આરજી કર હોસ્પિટલની પીડિતાના માબાપ સાથેની ઓડિયો ક્લિપથી નવો વિવાદ
- સત્તાધીશો સાવ સંવેદનાવિહીન હોવાનું પુરવાર થયું
- બળાત્કારીઓને ફાંસીની સજા આપતું એન્ટિ રેપ બિલ લાવવા મમતા આગામી સપ્તાહે ખાસ સત્ર બોલાવશે
કોલકાતા : આરજી કાર મેડિકલ કોલેજના સત્તાવાળાઓએ ૯મી ઓગસ્ટના રોજ સવારે બળાત્કાર પછી હત્યાનો ભોગ બનેલી ડોક્ટરના માબાપને વારંવાર કરેલા કોલની વિગત બહાર આવતા નવો વિવાદ સર્જાયો છે. તેઓએ અડધો કલાકમાં યુવતીના માબાપને ત્રણ ફોન કર્યા હતા. તેના લીધે હોસ્પિટલના સત્તાવાળાઓની અસંવેદનશીલતા અને જાણકારીનો સ્પષ્ટ અભાવ હોવાની માહિતી બહાર આવી છે.
આ ફોન કોલ્સમાં તેમણે પીડિતની સ્થિતિ અંગે માબાપ સમક્ષ કરેલા જુદા-જુદા નિવેદનો ચિંતા ઉપજાવે તેવા છે. તેમા કોલર મહિલાએ તેની ઓળખાણ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપરિટેન્ડન્ટ તરીકે આપી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે સરકાર સંચાલિત હોસ્પિટલોના જુનિયર ડોક્ટરોને ક્યારેય ધમકી આપી નથી. તેઓ ૨૧ દિવસથી હડતાળ પર છે. તેણે જણાવ્યું હતું કે હું પોતે ડોક્ટરોના આંદોલનને સમર્થન આપું છું. તેમનું આંદોલન યોગ્ય છે. મેં તેમને ક્યારેય ધમકી આપી નથી. મારી સામે દુષ્પ્રચાર ચાલી રહ્યો છે.
આ ઉપરાંત બંગાળ સરકાર એન્ટિ રેપ બિલ પસાર કરવા બે દિવસનું ખાસ સત્ર આગામી મહિને બોલાવવાની છે. આ બિલ બીજી સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં ટેબલ પર મૂકવામાં આવશે. આ બિલ મુજબ બળાત્કારીઓને અને રેપ-મર્ડરરોને ફાંસીની સજા આપવામાં આવશે. આ બિલ મંગળવારે ગૃહમાં ચર્ચા કરવા અને પસાર કરવા મૂકાશે. મમતા બેનરજીએ બળાત્કારીઓને ફાંસીની સજા આપવા કરેલી જાહેરાત પછી આ બિલ લાવવામાં આવનાર છે.
કોલરે અડધો કલાકમાં ત્રણ ફોન કોલ કર્યા હતા. તેમા પહેલો કોલ સવારે ૧૦:૫૩ વાગે કરવામાં આવ્યો હતો. તેમા તેણે જણાવ્યું હતું કે હું આરજે કાર મેડિકલ કોલેજમાંથી બોલી રહી છું. તમે તાત્કાલિક આવી શકો છો. તમારી પુત્રી માંદી પડી ગઈ છે. તેના પિતાએ વધુ વિગતો માગતા કોલરે જણાવ્યું હતું કે વધારે વાત તો ડોક્ટર જ જણાવી શકે છે. અમને ફક્ત તમારો નંબર મળતા અમે તમને ફોન કર્યો છે.
તેણે આગ્રહ કર્યો કે ઝડપથી આવો તેની હાલત ગંભીર છે. તેના પછી તેના પિતા વધારે ચિંતિત થયા અને વધુ વિગત જાણવા માંગી, પરંતુ જવાબ અસ્પષ્ટ રહ્યો હતો. તેના પછી પીડિતાની માતાએ પૂછ્યું હતું કે તેને તાવ આવ્યો છે. તેના જવાબમાં કોલરે જણાવ્યું હતું કે ઝડપથી આવો. આ કોલ એક મિનિટ ૧૧ સેકન્ડ ચાલ્યો હતો.
બીજા કોલ પાંચ મિનિટ પછી આવ્યો હતો. તેમા અગાઉના કોલરે જણાવ્યું હતું કે તેની સ્થિતિ અત્યંત ગંભીર છે. બને તેટલી વધુ ઝડપથી આવો. પિતાએ કોલરને તેની ઓળખ પૂછતા તેણે તેની ઓળખ ઓફિસના સુપરિટેન્ડેન્ટ તરીકે આપી હતી. તેની માતાએ પૂછ્યું કે તેને થયું છે શું, તે તો ફરજ પર હતી. આનો જવાબ હતો તમે બસ ઝડપથી આવો. આ કોલ ૪૬ સેકન્ડ ચાલ્યો હતો.
ત્રીજા અને અંતિમ કોલમાં જણાવાયું હતું કે પીડિતનું મૃત્યું થયું છે. તેણે કદાચ આત્મહત્યા કરી છે. પોલીસ અહીં આવી ચૂકી છે. હોસ્પિટલના બધા અહીં છે. તમે પણ અહીં આવો એટલા માટે કોલ કર્યો છે.
કોન્ડમ કંપનીનું ભોપાળું
ડયુરેક્સની વેબસાઈટ પરથી ખરીદી કરનારાના ડેટા લીક
- ગ્રાહકના નામ, સરનામા, ફોન નંબર અને ખરીદીની વિગતો જગજાહેર થઈ
નવી દિલ્હી : ગિફ્ટ પેકિંગમાં કોઈને ખબર ન પડે તેવી રીતે ડિલીવરી કરવાનો ડિંગો હાકનાર કોન્ડમ કંપની ડયુરેક્સની વેબસાઈટ પરથી ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા લીક થયો હતો. આ માહિતી સૌરજીત મજુમદાર નામના સિક્યોરિટી એક્સપર્ટે આપી હતી.
સૌરજીત મજુમદારના જણાવ્યા મુજબ, ડયુરેક્સની ભારતની વેબસાઈટ પર ગ્રાહકોનો ડેટા આસાનીથી જોઈ શકાય છે. જેમાં, તેમના નામ, સરનામા, ફોન નંબર સહિતની વિગતો કોઈપણ વ્યકિત એક્સેસ કરી શકે છે. તેના ઓર્ડર કન્ફર્મેશન પેજ પર કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વિના આ ડેટા જોઈ શકાતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ડયુરેક્સ તેની વેબસાઈટ પર કોન્ડમ અને સેક્સ ટોયસ વેચતી હોવાથી તેનો ડેટા લીક થવાથી ગ્રાહકોની ગોપનીયતા જોખમાઈ છે. સિક્યોરિટી એક્સપર્ટે ભારતની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો સંપર્ક કરીને તેમને આ મામલે જાણકારી આપી હતી. અસરગ્રસ્ત ગ્રાહકો લીકને કારણે સામાજિક સતામણીનો ભોગ બની શકે છે.