કેન્દ્રના કર્મચારી માટે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ જાહેર
- પહેલી એપ્રિલ 2025થી નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવશે
- અત્યારે નોકરી કરી રહેલા કર્મચારીઓને જ તેનો લાભ મળશે : નવી સ્કીમને પાત્ર બનવા કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ સરકારમાં ક્વોલિફાયિંગ સર્વિસ કરેલી હોવી જરૂરી
- નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવેલા કર્મચારીને યુનિફાઈડ પેન્શન સ્કીમનો લાભ આપવામાં આવશે નહિ
અમદાવાદ : કેન્દ્ર સરકારના કર્મચારીઓ નિવૃત્ત થાય તે પછી તેમની સલામતીમાં વધારો કરવાના હેતુથી કેન્દ્ર સરકારે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમનો અમલ કરવાનો ચોવીસમી જાન્યુઆરી ૨૦૨૫ના જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર આ નવી જાહેરાત કરતાં નોટિફિકેશનમાં પેન્સનની જૂની અને નવી નેશનલ પેન્સન યોજનોના સારા પાસાંઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા લાગુ કરવાને પરિણામે કર્મચારીને પેન્શનની નિશ્ચિત રકમ મળશે. પહેલી એપ્રિલ ૨૦૨૫થી નવી યોજના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવશે. નેશનલ પેન્શન સ્કીમ હેઠળ રજિસ્ટર થયેલા કેન્દ્રિય કર્મચારીઓને નવી યોજનાનો લાભ આપવામાં આવશે. જોકે તેમને નવી પેન્શન યોજનાનો લાભ આપવા માટે કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. આ ધારાધોરણોમાં જે પાર ઉતરે તેવા કર્મચારીઓને જ નવી પેન્સન યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવાને પાત્ર બનવા માટેના નક્કી કરેલા ધોરણો મુજબ કર્મચારીએ ઓછામાં ઓછા દસ વર્ષ સુધી ક્વોલિફાયિંગ સર્વિસ કરેલી હોવી જરૂરી છે.
એક, નવી પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારી સરકારમાં ઓછામાં દસ વર્ષ સુધી નોકરી કર્યા પછી નિવૃત્ત થયેલો હોવો જોઈએ. તેમને નિવૃત્તિની તારીખથી નિર્ધારિત રકમ પેન્શન તરીકે આપવામાં આવશે. બે, સરકારે નક્કી કરેલા નિયમોની જોગવઆઈ મુજબ કર્મચારી નિવૃત્ત થયો હોય અને તેને કોઈપમ જાતની પેનલ્ટી ન થઈ હોય તો જ તે નવી પેન્શન યોજનાને પાત્ર બનશે. તેને પણ નિવૃત્તિની તારીખથી જ કલમ ૫૬(જે)ની જોગવાઈ મુજબ પેન્શન આપવામાં આવશે. ત્રણ, ૨૫ વર્ષ કે તેનાથી વધુ સમય સુથી સરકારી નોકરી કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કર્મચારી નોકરીમાં ચાલુ રહ્યો હોત અને તે જે તારીખે નિવૃત્ત થવાનો હતો, નિવૃત્તિની તે તારીખથી તેને પેન્શન આપવાનું ચાલુ કરવામાં આવશે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ૨૦૧૦માં ૨૩ વર્ષની વયે સરકારી નોકરીમાં જોડાયો હોય તે વ્યક્તિ ૨૫ વર્ષ બાદ એટલે કે ૨૦૩૬માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે તો તેને સ્વૈચ્છિક નિવૃત્તિના દિવસથી નહિ, પરંતુ નિયમ મુજબ તેની નોકરીની નિવૃત્તિને કાયદેસર આવતી તારીખથી એટલે કે ૨૦૪૭ની સાલમાં આવતી તેની નિવૃત્તિની તારીખથી તેને પેન્શન આવાનું ચાલુ કરવામાં આવશે.
જોકે નોકરીમાંથી ડિસમિસ કરી દેવામાં આવેલા, નોકરીમાંથી દૂર કરવામાં આવેલા કે પછી નોકરી છોડી દેનારાઓને યુનિફાઈડ પેન્શન સ્કીમનો લાભ આપવામાં આવશે નહિ.
નોકરીના વર્ષની સંખ્યા પ્રમાણે પેન્શનની રકમ નક્કી થશે
નોકરીના વર્ષની સંખ્યા પ્રમાણે ગણતરી કરીને પેન્શનની રકમ નક્કી કરવામાં આવશે. ૨૫ વર્ષ કે તેનાથી વધુ વર્ષ સુધી પેન્શનને પાત્ર બનાવતી સરકારી નોકરી કરી હોય તેમને તેમના સરેરાશ બેઝિક પગારના ૫૦ ટકા રકમ પેન્શન તરીકે આપવામાં આવશે. બીજા સબ્દોમાં કહીએ તો જે વ્યક્તિની ૨૫ વર્ષથી વધારીને સરકારી નોકરી થઈ હોય અને તેનો બેઝિક પગાર ૬૦,૦૦૦ હોય તો તેના ૫૦ ટકા પ્રમાણે તેને રૃા.૩૦૦૦૦નું મિનિમમ પેન્શન તો મળશે જ મળશે. છેલ્લા બાર મહિનાની સરેરાશ બેઝિક સેલરીને ૫૦ ટકા રકમ તેના વાર્ષિક પેન્શનની રકમ તરીકે ગણતરીમાં લેવામાં આવશે. છેલ્લા બાર માસમાં રૃા. ૭.૨૦ લાક બેઝિક પગાર તરીકે મળ્યા હોય તો તેને વરસે રૃા. ૩.૬૦ લાખ પેન્શન તરીકે મળશે.
પચ્ચીસ વર્ષથી ઓછા સમય માટે પેન્શન પાત્રતા ધરાવતી સરકારી નોકરી કરી હશે તે સરકારી કર્માચારીને નક્કી કરેલા નિર્ધારિત પ્રમાણમાં પેન્શન આપવામાં આવશે. હા, પેન્શનને પાત્ર બનવા માટે કર્મચારીએ ઓછામાં ઓછી દસ વર્ષની સરકારી નોકરી કરેલી હોવી જરૂરી છે. તેમને ઓછામાં ઓછું મહિને રૃા.૧૦,૦૦૦નું પેન્શન મળશે જ મળશે. પચ્ચીસ વર્ષ સુધી સરકારી નોકરી કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેનાર કર્મચારીને તે નિવૃત્તિની તારીખે પહોંચશે તે પછી જ તેમને પેન્શન આપવામાં આવશે. આમ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પેન્શન મેળવતા અને ખાનગી કંપનીમાં નોકરી કરીને પૂરો પગાર મેળવતા કર્મચારીઓને બેવડા લાભથી વંચિત કરવામાં આવ્યા છે.
કર્મચારીને સ્કીમ પસંદ કરવાની છૂટ મળશે
કર્મચારીને એનપીએસ અને યુપીએસ બેમાંથી એક પસંદ કરવાની છૂટ આપવામાં આવશે. નિવૃત્ત થઈ ગયેલા પણ નવી પેન્શન સ્કીમનો સ્વીકાર કરનારા કર્મચારીઓને પણ વિકલ્પ પસંદ કરવાની તક આપવામાં આવશે. આ ફેરફારને અંતે જે કોઈ રકમ ચૂકવવાની થતી હશે તે ચૂકવવાની વ્યવસ્થા પેન્શન ઓથોરિટી કરશે.