મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે નવા CMની થશે શપથવિધિ, PM મોદી સહિતના નેતા રહેશે હાજર
MPના CM તરીકે મોહન યાદવ જ્યારે છત્તીસગઢમાં CM તરીકે વિષ્ણુદેવ સાઈ લેશે શપથ
CM oath ceremony : આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે શપથ સમારોહ યોજાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવ જ્યારે છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાઈ આજે શપથ ગ્રહણ કરશે. આ શપથ સમારોહમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના નેતા હાજર રહી શકે છે.
બંને સમારોહમાં વડાપ્રધાન સહિતના નેતા રહેશે હાજર
મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આજે થવા જઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં મોહન યાદવ સવારે 11.30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે જ્યારે છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાઈ સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ ઉપરાંત રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા મધ્યપ્રદેશમાં ડેપ્યુટી સીએમ હાજર હશે. જો કે હાલ એ સ્પષ્ટ નથી કે બંને નેતાઓ યાદવ સાથે શપથ લેશે કે નહીં. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈની સાથે બે ડેપ્યુટી સીએમ તેમજ તેમના 10 કેબિનેટ મંત્રી પણ રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શપથ લેશે. આ બંને સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.
બંને પ્રદેશમાં ભાજપે કેટલી બેઠકો જીતી?
ભાજપે છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી છે જ્યારે મધ્યપ્રદેશમાં સરકાર જાળવી રાખી છે. છત્તીસગઢની 90 બેઠકોમાંથી ભાજપે 54 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. અહીં કોંગ્રેસને 35 બેઠકો મળી છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપે 230માંથી 163 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી છે. જ્યારે કોંગ્રેસ 66 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.