ક્રિસમસ પર MPમાં નવું ફરમાન: સ્કૂલના વિદ્યાર્થીઓને માતા-પિતાની સંમતિ વિના સાન્તાક્લોઝ ન બનાવવા
Image Source: Freepik
- આદેશનું ઉલ્લંઘન કરવા પર સ્કૂલની માન્યતા પણ રદ થઈ શકે
શાજાપુર, તા. 21 ડિસેમ્બર 2023, ગુરૂવાર
વિશ્વભરમાં ઉત્સાહ અને ઉમંગથી ઉજવાતો ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર ક્રિસમસ હવે એકદમ નજીક આવી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં 25 ડિસેમ્બરના રોજ આવનારા ક્રિસમસના તહેવાર પહેલા એક નવું ફરમાન જાહેર કરવામાં આવ્યુ છે. શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે, આ તહેવારના અવસર પર વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝ બનાવવા પહેલા પ્રાઈવેટ સ્કૂલોએ પેરેન્ટ્સની લેખિત અનુમતિ લેવી પડશે.
ક્રિસમસના અવસર પર સ્કૂલોમાં યોજાનારા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે સાન્તાક્લોઝ બનતા હોય છે. પરંતુ શાજાપુર જિલ્લા શિક્ષણ વિભાગે એક લેટર જારી કરીને તમામ સંસ્થાઓને આદેશ આપ્યો છે કે, પ્રાઈવેટ સ્કૂલોએ ક્રિસમસ પર વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝની વેશભૂષામાં ઢાળવા પહેલા તેમના માતા-પિતાની લેખિત પરવાનગી લેવી પડશે.
સ્કૂલની માન્યતા થઈ શકે છે રદ
જિલ્લા શિક્ષણ અધિકારી વિવેક દુબેના નામે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ સ્કૂલ મેનેજમેન્ટ કોઈ પણ બાળકને માતા-પિતાની પરવાનગી વિના સાંતાક્લોઝના વેશભૂષામાંમાં કાર્યક્રમમાં ભાગ લેવડાવશે તો સંબંધિત શાળા સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આદેશનું ઉલ્લંઘન કરવા પર સ્કૂલની માન્યતા પણ રદ થઈ શકે છે.
શાજાપુર જિલ્લા શિક્ષણ અધિકારી વિવેક દુબેએ જણાવ્યું કે, દર વર્ષે એવું જોવા મળે છે કે નાતાલના તહેવાર પર ઘણા સ્કૂલ મેનેજમેન્ટ માતા-પિતાની પરવાનગી વિના નાના બાળકોને સાન્તાક્લોઝ બનાવે છે અને તેના કારણે ઘણીવાર વિવાદો સર્જાય છે. તેમણે કહ્યું કે વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને શાજાપુર જિલ્લાની તમામ ખાનગી અને સરકારી સ્કૂલોને પહેલાથી જ સૂચનાઓ જારી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે શાજાપુર જિલ્લામાં લગભગ 1500 સરકારી અને બિન-સરકારી સ્કૂલો છે. તમામ સ્કૂલ મેનેજમેન્ટને લેખિત પરવાનગી વિના કોઈપણ નાના બાળકને સાન્તાક્લોઝ ન બનાવવા માટે કહેવામાં આવ્યું છે.