'સ્ટેશન પર અતિશય ભીડ છે, હું ઘરે પરત આવી રહી છું...', નર્સે દીકરાને કરેલો છેલ્લો કોલ, પછી નાસભાગમાં ગયો જીવ
New Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગત રાત્રે થયેલી નાસભાગ દરમિયાન મહાવીર એનક્લેવ પાર્ટ વનની રહેવાસી નર્સ પૂનમનું દર્દનાક મોત થઈ ગયું. પૂનમ પોતાની બે ફ્રેન્ડ સાથે પ્રયાગરાજમાં સ્નાન માટે રવાના થઈ હતી, પરંતુ સ્ટેશન પર જ અચાનક થયેલી નાસભાગમાં તેમનું મોત થયું. આ ઘટના બાદથી તેના પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે અને તેઓ સરકાર પાસે ન્યાય અને મદદની ગુહાર લગાવી રહ્યા છે.
પરિવારજનોના અનુસાર, પૂનમ અને તેમની ફ્રેન્ડ્સનું ટ્રેનમાં રિઝર્વેશન નથી થયું. તેઓ રાત્રે પ્રયાગરાજ જવા માટે ટ્રેન પકડવા માટે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમની પહેલી ટ્રેન રાત્રે 8 વાગ્યે છૂટી ગઈ, જ્યારબાદ તેઓ રાત્રે 9 વાગ્યે ટ્રેન પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂનમે પોતાના દીકરા સાથે ફોન પર વાત કરી અને જણાવ્યું કે, સ્ટેશન પર અતિશય ભીડ છે અને તેઓ ઘરે પરત ફરવાનું વિચારી રહ્યા છે.
પરિવારજનો આખી રાત ભટકતા રહ્યા
જો કે, ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો અને થોડીવાર પછી જ્યારે પરિવારજનોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો કોઈ જવાબ ન મળ્યો. રાત થતાં થતાં સમાચાર આવ્યા કે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક લોકો તેમાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જ્યારે પૂનમ સાથે કોઈ સંપર્ક ન થયો, તો તેમના પતિ વીરેન્દ્ર અને દીકરા અક્ષિત રાત્રે 10 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી એક નહીં પરંતુ અનેક હોસ્પિટલોમાં શોધવા માટે દોડતા રહ્યા.
પરિવારજનોનું કહેવું છે કે, તેઓ RML હોસ્પિટલ, લેડી હાર્ડિંગ હોસ્પિટલ, રેલવે હોસ્પિટલ અને અન્ય કેટલીક જગ્યાઓ પર ગયા. પરંતુ ક્યાંય પણ પૂનમનો પત્તો ન લાગ્યો. હોસ્પિટલ તંત્રએ પણ તેમને કોઈ સ્પષ્ટ માહિતી ન આપી અને તેઓ આખી રાત ધક્કા ખાતા રહ્યા. અંતે, જ્યારે તેમને માહિતી મળી તો ખબર પડી કે નાસભાગ દરમિયાન પૂનમનું મોત થઈ ચૂક્યું હતું.
પરિવારની દર્દનાક વ્યથા
પૂનમના પતિ વીરેન્દ્રના જણાવ્યા અનુસાર, તેમના દીકરા અક્ષિત આખી રાત તેમની માતાની શોધખોળ કરતા રહ્યા પરંતુ કોઈ પણ સ્પષ્ટ માહિતી આપનારું ન હતું. પરિવારજનોનું કહેવું છે કે, જો તંત્રએ યોગ્ય સમયે માહિતી આપી દીધી હોત તો કદાચ ચેમની મુશ્કેલી ઓછી થઈ શકી હોત. હવે પરિવાર સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે અને ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યો છે. તેઓ ઇચ્છે છે કે નાસભાગનું અસલી કારણ શું હતું તે તપાસ કરવામાં આવે અને દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.