મહાકાલેશ્વર મંદિરમાં રીલ બનાવશો તો થશે કડક કાર્યવાહી, દર્શનાર્થીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર
Mahakal Temple Guideline: વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ એમાં પણ લોકોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે રીલ બનાવવા માટે પ્રતિબંધિત વિસ્તારમાં પણ ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. જેને અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાના હેતુથી મહાકાલ મંદિર પ્રબંધન સમિતિએ માર્ગદર્શિકા બનાવી છે અને તેનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના પણ આપી છે. એવમાં હવે જો કોઈ ભક્ત મંદિરમાં રીલ બનાવતો જોવા મળશે તો પહેલા તેને ચેતવણી આપવામાં અઆવશે તેમ છતાં નહી માને તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મંદિર પરિસરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ
શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના નવા વહીવટદાર મૃણાલ મીણાએ ચાર્જ સંભાળતાની સાથે જ શ્રી મહાકાલેશ્વર મંદિરની દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. હવે તેઓએ મંદિર પરિસરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મુકતા જણાવ્યું હતું કે, "અમે ઈચ્છીએ છીએ કે જે ભક્તો મંદિરમાં બાબા મહાકાલના દર્શન કરવા આવે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય. અમે ભક્તોને શ્રેષ્ઠ વ્યવસ્થા પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આ પછી પણ શ્રી મહાકાલેશ્વર મેનેજમેન્ટ કમિટીની સૂચનાનો ભંગ થઈ રહ્યો છે. હવે આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહાકાલેશ્વર મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ છે. ઘણા ભક્તો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. જો કોઈ સુરક્ષાકર્મી તેમને આમ કરતા રોકે તો તેઓ તેને માર પણ મારતા હોય છે. આવા લોકોને પહેલા સમજાવવામાં આવશે. જો તેઓ સંમત નહીં થાય તો શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે."
અગાઉ પણ રીલ બનાવવા પર થયો હતો હોબાળો
અગાઉ પણ મહાકાલ મંદિરમાં ફિલ્મી ગીતો પર ડાન્સ વીડિયો બનાવવાના કિસ્સા સામે આવ્યા છે. એક યુવતીએ ગર્ભગૃહમાં બાબા મહાકાલને અભિષેક કરતી રીલ બનાવી હતી. મંદિર પરિસરમાં એક યુવતી ડાન્સ કરતી જોવા મળી હતી. મહાકાલ મંદિરમાં વીડિયો શૂટ કરવા સામે પૂજારીઓએ પણ વાંધો વ્યક્ત કર્યો હતો.
બે દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડ સાથે કરવામાં આવી હતી મારપીટ
શ્રી મહાકાલેશ્વર મંદિરના સુરક્ષાકર્મીઓએ મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ચારથી પાંચ મહિલા શ્રદ્ધાળુઓ અને યુવતીઓને વીડિયો રીલ બનાવવાની મનાઈ ફરમાવી હતી. જેના કારણે યુવતીઓએ સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ પણ કરી હતી. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સિક્યોરિટી ગાર્ડની ફરિયાદ પર, આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 323, 294, 506 અને 34 હેઠળ મહાકાલ પોલીસ સ્ટેશનમાં ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો.