દિલ્હીની AAP સરકારમાં ધરખમ ફેરફારના એંધાણ: મુખ્યમંત્રી જ નહીં, કેબિનેટ મંત્રીઓ પણ બદલાશે
Kejriwal resignation: દિલ્હીમાં નવા મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ યથાવત છે. ત્યારે સૂત્રો અનુસાર મહિલા નેતા આતિષીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આટલું જ નહીં નવા મુખ્યમંત્રીની સાથે સાથે બે નવા કેબિનેટ મંત્રી પણ શપથ લઈ શકે છે. નવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન અપાઈ શકે છે.
દિલ્હીમાં નવા જૂનીના એંધાણ
નોંધનીય છે કે જામીન પર જેલથી બહાર આવ્યા બાદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આજે દિલ્હીમાં એક બાદ એક AAPના દિગ્ગજ નેતાઓએ કેજરીવાલ સાથે બંધ બારણે વન ટુ વન બેઠકો કરી હતી. આવતીકાલે (17 સપ્ટેમ્બરે) ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. સવારે 11.30 વાગ્યે ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મહોર વાગશે. કેજરીવાલ આવતીકાલે સાંજ સુધીમાં રાજીનામું આપી શકે છે.
નવા ચહેરાઓને કેબિનેટમાં મળશે સ્થાન
નોંધનીય છે કે અગાઉ મનીષ સિસોદિયા તથા સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપ્યું હતું. આ બંને નેતાઓના વિભાગની જવાબદારી આતિષિ અને સૌરભ ભારદ્વાજને સોંપવામાં આવી હતી. તે સમયે ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજ કુમાર આનંદ કેબિનેટ મંત્રી હતા. લોકસભા ચૂંટણી પછી રાજ કુમાર આનંદે પણ રાજીનામું આપી દીધું હતું. એવામાં હવે એવી શક્યતા છે કે નવા મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળમાં પણ ધરખમ ફેરફાર થશે. નવા ચહેરાઓને મંત્રી પદ આપવામાં આવશે. તથા વર્તમાન મંત્રીઓની જવાબદારી પણ બદલાવામાં આવશે.
આતિષી સિવાય ગોપાલ રાય અને કૈલાશ ગેહલોતનું નામ પણ CM રેસમાં ચર્ચાઇ રહ્યું છે.