હવે દેશમાં ‘અંધા કાનૂન’ નહીં, ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટાવાઈ અને હાથમાં તલવારના બદલે બંધારણ
New Statue of Goddess of Justice : સામાન્ય રીતે આપણે કોર્ટ, ફિલ્મો અને વકીલોની ચેમ્બર્સમાં આંખો પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની મૂર્તિ જોઈ હશે. પરંતુ હવે ન્યાયની દેવી ખુલ્લી આંખે જોવા મળી શકે છે. મળતા અહેવાલો મુજબ હવે ન્યાયની દેવીના આંખ પરથી પટ્ટી હટાવાની સાથે તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણ મુકવામાં આવી શકે છે. ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટ્યા બાદ અને તેમના હાથમાં બંધારણ જોવા મળશે ત્યારે દેશના ન્યાયમાં એક નવી જ ઉર્જા જોવા મળશે. આ પહેલા અંગ્રેજોના કાળથી ચાલી રહેલા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા, ત્યારથી જ ભારતીય ન્યાયપાલિકાએ બ્રિટિશ કાળને પાછળ છોડતા નવા રંગરૂપ અપનાવવાનું શરૂ કરી દીધું છે. આ મહત્ત્વનો નિર્ણય કરાયા બાદ હવે વકીલોના ચેમ્બરમાં જોવા મળતી 'ન્યાયની દેવી'ની મૂર્તિ બદલાઈ જશે.
ન્યાયની દેવીની આંખો પર બાંધેલી પટ્ટી હટાવાઈ
મીડિયા અહેવાલો મુજબ આ પહેલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડીવાય ચંદ્રચૂડ દ્વારા હાથ ધરવામાં આવી છે. આવું જ સ્ટેચ્યૂ સુપ્રીમ કોર્ટમાં જજોની લાઈબ્રેરીમાં લગાવવામાં આવે તેવા નિર્દેશ અપાયા છે. આ નિર્ણયથી દેશની પ્રજાને એવો સંદેશ મળશે કે, હવે કાયદો આંધળો નથી.
તલવારની જગ્યાએ બંધારણ
CJI ચંદ્રચૂડના નિર્દેશો પર ન્યાયની દેવીની મૂર્તિને નવી રીતે તૈયાર કરાઈ છે. સૌથી પહેલા એક મોટી મૂર્તિ જજોની લાયબ્રેરીમાં સ્થાપિત કરાઈ છે. પહેલા જે ન્યાયની દેવીની મૂર્તિ રહેતી હતી તેમાં તેમની બંને આંખો પર પટ્ટી બાંધેલી હતી. સાથે જ એક હાથમાં ત્રાજવું જ્યારે બીજામાં સજા આપવા માટે પ્રતીક તલવાર રહેતી હતી. જોકે, હવે ન્યાયની દેવીની મૂર્તિના હાથમાં તલવારની જગ્યા બંધારણે લઈ લીધી છે. મૂર્તિના બીજા હાથમાં ત્રાજવું પહેલાની જેમ જ છે.
શા માટે બદલવામાં આવી મૂર્તિ?
સૂત્રોના અનુસાર, CJI ડીવાય ચંદ્રચૂડનું માનવું હતું કે, અંગ્રેજોની વિરાસતથી આગળ નીકળવું પડશે. કાયદો ક્યારે અંધ હોતો નથી, તે સૌને સમાન રીતે જુએ છે. એટલા માટે ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવું જોઈએ. સાથે જ દેવીના એક હાથમાં તલવાર નહીં પરંતુ બંધારણ હોવું જોઈએ જેનાથી સમાજમાં સંદેશ જાય કે તે બંધારણના અનુસાર ન્યાય કરે છે. બીજા હાથમાં ત્રાજવું યોગ્ય છે કે તેમની નજરમાં બધા સમાન છે.