Get The App

દેશમાં નવા વેરિઅન્ટ જેએન-1ના દર્દીઓ વધીને 110 : 36 કેસ સાથે ગુજરાત ટોચે

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
દેશમાં નવા વેરિઅન્ટ જેએન-1ના દર્દીઓ વધીને 110 : 36 કેસ સાથે ગુજરાત ટોચે 1 - image


- ભારતમાં કોરોનાના નવા 529 કેસ

- દેશમાં એક્ટિવ કેસો વધીને 4093 : 24 કલાકમાં કોરોનાથી કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એકનું મોત

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૨૯ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪૦૯૩ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક મોતનું મોત થયું છે. 

આ દરમિયાન કોવિડ-૧૯ના સબ વેરિએન્ટ જેએન-૧ના ૪૧ નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં જેએન-૧ના કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧૧૦ થઇ ગઇ છે. જેમાં સૌથી વધુ ગુજરાતમાં ૩૬ કેસ નોંધવામાં આવ્યા છે. 

ગુજરાત પછી જેએન-૧ના સૌથી વધુ કેસો કર્ણાટકમાં ૩૪, ગોવામાં ૧૪, મહારાષ્ટ્રમાં ૯, કેરળમાં ૬, રાજસ્થાન અને તમિલનાડુમાં ૪-૪ અને તેલંગણામાં નવા વેરિએન્ટના બે કેસ નોંધવામાં આવ્યા છે. જેએન-૧ના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે પાંચ ડિસેમ્બર સુધી દેશમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ડબલ ડિજિટમાં હતી. જો કે ત્યારબાદ ઋતુ બદલાતા અને નવા વેરિએન્ટને કારણે કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. 

ભારતમાં ૨૦૨૦થી અત્યાર સુધીમાં કોરોનાના ૪.૫ કરોડથી વધુ કેસો નોંધવામાં આવ્યા છે અને કોરોનાથી ૫.૩ લાખ લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા ૪.૪ કરોડ છે.  દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

જેએન-૧ સબ વેરિએન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સપાટી પર આવ્યો હતો. ભારતમાં આ સબ વેરિએન્ટનો પ્રથમ કેસ કેરળમાં ૮ ડિસેમ્બરે સામે આવ્યો હતો. આ વેરિએન્ટ અત્યાર સુધીમાં ૪૧ દેશોમાં જોવા મળ્યો છે. 

આ સબ વેરિએન્ટના સૌથી વધુ કેસો ફ્રાન્સ, અમેરિકા, સિંગાપોર, કેનેડા, બ્રિટન અને સ્વીડનમાં છે.


Google NewsGoogle News