કેન્દ્રની નવી પેંશન સ્કીમ : 10 વર્ષ બાદ નોકરી છોડી તો 10 હજાર પેંશન મળશે
- 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે યુપીએસને કેબિનેટની મંજૂરી
- 25 વર્ષની નોકરી બાદ અંતિમ 12 મહિનાના બેઝિક પેના 50 ટકા પેંશન, મૃત્ય બાદ પરિવારને 60 ટકા લાભ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી પેંશન યોજનાની જાહેરાત કરી છે. જેને યૂનિફાઇડ પેંશન સ્કીમ (યુપીએસ) નામ આપ્યું છે. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી આ યોજના મુજબ જો કોઇ સરકારી કર્મચારીએ ઓછામાં ઓછા ૨૫ વર્ષ કામ કર્યું હોય તો તેના અંતિમ ૧૨ મહિનાના બેઝિક પેના ૫૦ ટકા પેંશન આપવામાં આવશે. જો કોઇ પેંશનના લાભાર્થીનું મોત થાય તો તેના પરિવારને પેંશનની ૬૦ ટકા રકમ મળતી રહેશે.
તેવી જ રીતે જો કોઇ કર્મચારી સેવાના ૧૦ વર્ષ બાદ નોકરી છોડી દે તો તેને ૧૦ હજાર રૂપિયા પેંશન તરીકે મળતા રહેશે. આ યોજનાનો હેતુ સરકારી કર્મચારીને સુનિશ્ચિત પેંશન, પારિવારિક પેંશન અને સુનિશ્ચિત લઘુતમ પેંશન આપવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કેબિનેટે શનિવારે આ પેંશન સ્કીમ યુપીએસને મંજૂરી આપી દીધી છે. આ યોજનાથી કેન્દ્ર સરકારના આશરે ૨૩ લાખ કર્મચારીઓને લાભ મળશે. કર્મચારી ઇચ્છે તો હાલની એનપીએસ પેંશન સ્કીમ અથવા નવી યુપીએસ પેંશન સ્કીમમાંથી કોઇ પણ એકને પસંદ કરી શકે છે. જોકે નવી સ્કીમ હેઠળ મોંઘવારી ઇંડેક્શનનો લાભ નહીં મળે.
નવી યોજનાનો અમલ ૧ એપ્રીલ, ૨૦૨૫થી કરવામાં આવશે. જે કર્મચારીઓ નેશનલ પેંશન સિસ્ટમ સાથે જોડાયેલા હોય તેને નવી યોજનાનો લાભ મળશે. નેશનલ પેંશન સિસ્ટમ એવા કર્મચારીઓને લાગુ પડે છે જેઓ ૧ એપ્રીલ, ૨૦૦૪ બાદ નોકરીમાં જોડાયા હોય. આ સાથે જ કેન્દ્ર સરકારની કેબિનેટે બાયોઇ૩ પોલિસીને પણ મંજૂરી આપી છે, જેને બાયોટેક્નોલોજી ફોર ઇકોનોમી, ઇન્વાયરમેન્ટ એન્ડ એમ્પોયમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું હતું કે બાયોઇ૩ પોલિસી રિસર્ચ, વિકાસ અને એન્ટરપ્રિન્યોરશિપ માટે મદદરૂપ થશે. બાયોમેન્યુફેક્ચરિંગ અને બાયો-એઆઇ હબ્સ તેમજ બાયોફાઉન્ડ્રીની સ્થાપનાથી ટેક્નોલોજીના વિકાસને તેમજ વેપારીકરણને વેગ મળશે.
આ પોલિસી યુવાઓમાં સ્કિલ વિકસાવશે જેનાથી નોકરી મેળવવી સરળ રહેશે અને પર્યાવરણને થતુ નુકસાન પણ અટકશે તેવો દાવો સરકારે કર્યો હતો. કેબિનેટ દ્વારા નવી પેંશન સ્કીમ, બાયોઇ૩ ઉપરાંત વિજ્ઞાાન ધરાને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાઇન્સ એન્ડ ટેક્નોલોજીની ત્રણ યોજનાઓને ભેળવવામાં આવશે. વિજ્ઞાાન ધરા માટે આશરે ૧૦૫૭૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ યોજનામાં ત્રણ કોમ્પોનન્ટ્સ વિજ્ઞાાન, ટેક્નોલોજી ઇન્સ્ટિટયૂશનલ અને માનવ ક્ષમતાનો સમાવેશ કરાયો છે.