'નવી સંસદનું ભવન વક્ફની જમીન પર બન્યું...' વિવાદ વચ્ચે જમિયત ઉલેમાના પ્રમુખનો મોટો દાવો
Waqf Bill Controversy | આસામના જમિયત ઉલેમાના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટના નેતા મૌલાના બદરુદ્દીન અજમલે દાવો કર્યો હતો કે ભારતની નવી સંસદ વકફની જમીન પર બનાવવામાં આવી છે. વકફ બિલને લઇને નારાજગી વ્યક્ત કરતા મૌલાનાએ કહ્યું હતું કે તમામ ધર્મનિરપેક્ષ રાજનીતિક દળોએ આ બિલની સમીક્ષા માટે ગઠિત સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નો બહિષ્કાર કર્યો છે.
મૌલાનાએ દાવો કર્યો હતો કે પાંચ કરોડ લોકોએ વકફ બિલને લઇને જેપીસીને સંદેશો મોકલી બિલનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. જે દર્શાવે છે કે આ બિલને લઇને લોકોમાં કેટલી નારાજગી છે. જમિયત -ઉલેમા આસામમાં વકફ બોર્ડની જમીનોનો સરવે કરાવશે કે જેથી આ બિલને પડકારી શકાય. નવી સંસદની ઇમારત વકફની જમીન પર બની છે. વકફ બિલને લઇને સુપ્રીમ કોર્ટમાં લડાઇ જારી રહેશે. વકફ બિલ પર બનેલી જેપીસીની બેઠકમાં બે વખત હંગામો જોવા મળ્યો હતો.
વિપક્ષના સાંસદોનો આરોપ છે કે ભાજપના સાંસદોએ તેમની સાથે ગેરવર્તન કર્યું છે. આ મુદ્દે વિપક્ષે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને ફરિયાદ પણ કરી હતી. જ્યારે ભાજપે આ આરોપોને ફગાવ્યા છે. વિપક્ષના સાંસદોનો દાવો છે કે સમિતિની કાર્યવાહી નિયમો અને પ્રક્રિયા મુજબ નથી થઇ રહી. કોંગ્રેસના ગૌરવ ગોગોઇ અને ઇમરાન મસૂદ, ડીએમકેના એ રાજા. શિવ સેનાના અરવિંદ સાવંત, એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવૈસી, સમાજવાદી પાર્ટીના મોહિબુલ્લાહ અને આમ આદમી પાર્ટીના સંજયસિંહ એ નેતાઓમાં સામેલ છે કે જેમણે આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને તેનો વિરોધ નોંધાવ્યો હતો.