Get The App

ખેડૂતોને નવા વર્ષની ભેટ : ડીએપી ખાતરની બેગ રૂ. 1350માં મળવાનું ચાલુ રહેશે

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
ખેડૂતોને નવા વર્ષની ભેટ : ડીએપી ખાતરની બેગ રૂ. 1350માં મળવાનું ચાલુ રહેશે 1 - image


- કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો

- ડીએપી(ડાય એમોનિયમ ફોસ્ફેટ) ખાતર પર 3850 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય  

- પાક વીમા યોજનાઓ પીએમએફબીવાય અને આરડબ્લ્યુબીસીઆઇએસને 2025-26 સુધી ચાલુ રાખવા રૂ. 69515 કરોડની ફાળવણી 

નવી દિલ્હી : નવા વર્ષના પ્રથમ દિવસે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોને ૫૦ કીલો ડીએપી(ડાય એમોનિયમ ફોસ્ફેટ) ખાતરની એક બેગ ૧૩૫૦ રૂપિયામાં મળતી રહેશે. સરકારે ડીએપી પર ૩૮૫૦ કરોડ રૂપિયા વધારાની સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કીંમતોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વધતી કીંમતોની અસર ખેડૂતો પર ન પડે. 

પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) અને રિસ્ટ્રકચર્ડ વેધર બેઝ્ડ ક્રોપ ઇન્સ્યુરન્સ સ્કીમ (આરડબ્લ્યુબીસીઆઇએસ)ને ૨૦૨૫-૨૬ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જે માટે કુલ ૬૯,૫૧૫.૭૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેબિનેટે ખેડૂતોને સસ્તા ભાવે ડીએપી સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક જાન્યુઆરી, ૨૦૨૫થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીના સમયગાળા માટે ડીએપી પર વિશેષ પેકેજના વિસ્તારને મંજૂરી આપી છે. કેબિનેટના નિર્ણયથી એ સુનિશ્ચિત થશે કે ખેડૂતોને ૧૩૫૦ રૂપિયામાં ૫૦ કીલોની ડીએપી બેગ મળતી રહેશે.

વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા ૨૦૨૫ની પ્રથમ કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત કરવામાં આવી છે. આ પ્રથમ બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. 

તેમણે જણાવ્યું હતું કે આજે લેવામાં આવેલ સૌથી મોટો નિર્ણય વડાપ્રધાન ફસલ બીમા યોજનાનો વિસ્તાર કરવાનો હતો. આ યોજનાથી ખેડૂતોના જીવનમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર થયા છે. તેની ફાળવણી વધારીને ૬૯૫૧૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે.

વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ઝડપી મૂલ્યાંકન, ક્લેઇમ સેટલમેન્ટમાં તેજી, સંશોધન અને ટેકનોલોજી માટે ૮૨૪.૭૭ કરોડ રૂપિયાના અલગ ફંડની રચના કરવામાં આવી છે. 


Google NewsGoogle News