Get The App

હિમાલયમાં મળી આવી સાપની નવી પ્રજાતિ, અભિનેતા લિયોનાર્ડો ડિકેપ્રિયોના નામ પરથી નામ રખાયું

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
હિમાલયમાં મળી આવી સાપની નવી પ્રજાતિ, અભિનેતા લિયોનાર્ડો ડિકેપ્રિયોના નામ પરથી નામ રખાયું 1 - image
Image Twitter 

Himalayan Snake : આ વિશાળ પૃથ્વી પર જીવજગતનું એટલી હદે વૈવિધ્ય છે કે છાશવારે કોઈને કોઈ નવી પ્રજાતિની ભાળ મળતી જ રહે છે. એમાં તાજો ઉમેરો છે હિમાલયમાં મળી આવેલો એક સાપ, જેનું નામકરણ અમેરિકન એક્ટર લિયોનાર્ડો ડિકેપ્રિયો પરથી કરવામાં આવ્યું છે. 

આ રીતે મળી આવી નવી પ્રજાતિ

ભારત, જર્મની અને યુ.કે.ના સંશોધકોની ટીમ હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં ફરી રહી હતી ત્યારે તેમને કાચા રસ્તા પર કથ્થઈ રંગના કેટલાક સાપ જોવા મળ્યા હતા. સરિસૃપોના નિષ્ણાત એવા સંશોધક એ સાપને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે એમણે અગાઉ ક્યારેય એવા સાપ જોયા નહોતા. આ ઘટના આજકાલમાં નહીં, વર્ષ 2020માં બની હતી, પણ એ સાપ વિશે પૂરું સંશોધન કરવામાં આટલા વર્ષ લાગ્યા. તેના ડીએનએ પૃથ્થકરણ અને સાપની અન્ય પ્રજાતિઓ સાથે તેની બરાબર સરખામણી કર્યા બાદ સાપની આ નવી પ્રજાતિ વિશેનો અભ્યાસ લેખ સોમવારે ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ નામના જર્નલમાં પ્રકાશિત થયો હતો. સાપને ‘એન્ગ્યુઇક્યુલસ ડિકેપ્રિઓઇ’ (Anguiculus dicaprioi) એવું નામ આપવામાં આવ્યું છે. ‘એન્ગ્યુઇક્યુલસ’ એ લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ 'નાનો સાપ' થાય છે.

આ પણ વાંચો : મમતા, યોગી કે તેજસ્વી... કોનો કેટલો દબદબો? પેટા ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની અગ્નિ પરીક્ષા

શા માટે લિયોનાર્ડો ડિકેપ્રિયોના નામ પરથી નામકરણ થયું? 

વિશ્વવિખ્યાત અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા લિયોનાર્ડો ડિકેપ્રિયો પર્યાવરણવાદી અભિગમ પણ ધરાવે છે. તેઓ ‘ક્લાઇમેટ ચેન્જ’, ‘નુકસાન પામી રહેલી જૈવવિવિધતા’ અને ‘પ્રદૂષણને લીધે માનવ સ્વાસ્થ્ય પર પડતી પ્રતિકૂળ અસર’ જેવી સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે સક્રિયપણે કાર્યરત છે. વન્ય જીવોના સંરક્ષણ અને પર્યાવરણ વિષયક સંશોધન માટે તેઓ ભંડોળ ઉપલબ્ધ કરાવતા રહે છે. તેમના આવા ઉમદા યોગદાનને બિરદાવવા માટે સાપની આ નવી પ્રજાતિનું નામકરણ લિયોનાર્ડો ડિકેપ્રિયોના નામ પરથી કરવામાં આવ્યું છે. 

દેખાવમાં આવો છે આ સાપ

સરેરાશ 22 ઈંચની લંબાઈ ધરાવતો આ સાપ ‘નાના કદના સાપ’ની કેટેગરીમાં મુકાયો છે. કથ્થઈ રંગના સાપની ખોપરી મજબૂત હોય છે. તેના માથાની આસપાસ ઘેરા બદામી રંગના નાના-નાના ટપકાં હોય છે. આ પ્રજાતિ મહદઅંશે દરિયાની સપાટીથી 6,000 ફૂટની ઊંચાઈએ રહે છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે ફરી હિન્દુત્વ શબ્દ બદલવાનો કર્યો ઇન્કાર? જાણો સમગ્ર મામલો

આ છે સ્વભાવગત વિશેષતા

આ સાપ આક્રમક નથી હોતા. તેનું એક લક્ષણ એ છે કે આસપાસ જોખમ છે એવું લાગતાં તે ગતિહીન થઈ જાય છે અને જ્યાં હોય ત્યાં જ સ્થિર પડ્યા રહે છે. જ્યાં સુધી તેને પકડવાની કોશિશ ન કરવામાં આવે ત્યાં સુધી તે ડંખ મારવાનો પ્રયાસ નથી કરતા. 

આ વિસ્તારમાં પણ જોવા મળ્યા આવા સાપ

આ સાપ હિમાચલ પ્રદેશના ચંબા અને કુલુ જેવા વિસ્તારમાં જોવા મળે છે. એ ઉપરાંત ઉત્તરાખંડના નૈનીતાલ અને નેપાળના ચિતવન નેશનલ પાર્કમાં પણ તેમની હાજરી મળી આવી છે.


Google NewsGoogle News