‘આપના સમર્થન વિના અહીં સરકાર નહીં બને, રાનિયા બેઠક પર અમને જીતાડો’, હરિયાણામાં કેજરીવાલનો દાવો
Haryana Vidhan Sabha Chunav 2024: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જીતવા રાજકીય પક્ષો પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે અહીં રોડ શો અને જાહેર સભાઓ શરૂ કરી દીધી છે. મંગળવારે કેજરીવાલ હરિયાણાના સિરસા જિલ્લાના રાનિયા વિસ્તારમાં પહોંચ્યા હતાં. જ્યા પક્ષને સમર્થન આપતાં ઉમેદવારોનો જુસ્સો વધારતાં નિવેદન આપ્યું હતું કે, AAPના સમર્થન વિના હરિયાણાની આગામી સરકાર બની શકશે નહીં.
કેજરીવાલે કહ્યું કે, કોઈએ મારું રાજીનામું (દિલ્હી સીએમ પદ) માંગ્યું નથી. હું સત્તાનો ભૂખ્યો નથી. મેં રાજીનામું આપ્યું છે અને દિલ્હીના મતદારોને કહ્યું છે કે જ્યારે તેઓ મને ફરીથી સત્તામાં લાવશે ત્યારે જ હું સીએમ ઓફિસ પર પાછો ફરીશ. તમારા પુત્રએ દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવી છે. અમને આ બેઠક (રાનિયા) આપો.
રાનિયા બેઠક પર આકરી લડાઈ
રાનિયા બેઠક પર જોરદાર ટક્કર છે. AAPના હરપિન્દર સિંહ અહીં ઉમેદવાર છે. INLDએ અર્જુન ચૌટાલા અને રણજીત સિંહ ચૌટાલા અપક્ષ ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપે શીશપાલ કંબોજ પર દાવ લગાવ્યો છે. કોંગ્રેસ તરફથી સર્વમિત્ર કંબોજ ઉમેદવાર છે. હરિયાણામાં INLDનું BSP સાથે ગઠબંધન છે. અભય સિંહ ચૌટાલાનો પુત્ર અર્જુન રણજીત ચૌટાલાનો પૌત્ર છે. ચૌધરી દેવીલાલના પુત્ર રણજીત સિંહ ચૌટાલા 2019ની ચૂંટણીમાં અહીંથી જીત્યા હતા. બાદમાં તેમણે ભાજપને સમર્થન આપ્યું હતું. જોકે, ભાજપ તરફથી ટિકિટ ન મળવાના ડરથી રણજીત ચૌટાલાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રંજીત પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાના નાના ભાઈ છે.
આ પણ વાંચોઃ પેજર બ્લાસ્ટથી અમેરિકા પણ ફફડી ગયું, હવે ચીન પર પ્રતિબંધો લગાવવાની તૈયારી
યમુનાનગરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
હરિયાણાની ચૂંટણીમાં AAPએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, પરંતુ પક્ષનું મુખ્ય ફોકસ કેટલીક બેઠકો પર છે. જેમાં રાનિયા પણ સામેલ છે. આ પહેલા કેજરીવાલે યમુનાનગરના જગાદરીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. સિરસાના ડબવાલીમાં પ્રચાર કરતાં જગાધારીમાં કેજરીવાલે AAP ઉમેદવાર આદર્શ પાલના સમર્થનમાં મોટો રોડ શો યોજ્યો હતો. કેજરીવાલે પોતાના જેલના અનુભવો શેર કર્યા અને કહ્યું કે હરિયાણાના લોહીએ તેમને તૂટવા દીધા નથી. તેમણે જગાધારીના વર્તમાન ધારાસભ્ય કંવરપાલ ગુર્જર પર વિકાસ ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
કેજરીવાલે પરિવારવાદ પર પ્રહારો કર્યા
કેજરીવાલે ડબવાલીથી AAP ઉમેદવાર કુલદીપ ગદરાણાના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો. કેજરીવાલે પુનરોચ્ચાર કર્યો કે જો હરિયાણામાં પરિણામ આવશે તો આમ આદમી પાર્ટી વિના કોઈ સરકાર નહીં બને. મને ગર્વ છે કે હું હરિયાણાનો દીકરો છું, તેઓ (ભાજપ) કોઈને પણ તોડી શકે છે પરંતુ હરિયાણાના કોઈને નહીં. તેમણે નામ લીધા વગર પરિવારના રાજકારણ પર પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું, ડબવાલીમાં એક જ પરિવારનો કબજો છે. હવે આમ આદમી પાર્ટી તેમને મુક્ત કરશે. આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં ઉત્તમ સરકારી શાળાઓ બનાવી છે. શિક્ષણ માફિયાનો અંત આવ્યો છે. વીજળી મફત છે. સારા રસ્તાઓ અને ઉત્તમ હોસ્પિટલો બનાવી છે. તેઓ મારી પ્રામાણિકતાથી ડરે છે.