હું ચેલેન્જ સાથે કહું છું કે હવે મારી સ્પિચ વખતે PM મોદી ગૃહમાં નહીં દેખાયઃ રાહુલ ગાંધી

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
હું ચેલેન્જ સાથે કહું છું કે હવે મારી સ્પિચ વખતે PM મોદી ગૃહમાં નહીં દેખાયઃ રાહુલ ગાંધી 1 - image


Rahul Gandhi in Parliament Live : સંસદમાં ચાલી રહેલા ચોમાસું સત્રના છઠ્ઠા દિવસે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ બજેટ મુદ્દે ચર્ચા કરવા જોડાયા હતા. રાહુલ ગાંધી ફરી એકવાર આક્રમક અંદાજમાં દેખાયા અને તેમણે સરકારને ફરી એકવાર ઘેરી હતી. અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને મારવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અભિમન્યુ સાથે કરાયું હતું એવું જ આજના સમયમાં ભારતના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે. આ સરકારે બજેટમાં મધ્યમ વર્ગની છાતી અને પીઠમાં ખંજર ભોંક્યું છે.’ 

ચક્રવ્યૂહ વિશે શું બોલ્યા રાહુલ ગાંધી? 

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ચક્રવ્યૂહનું એક સ્વરૂપ હોય છે, પદ્મવ્યૂહ જે લોટસવ્યૂમાં હોય છે જેને મોદીજી છાતી પર લગાવીને ફરે છે. આ વ્યૂહને મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણી કન્ટ્રોલ કરે છે. 21મી સદીમાં આ નવો ચક્રવ્યૂહ રચાયો છે.’ 

સત્તાપક્ષે મચાવ્યો હોબાળો 

રાહુલ ગાંધીએ અંબાણી અને અદાણી અને 6 લોકોના નામ લીધા ત્યારે સત્તાપક્ષે હોબાળો મચાવવાની શરૂઆત કરી દીધી હતી. આ અંગે સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ટોક્યા અને કહ્યું કે ‘જે સંસદના સભ્યો નથી તેમના નામ ગૃહમાં ન લેવામાં આવે.’ તો રાહુલ ગાંધીએ ફરી કહ્યું કે ‘તમે કહેતા હોવ તો હું એનએસએ, અંબાણી અને અદાણીનું નામ કાઢી નાખું છું સર.’

આ પણ વાંચો: - ‘તો શું અંબાણી-અદાણીને A1 અને A2 કહું...’ લોકસભામાં સ્પીકરે વાંધો ઉઠાવતા રાહુલ ગાંધીનો જવાબ

યુવાઓે વિશે શું બોલ્યાં રાહુલ ગાંધી

દેશમાં ફક્ત બે લોકો અર્થતંત્ર સંભાળી રહ્યા છે એમ કહીને રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે ‘બજેટમાં યુવાઓ માટે તમે શું કર્યું? તેનાથી શું એક પણ યુવાને રોજગારી મળશે? તમારો જે ઈન્ટર્નશિપ પ્રોગ્રામ છે તે ફક્ત એક મજાક છે કેમ કે તમે જ કહ્યું છે કે ઈન્ટર્નશિપ દેશની ફક્ત ટોપ 500 કંપનીઓમાં જ થશે. તમે પહેલા યુવાઓના પગ ભાંગી નાખ્યા અને પછી તમે પાટાપિંડી કરવાના પ્રયાસ કરી રહ્યા છો.’

આ પણ વાંચો:-   રાહુલ ગાંધીએ અંબાણી-અદાણીનું નામ લેતાં હોબાળો, રિજિજુએ કહ્યું- તમને સંસદના નિયમ ખબર નથી

પેપર લીક પર શું કહ્યું? 

આ દરમિયાન તેમણે પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ‘યુવાઓને તમે એક તરફ પેપરલીક, બીજી તરફ બેરોજગારીના ચક્રવ્યૂહમાં ફસાવ્યા. 10 વર્ષમાં 70 વખત પેપર લીક થયા છે. પેપર લીક અંગે બજેટમાં એક શબ્દ ઉચ્ચાર્યો નથી. એજ્યુકેશન બજેટમાં જે પૈસા આપવાના હતા તે પણ ન આપ્યા. બીજી બાજુ પહેલીવાર તમે સૈન્યના જવાનોને અગ્નિવીરના ચક્રવ્યૂહમાં ફસાવ્યા. અગ્નિવીરો માટે પણ એક રૂપિયો આપ્યો નથી.’

રાહુલે MSPની લીગલ ગેરન્ટીનો મુદ્દો ઊઠાવ્યો 

રાહુલ ગાંધીએ ખેડૂતોની વાત કરતાં સરકાર પર જમીન અધિગ્રહણ કાયદાને નબળો કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ‘તમે ખેડૂતો માટે ત્રણ કાળા કાયદા લાવ્યા. ખેડૂત તમારાથી એમએસપીની લીગલ ગેરન્ટી માગી રહ્યા છે. તમે એમને બોર્ડર પર અટકાવી રાખ્યા છે. ખેડૂતો મને અહીં મળવા આવવા માગતા હતા. તમે એમને અહીં આવતા અટકાવી દીધા.’ તો સ્પીકર ઓમ બિરલાએ તેમને ટોકતા કહ્યું કે ‘ગૃહમાં ખોટું ન બોલશો.’ ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘હું ત્યાં ગયો, ત્યારે પણ તેમને આવવા દેવાયા ન હતા.’ 

સ્પીકરે કહ્યું કે ‘તમે એમને મળ્યાં તેમાં ગૃહની એક મર્યાદાનું ઉલ્લંઘન થયું. ગૃહમાં સભ્ય ઉપરાંત કોઈ બાઈટ ન આપી શકે. તમારી હાજરીમાં તેમણે બાઈટ આપી.’ આ સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આ મને ખબર નહોતી. અન્નદાતા જે ઇચ્છે એ છે એમએસપીની લીગલ ગેરન્ટી. આ એટલું મોટું કામ છે. સરકારે બજેટમાં તેના વિશે જાહેરાત કરી હોત તો ખેડૂતો ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી ગયા હોત. તમે જે કામ નથી કર્યું, અમે ખેડૂતોને કહી દેવા માગીએ છીએ કે અમે તે કરી બતાવીશું.’

આ પણ વાંચો: -'કોચિંગ ક્લાસીસ હવે બિઝનેસ બની ગયા છે...' UPSC વિદ્યાર્થીઓના મોત અંગે ઉપરાષ્ટ્રપતિ 

રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં હોબાળો 

રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણીનો ફરી ઉલ્લેખ કરતા કહ્યું કે ‘આ બે લોકો છે તે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અને બિઝનેસને કન્ટ્રોલ કરે છે સર. તેમની પાસે એરપોર્ટ છે, ટેલિકોમ છે, હવે રેલવેમાં જઈ રહ્યા છે. તેમની પાસે ભારતના ધનની મોનોપોલી છે. જો તમે કહો કે તેમના વિશે ન બોલી શકીએ તો આ અમને સ્વીકાર્ય નથી. અમે તો બોલીશું.’ આ નિવેદન પછી સંસદમાં હોબાળો મચી ગયો હતો. 

દેશનો મધ્યમ વર્ગ તમને છોડી દેશે  

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મધ્યમ વર્ગ બજેટથી પહેલા વડાપ્રધાનનો ટેકેદાર હતો. કોવિડ સમયે જ્યારે થાળી વગાડવા કહ્યું કે ત્યારે તેમણે થાળી વગાડી. તમે કહ્યું કે મોબાઇલ ફોનની ટોર્ચ કરો, તો તેમણે તે પણ કર્યું. પરંતુ તમે તો મધ્યમ વર્ગની છાતી અને પીઠમાં છરો ભોંકી દીધો છે. હવે એ લોકો તમને છોડી દેશે અને અહીં આવી જશે.’

અમારા ગઠબંધને PM મોદીનો આત્મવિશ્વાસ તોડ્યો 

રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં કહ્યું કે ‘અમારા ગઠબંધને વડાપ્રધાન મોદીનો આત્મવિશ્વાસ ડગમગાવી નાખ્યો છે. હું ચેલેન્જ સાથે કહું છું કે તેઓ હવે મારી સ્પીચ વખતે ફરી ગૃહમાં નહીં જોવા મળે. હવે લડાઈ શિવજીની જાન અને ચક્રવ્યૂહ વચ્ચે છે. અમે 6 લોકો દ્વારા રચિત ચક્રવ્યૂહને તોડી નાખીશું. આજે દરેક લોકો જાતિ આધારિત વસતી ગણતરી ઈચ્છે છે જ્યારે સત્તાપક્ષ એ કરાવવા માગતા નથી.’

સત્તાપક્ષને ફરી એકવાર હિન્દુવાળો ટોણો માર્યો 

રાહુલ ગાંધીએ સત્તાપક્ષને કહ્યું કે ‘તમે હિન્દુઓને સારી રીતે સમજતા જ નથી. પોતાને હિન્દુ કહો છો પરંતુ તમે હિન્દુ ધર્મ વિશે સમજતા નથી. નફરત, હિંસા દેશનો મિજાજ નથી. કમલવાળા લોકોને દેશનો મિજાજ સમજાયો નથી. દેશમાં લગભગ 73 ટકા લોકો દલિત, આદિવાસી અને પછાત વર્ગના છે. આ મુખ્ય શક્તિ છે અને સત્ય એ છે કે તેમને ક્યાંય સ્થાન મળતું નથી.’

ત્યાર પછી રાહુલ ગાંધીએ એક તસવીર બતાવી. સ્પીકરે તેમને અટકાવ્યા અને કહ્યું કે ‘તમે હવે વિપક્ષના નેતા છો, તમે ગૃહની મર્યાદા જાળવો.’ આમ છતાં રાહુલ ગાંધીએ ફોટો બતાવ્યો. ત્યારે સ્પીકરે કહ્યું કે ‘હું ગૃહમાં પોસ્ટર લાવવા નહીં દઉં, આ ખોટું છે.’ 

બજેટ 20 અધિકારીઓએ તૈયાર કર્યું પણ... 

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આ ફોટોમાં બજેટની ખીર વહેંચવામાં આવી રહી છે, તેમાં એક પણ આદિવાસી, દલિત કે પછાત અધિકારી દેખાતા નથી. 20 અધિકારીએ બજેટ તૈયાર કરી દીધું હોવાનું અમને જાણવા મળ્યું છે.  મારી પાસે નામ છે, 20 લોકોએ હિન્દુસ્તાનનો હલવો વહેંચવાનું કામ કર્યું છે. તેમાંના ફક્ત એક લઘુમતી અને એક ઓબીસી છે. તમે તેમને ફોટામાં પણ આવવા ન દીધા.’ 

નાણા મંત્રીને કહ્યું હસશો નહીં... 

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘દેશના 95 ટકા લોકો ઇચ્છે છે કે જાતિ આધારિત વસતી ગણતરી થાય. દરેક વ્યક્તિ જાણવા માગે છે કે દેશમાં તેમની ભાગીદારી કેટલી છે? જાતિ આધારિત વસતી ગણતરીથી દેશ બદલાશે.’ એ વખતે નાણા મંત્રી તરફ જોતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘તેઓ હસી રહ્યા છે. આ કોઈ હસવાની વાત નથી.’  

વડાપ્રધાન પર તાક્યું નિશાન 

ગૃહમાં રાહુલ ગાંધીએ સત્તાપક્ષ તરફ ઈશારો કરીને કહ્યું કે પહેલું પગલું I.N.D.I.A. એલાયન્સ દ્વારા લેવામાં આવ્યું અને તમારો આત્મવિશ્વાસ ડગમગી ગયો. તમારા વડાપ્રધાન મારા ભાષણમાં નહીં આવે. આ લોટસવ્યૂ ધરાવતા લોકો ભારતની પ્રકૃતિને સમજી ના શક્યા.



Google NewsGoogle News