UGC નેટની પરીક્ષામાં ફરી નવું અપડેટ, NTAએ મોકૂફ રાખેલ પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કર્યો
NTA announces new schedule for UGC-NET exam : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 15 જાન્યુઆરી, 2025 ના રોજ યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા (NET)ને મોકૂફ રાખવાના નિર્ણય બાદ હવે નવું ટાઈમટેબલ જાહેર કર્યું છે. હવે આ પરીક્ષા 21 અને 27 જાન્યુઆરીના રોજ લેવામાં આવશે. આ સાથે જ એજન્સીએ ઉમેદવારોને સલાહ આપી છે કે, તેઓ નવી તારીખો અને એડમિટ કાર્ડ સંબંધિત માહિતી વહેલી તકે સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પરથી મેળવી લે.
નવા ટાઈમટેબલ મુજબ પરીક્ષાની તારીખો
NTAના જણાવ્યા અનુસાર, ભારતીય જ્ઞાન પ્રણાલી, મલયાલમ, ઉર્દૂ, શ્રમ કલ્યાણ અને પર્યાવરણ વિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા 21 જાન્યુઆરીએ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. જ્યારે 27 જાન્યુઆરીએ બપોરે 3 થી 6 વાગ્યા સુધીમાં સંસ્કૃત, માસ કોમ્યુનિકેશન, જાપાની, કાયદો અને મહિલા અભ્યાસ જેવા વિષયોની પરીક્ષાઓ લેવામાં આવશે.
કેમ અગાઉ પરીક્ષા રદ કરાઈ હતી?
અગાઉ NTAએ 15 જાન્યુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા (NET)ને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મકરસંક્રાંતિ અને પોંગલના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. NTAએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, પોંગલ, મકરસંક્રાંતિ અને અન્ય તહેવારોને કારણે એનટીએએ 15 જાન્યુઆરીએ યોજાનારી યુજીસી-એનઈટી ડિસેમ્બર-2024ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારોના હિતમાં માત્ર 15 જાન્યુઆરીએ નિર્ધારિત UGC-NET ડિસેમ્બર-2024ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ, જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF)ની ગ્રાન્ટ અને સહાયક પ્રોફેસર તરીકે નિમણૂક માટે 85 વિષયો માટે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં 3 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા લેવામાં આવી રહી છે.