હિન્દુ વિક્રમ સંવતને કેલેન્ડર તરીકે જોડવામાં આવ્યું તેમ છતાં સરકારી કાર્ય માટે આજે પણ દેશમાં આ જ કેલેન્ડરને માન્યતા આપવામાં આવી છે.


Google NewsGoogle News