રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક, રાષ્ટ્રપતિ મૂર્મુએ આપી મંજૂરી
New Governors Appointed : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શનિવારે મોડી રાત્રે રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિતના રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરી. લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ બનાવાયા છે. તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. જ્યારે સંતોષ કુમાર ગંગવાર સીપી રાધાકૃષ્ણનની જગ્યાએ ઝારખંડના નવા રાજ્યપાલ બનશે. તો સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત પંજાબના રાજ્યપાલ તરીકે બનવારીલાલ પુરોહિતના સ્થાને ગુલાબચંદ કટારિયાની નિમણૂક કરાઈ છે. રાજસ્થાનના રાજ્યપાલ તરીકેની જવાબદારી હરિભાઈ કિસનરાઉ બાગડેને સોંપાઈ છે.
ગુલાબચંદ કટારિયા પંજાબના રાજ્યપાલ હશે
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુલાબ ચંદ કટારિયાની જગ્યા લીધી છે. પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક પદેથી પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક હશે.
આ પણ વાંચો : એક સમયે છાપું વેચતા હતા અને હવે આ રાજ્યના બની ગયા રાજ્યપાલ, જાણો કોણ છે 'હરિભાઉ'
લક્ષ્મણ પ્રસાદ આચાર્ય આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત
સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમ પ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ હશે.
કે. કૈલાશનાથન પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત
પ્રેસ રિલીઝ અનુસાર, રમેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે અને સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે, કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો તેઓ પોતપોતાની ઓફિસનો ચાર્જ સંભાળે તે તારીખથી પ્રભાવી થશે.